આણંદ : કલેકટરે ૩ માસ અગાઉ ચોખ્ખી કરાવેલ ટૂંકી ગલીમાં ક્રમશ: ખડકાતા દબાણો
કેટલાક દુકાનદારો દ્વારા જ ફુટપાથ પર ગોઠવાતા માલસામાનના કારણે રાહદારીઓને રસ્તા પર ચાલવાની ફરજ, અકસ્માતનો ભય
કલેકટરના જાહેરનામાનો ભંગ છતાંયે પાલિકાનો દબાણ વિભાગ સુષુપ્ત !
આણંદ નગરપાલિકાના દબાણ વિભાગમાં ફોન કરનાર અરજદારોને લાંબા સમય સુધી રીંગ ટોન સાંભળવી પડતી હોવાની ફરિયાદો હજીયે યથાવત રહેવા પામી છે. તેમાંયે ફોન ઉંચકનાર કર્મચારી અરજદાર પાસેથી પૂરી વાત સાંભળ્યા બાદ આ સાહેબને કહેવું પડશે કહીને અન્યને ફોન પકડાવે છે. આમ ચોથા કે પાંચમા વ્યકિત સુધી ફોન પહોંચ્યા બાદ વાત થતી હોય છે. આજે પણ આવી ફેરફુદરડી બાદ પોતાની ઓળખ રમેશભાઇ પરમાર તરીકે આપનાર કર્મચારીએ ર૦૧રથી પાલિકા વિસ્તાર અવકુડામાં હોવાથી દબાણ અંગે ચીફ ઓફિસરને વાત કરો તેવી સૂફીયાણી સલાહ આપી હતી. જો કે અવકુડાના ચેરમેન ખુદ કલેકટર છે અને તેઓ દ્વારા દબાણમુકત કરાવેલ ટૂંકી ગલીમાં પુન: ખડકાતા દબાણો હટાવવાની જવાબદારી પાલિકાના વિભાગની હોય તે સ્વાભાવિક છે. છતાંયે સંભવિત તહેવારો ટાણે અગાઉના વર્ષોની જેમ પુન: હપ્તા વસૂલીનો કીડો હપ્તાખાઉ કર્મચારીઓના મનમાં ખદબદતો હોવાથી ટૂંકી ગલીના દબાણો મામલે કાર્યવાહીની ખો અધિકારીઓના માથે નાંખી રહ્યાનું ચિત્ર ઉદ્દભવી રહ્યું છે.
આણંદ રેલ્વે સ્ટેશન સામેના સુપર માર્કેટ-ટૂંકી ગલીમાં ખડકાતા જતા દબાણો અંગે વારંવારની રજૂઆતો બાદ કલેકટર દ્વારા ત્રણ માસ અગાઉ જાતે મેદાનમાં ઉતરીને ટૂંકી ગલીને દબાણ મુકત કરાવી હતી. સાથોસાથ વચ્ચોવચ્ચ ડીવાઇડરની બંને તરફે ખડકાતી લારીઓ, પાથરણાંવાળાઓને દૂર કરીને વાહનોની અવરજવર માટે વર્ષરથી બંધ કરાયેલો રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ટૂંકી ગલીમાં ખડકાતા જતા દબાણો પાછળ હપ્તાવસૂલી મુખ્ય કારણભૂત હોવાની વાત ચૌરેને ચૌટે ચર્ચાતી હતી. આથી શહેરીજનોની સલામતી અને વાહનોના આવાગમન માટે ટૂંકી ગલીને ખુલ્લી કરવાની કલેકટરની કામગીરીને જાગૃત શહેરીજનોએ આવકારી હતી. જો કે ટૂંકી ગલીમાં દુકાન ધરાવનારાઓ પૈકી કેટલાક દ્વારા દુકાનની આગળની જગ્યા વર્ષોથી ફેરીયાઓને ભાડે આપીને તગડું ભાડુ કમાવવાની આદત પડી હતી. જયારે તંત્રના કેટલાક કર્મચારીઓ પણ દબાણ કરનારાઓ પાસેથી હપ્તો વસૂલતા હોવાની જગજાહેર વાતના અગાઉ વિડીયો ફૂટેજ પણ વાયરલ થયા હતા.
હાલ નવરાત્રિ અને આગામી સમયમાં દિવાળીનો તહેવાર હોવાથી નાના રોજગારીઓને વ્યવસાય માટે જગ્યા ફાળવવા અંગે પાલિકામાં તાજેતરમાં વેન્ડર ઝોનની બેઠક યોજાઇ હતી. જેમાં ચીફ ઓફિસરે ટૂંકી ગલીમાં કોઇને પણ બેસવાની છૂટ નહીં મળેની સ્પષ્ટ વાત કરી હતી. સાથોસાથ નિયમોનુસાર બસ સ્ટેન્ડ પાછળના વેન્ડીંગ ઝોન અને અન્ય સ્થળોના વેન્ડીંગ ઝોન અંગે સરકારમાંથી આવેલ સૂચના મુજબ કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું.
પરંતુ નાના ધંધાર્થીઓની રોજગારીનું બહાનું આગળ ધરીને કેટલાક હપ્તાખાઉ દુકાનદારો, કર્મચારીઓએ ટૂંકી ગલીમાં છેલ્લા અઠવાડિયાથી ધીમે ધીમે દબાણકારોને જગ્યા ફાળવવા માંડી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. બીજી તરફ ટૂંકી ગલીમાંથી વાહનોની અવરજવર થતી હોવાથી દુકાનોની આગળ ફુટપાથને ખુલ્લી રાખવાનો કલેકટરનો નિર્દેશ હતો. છતાંયે કેટલાક દુકાનદારો દ્વારા પોતાની દુકાનનો માલસામાન ફુટપાથ પર ખડકી દેવામંાં આવે છે. જેના કારણે ગ્રાહકો, રાહદારીઓને રોડ પર ચાલવાની ફરજ પડી રહી છે. જેથી આવતા,જતા વાહનો સાથે અકસ્માતની ભીતિ વ્યકત થઇ રહી છે.
આમ, ટૂંકી ગલીમાં પુન: ગંભીર સ્થિતિનું સર્જન થઇ રહયું હોવા છતાંયે પાલિકાનો દબાણ વિભાગ કલેકટરના હુકમનું પાલન કરવાની નૈતિકતા દાખવતો ન હોવાનું જોવા મળે છે. જેના કારણે દિવાળી સુધીમાં પુન: ટૂંકી ગલી અને તેની આસપાસનો વિસ્તાર નાના, મોટા દબાણકારોથી ચકકાજામ બની જશે. પરિણામે એસ.ટી.બસ સહિતના વાહનોને અવરજવરમાં અને રાહદારી, સ્ટેશનના મુસાફરોને આ રસ્તેથી પસાર થવામાં પારાવાર હાડમારી ભોગવવી પડશે.