ફ્લોરિડામાં ત્રાટકનાર વર્ષનું ત્રીજું વાવાઝોડું
અમેરિકામાં મિલ્ટન વાવાઝોડા સાથે ૧૯૩ કિમીની ઝડપે પવન ફુંકાયો , ૧૦ લાખ લોકો અંધારામાં
સેન્ટ પીટર્સબર્ગમાં ૨૪ કલાકમાં ૧૬ ઇંચ વરસાદ, છેલ્લા એક હજાર વર્ષમાં આ સૌથી વધુ : સમગ્ર વિસ્તારમાં ૩ કલાકમાં ૩ મહિનાનો વરસાદ પડયો : સેંકડો મકાનો ધરાશાયી થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે પૂર જેવી સ્થિતિ : અસરગ્રસ્ત વિસ્તારોના બે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા
અમેરિકાના અનેક શહેરોમાં ઇમરજન્સી
ફ્લોરિડાના અનેક શહેરોમાં ઇમરજન્સી લાદવામાં આવી છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર વાવાઝોડાની સાથે ડઝનબંધ ટોર્નડો અને તેના કારણે થયેલા નુકસાનની માહિતી પણ સામે આવી રહી છે.
અમેરિકામાં વાવાઝોડા મિલ્ટને તબાહી મચાવી છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર ફ્લોરિડામાં જોવા મળી રહી છે. બુધવારે રાત્રે ૮.૩૦ વાગ્યાની આસપાસ (ઇડીટી) વાવાઝોડાએ ફલોરિડાના ‘સિએસ્ટા કી’માં ટકરાયું. જેના કારણે ફલોરિડાના સેન્ટ પીટર્સબર્ગમાં ૨૪ કલાકમાં ૧૬ ઇંચ વરસાદ પડયો આ વિસ્તારમાં છેલ્લા એક હજાર વર્ષમાં આ સૌથી વધુ વરસાદ છે. સમગ્ર વિસ્તારમાં ૩ કલાકમાં ૩ મહિનાનો વરસાદ પડયો હતો. મિલ્ટન ફ્લોરિડામાં ત્રાટકનાર વર્ષનું ત્રીજું વાવાઝોડું છે.
સિએસ્ટા કીમાં દરિયાકાંઠે ટકરાતા પહેલા મિલ્ટન કેટેગરી ૫નું વાવાઝોડું હતું. અસર સમયે, તે કેટેગરી ૩ બની ગયું હતું અને હવે તેને કેટેગરી ૨ વાવાઝોડું જાહેર કરવામાં આવ્યું છે. આ છતાં તે વધુ જોખમી છે. જીવલેણ તોફાની લહેરો, ભયંકર પવન અને પૂર જેવા વરસાદ સાથે, મિલ્ટન એ જ કિનારે લેન્ડફોલ કર્યો જયાં થોડા અઠવાડિયા પહેલા હેલેના દ્વારા વિનાશ થયો હતો. મિલ્ટન વાવાઝોડાના કારણે અમેરિકામાં ૧૯૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે. અમેરિકન મીડિયા હાઉસ મુજબ ફ્લોરિડામાં લગભગ ૧૦ લાખ લોકોના ઘરોમાં વીજળી નથી. ૨૦ લાખ લોકો પૂરના જોખમમાં છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.
ધ એસોસિએટેડ પ્રેસના અહેવાલમાં ફ્લોરિડા ડિવિઝન ઓફ ઇમરજન્સી મેનેજમેન્ટના ડિરેકટર કેવિન ગુથરીને ટાંકવામાં આવ્યું હતું કે વાવાઝોડું કિનારે આવે તે પહેલા લગભગ ૧૨૫ ઘરો નાશ પામ્યા હતા. તેમાંથી ઘણા વરિષ્ઠ નાગરિકોના મોબાઇલ હોમ હતા. વાવાઝોડું લેન્ડફોલ કરે તે પહેલા, ગર્વન રોન ડીસેન્ટિસે કહ્યું કે બહુ મોડું થઇ ગયું છે અને તોફાન ખૂબ જોખમી છે. તેમણે લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ પણ કરી હતી.
વાવાઝોડાને કારણે ટૈમ્પા અને સરસોટાના એરપોર્ટને આગલી સૂચના સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. સેન્ટ પીટર્સબર્ગમાં ટૈમ્પા બે રેઝ બેઝબોલ ટીમનું ઘર, ટ્રોપિકાના ફિલ્ડ, તોફાનમાં ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયું છે. ગુંબજવાળા સ્ટેડિયમની છત તરીકે વપરાતું ફેબ્રિક ભારે પવનને કારણે ફાટી ગયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડામાં ઘણી ક્રેન્સ પણ પડી ગઇ હતી. સેન્ટર પીટર્સબર્ગના રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે શહેરમાં પાણીના મુખ્ય લાઇન તૂટી જતા તેમના ઘરોના નળમાં પાણી આવતું નથી.
મિલ્ટન વાવાઝોડું લોન્ડફોલ કરતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં વીજળી ડુલ થઇ ગઇ હતી. જેના કારણે ફ્લોરિડાના અંદાજે ૩૦ લાખ રહેવાસીઓ અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. પાવરઆઉટેજ.યુએસના જણાવ્યા અનુસાર વાવાઝોડાને કારણે ગુરુવારની સવાર સુધીમાં ૨૮ લાખથી વધુ ઘરો અને વ્યવસાયોમાં વિજળી ડુલ થઇ ગઇ હતી. સૌથી વધુ અસર સારાસોટા કાઉન્ટીમાં થઇ હતી. જયાં મિલ્ટને લેન્ડફોલ કર્યુ હતું.