Sardar Gurjari

બુધવાર, તા. ૬ નવેમ્બર, ૨૦૨૪, કારતક સુદ ૫, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૧૩૯

મુખ્ય સમાચાર :
કચ્છના માતાના મઢનો પત્રીવિધિ પૂજા રાજ પરિવારના હનુવંતસિંહ જાડેજા જ કરશે : ગુજરાત હાઈકોર્ટ
નવરાત્રિમાં આઠમના દિવસે થતી પત્રીવિધિને લઈને ઘણા સમયથી વિવાદ ચાલતો હતો
11/10/2024 00:10 AM Send-Mail
કચ્છના રાજવી પરિવાર વચ્ચે છેલ્લા ઘણાં સમયથી ચાલતા પત્રીવિધિ વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આદેશમાં સ્પષ્ટ કહી દીધું છે કે રાજ પરિવારના હનુવંતસિંહ જાડેજા જ પત્રીવિધિ કરશે. આ ચુકાદો પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિદેવીની તરફેણમાં આવ્યો હતો. નોંધનીય છે કે, કચ્છમાં આવેલા માતાના મઢમાં નવરાત્રિમાં આઠમના દિવસે થતી પત્રીવિધિનું ઘણું મહત્વ છે અને તે વિધિ કોણ કરે તેને લઈને ઘણા સમયથી વિવાદ ચાલતો હતો.

કચ્છના રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ પત્રીવિધિને લઈને લખપત-દયાપરની કોર્ટમાં વર્ષ ૨૦૧૦માં અપીલ કરીને માગ કરી હતી કે, 'માતાના મઢ ખાતે આવેલા કચ્છનાં દેશદેવી એવા કુળદેવી મા આસાપુરાના મંદિરમાં તેઓ અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિને ચામર-પત્રીવિધિ કરવા દેવામાં આવે.' આ મામલામાં દયાપરની કોર્ટે ચુકાદો આપ્યો કે, વિધિ માટે પ્રાગમલજી કોઈને અધિકાર કે નિયુક્ત કરી શકશે નહીં, જો કે, પ્રાગમલજી પોતે વિધિ કરી શકે છે. આ પછી ભુજની ડિસ્ટ્રીકટ કોર્ટમાં પ્રાગમલજી દ્વારા માતાના મઢ મંદિરના પૂજારી યોગેન્દ્રસિંહજી ગુરુ કરમશી રાજાબાવા સહિત દેવેન્દ્રસિંહજી જાડેજા અને હનુવંતસિંહ જાડેજા વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી.

જો કે, તેવામાં પ્રાગમલજી ત્રીજાનું નિધન થતા તેમના પત્ની મહારાણી પ્રીતિદેવીએ ભુજ કોર્ટમાં કેસ સંબંધિત અપીલ કરી. સ્વ. પ્રાગમલજી ત્રીજાએ તેમની હયાતીમાં ઈન્દ્રજીતસિંહ જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા અને દેવપરના કૃતાર્થસિંહ જાડેજાની કુંવર તરીકેની જાહેરાત કરી હતી. તે પણ આ મામલે પક્ષકાર તરીકે જોડાયા હતા. પરંતુ કોર્ટ દ્વારા ત્રણેયની અપીલ કાઢી નાખી હતી. અને આજીવન ચામર પત્રીવિધિ માટે પ્રીતિદેવીને હક હોવાનો ચુદાકો આપ્યો. કચ્છ-ભુજ આશાપુરા માતાજીના મંદિર ખાતે નવરાત્રિના પાવન પર્વના નવ દિવસ હોમ હવન કરવા ઉપરાંત, આઠમના રોજ પત્રીવિધિ કરવામાં આવે છે. આ દિવસે માતાજીની પૂજા અર્ચના કરવા માટે રાજપરિવારના મહારાવ સૂર્યોદય પહેલાં ચાચરકુંડમાં સ્નાન કરે છે. આ પછી આશાપુરા માતાના મંદિરમાં માતાજીના જમણા ખભા ઉપર ભુવો પત્રી છોડના પાંદડાનો એક ઝુમખો બનાવીને રાખે છે. આ દરમિયાન ડાક-ઝાંઝ વગાડવાની સાથે મહારાજા પછેડીનો પાથરી પત્રી મેળવવા માતાજીને રિઝવે છે. તેવામાં મહારાજાના ખોળામાં જ્યાં સુધી પત્રી પડતી નથી, ત્યાં સુધી મહારાજા ખડેપગે રહીને માતાજીની પ્રાર્થના કરે છે. આ પ્રકારની વિધિની પત્રીવિધિ કહેવામાં આવે છે.