Sardar Gurjari

બુધવાર, તા. ૬ નવેમ્બર, ૨૦૨૪, કારતક સુદ ૫, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૧૩૯

મુખ્ય સમાચાર :
પાક્સ્તિાન : બલૂચિસ્તાનમાં અજાણ્યા બંદૂકધારીઓનો હુમલો, ૨૦ના મોત
કોલસાની ખાણ નજીક રહેતા લોકોને ઘેરી અંધાધૂંધ ગોળીબાર કર્યો
12/10/2024 00:10 AM Send-Mail
બંદૂકધારીઓએ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં કોલસાની ખાણ પર હુમલો કર્યો, જેમાં ૨૦ લોકો માર્યા ગયા અને સાત અન્ય ઘાયલ થયા. આ હુમલો ગુરુવારે (૧૦ ઓક્ટોબર) મોડી રાત્રે ડુકી જિલ્લામાં થયો હતો, જ્યાં બંદૂકધારીઓએ ખાણની નજીક રહેતા લોકોના ઘરોને ઘેરી લીધા હતા અને અંધાધૂંધ ગોળીબાર શરૃ કર્યો હતો.

પોલીસ અધિકારી હુમાયુ ખાન નાસિરે જણાવ્યું હતું કે મોટાભાગના માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકો બલૂચિસ્તાનના પશ્તુન-ભાષી વિસ્તારના હતા અને મૃતકોમાં ત્રણ અફઘાન નાગરિકો પણ હતા.

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આ હુમલો એવા સમયે થયો છે જ્યારે આગામી થોડા દિવસોમાં રાજધાની ઈસ્લામાબાદમાં એક મોટી સુરક્ષા સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે. હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી, પરંતુ આ વિસ્તાર લાંબા સમયથી અલગતાવાદી ગતિવિધિઓ માટે જાણીતો છે. અહીં ઘણા જૂથો પાકિસ્તાન સરકાર પર તેલ અને ખનિજથી સમૃદ્ધ બલૂચિસ્તાનના સંસાધનોનું અયોગ્ય રીતે શોષણ કરવાનો આરોપ લગાવે છે. આ એ વિસ્તાર છે જ્યાં મોટી સંખ્યામાં અલગતાવાદી નેતાઓ રહે છે અને તેમની આઝાદીની માંગ કરે છે. આ લોકોનો આરોપ છે કે પાકિસ્તાન સરકાર સ્થાનિક લોકોના ભોગે તેલ અને ખનિજથી સમૃદ્ધ બલૂચિસ્તાનનું અન્યાયી રીતે શોષણ કરી રહી છે.