આણંદ જિલ્લામાં દેશી તમાકુ ધરુના ભાવમાં ૩ માસમાં ૩ ગણો વધારો
જુલાઇમાં રૂ.૩૦૦માં મળતા ૧ હજાર તમાકુના છોડ હાલ ૮૦૦થી ૯૦૦ના ભાવે પહોંચ્યા: ખેડૂતો
આ વર્ષ માવઠું અને ચોમાસામાં ભારે પવન સાથેના ધોધમાર વરસાદ સહિતની સમસ્યાઓના કારણે અન્ય પાકોની સાથે તમાકુના પાકને ભારે નુકસાની પહોંચી હતી. અગાઉ બે વખત તમાકુની ઉછેરેલ ધરુ નિષ્ફળ રહેતા ખેડૂતો ત્રીજી વખત ખાસ કરીને દેશી તમાકુની રોપણી માટેનું આયોજન કરી રહ્યા છે. પરંતુ ધરુના ભાવમાં ત્રણ માસમાં ત્રણ ગણો વધારો હોવાથી જગતનો તાત ખેતી કેમની કરવીની આર્થિક વિટંબણા અનુભવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, જુલાઇ માસમાં તમાકુ ધરૂના ૧ હજાર છોડનો ભાવ રૂ. ૩૦૦ હતો, જે હાલમાં ૮૦૦થી ૯૦૦ના ભાવે પહોંચ્યો છે. ગત વર્ષ રૂ.૪૦૦થી પ૦૦નો ભાવ હોવાનું અનુભવી ખેડૂતોએ જણાવ્યું હતું.
આણંદ જિલ્લામાં આ વર્ષ બેવડી ઋતુ, વંટોળિયા સાથે ધોધમાર વરસાદ, નદીઓમાં છોડાતા પાણીના કારણે પૂરની સ્થિતિ સહિતના કારણોસર ખેડૂતોને સૌથી વધુ હાલાકીભરી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ખડ,ખાતર અને મહેનત સહિતના માધ્યમોથી તૈયાર કરેલ ડાંગર, તમાકુ સહિતનો પાક ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે આડો પડી જવાથી ભારે નુકસાની થઇ હતી. છેલ્લા પાંચેક માસમાં આ પ્રકારની ત્રણેક વખત સર્જાયેલી સ્થિતિના કારણે ખેડૂતો આર્થિક બેહાલીની સ્થિતિમાં મૂકાયા છે. જો કે સરકાર દ્વારા સર્વ હાથ ધરવામાં આવ્યો છે પરંતુ સહાયની રકમ ચૂકવવા અંગેનો સમય જાહેર કરવામાં આવ્યો નથી. જેથી દિવાળી અગાઉ સહાય ચૂકવાય તો શિયાળુ ખેતી માટે જરુરી આયોજન હાથ ધરી શકાય તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. જિલ્લામાં તમાકુ માટે જાણીતા સારસા, ઓડ, ખોરવાડ, ખંભોળજ, પ્રતાપપુરા, વહેરાખાડી, કુંજરાવ વગેરે ગામોમાં ત્રીજી વખત તમાકુ ધરો ઉછેરવામાં આવી છે અને હાલ તમાકુ રોપણીની સીઝન ચાલી રહી છે. જેમાં દિવાળી અગાઉ રોજગારી મળવાના કારણે મજૂર વર્ગમાં આનંદ વ્યાપ્યો છે. પરંતુ તમાકુ ધરુના ત્રણ ગણા ભાવ સાથે મજૂરી, વીજળીના ધાંધિયા, કુવા-નહેરના મોંઘા પાણી સહિતની સમસ્યાથી ખેડૂતો પરેશાનીભરી સ્થિતિનો સામનો કરી રહ્યાનું ચિત્ર જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, ત્રીજી વખત તમાકુ ધરુનો ખર્ચ કરવાથી ખેડૂતોને પાકની પડતર ઊંચી આવશે. વરસાદના કારણે અગાઉ બે વખત પાક ફેઇલ થયો હોવાથી કેટલાક ખેડૂતોએ અન્ય પાકો તરફ મન મનાવ્યું છે. જેથી આગામી સીઝનમાં તમાકુનો ઓછો પાક ઉતરવાની સામે ભાવના મામલે અફડાતફડીભર્યો માહોલ રહેશેની સંભાવના જાણકાર ખેડૂતોએ વ્યકત કરી હતી.