Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ખંભાત : મિત્રતામાં હાથ ઉછીના ર.ર૦ લાખનો ચેક પરત કેસમાં ૧ વર્ષની કેદ, રૂ.૧૦ હજાર દંડ
જયેશભાઇ ગાંધીએ મિત્રતામાં સુંદરપુરા (ઉંદેલ)ના સંજય ચાવડાને ઉછીના નાણાં આપ્યા હતા
12/10/2024 00:10 AM Send-Mail
ખંભાતમાં રહેતા વ્યકિતએ મિત્રતામાં સુંદરપુરા (ઉંદેલ)ના વ્યકિતને પખવાડિયાના વાયદે ર.ર૦ લાખ ઉછીના આપ્યા હતા. જેની મુદ્દત બાદ ઉઘરાણી કરતા આપેલ ચેક સહીમાં ફેરફારના શેરા સાથે પરત ફર્યો હતો. આથી નોટિસ મોકલવા છતાંયે ચેકના નાણાં ન મળતા ખંભાત કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે રજૂ થયેલ તમામ પુરાવા સહિતના પાસા ધ્યાને લઇને આરોપીને એક વર્ષની કેદ અને રુ.૧૦ હજાર દંડ કર્યો હતો. ઉપરાંત ચેકની રકમ ફરિયાદીને ચૂકવવા અને ચૂકવણીમાં નિષ્ફળ જાય તો વધુ ૩ માસની કેદની સજાનો હૂકમ કર્યો હતો.

મળતી વિગતોમાં ખંભાતમાં રહેતા જયેશભાઇ ચંદુભાઇ ગાંધીએ સુંદરપુરાના સંજયભાઇ જશુભા ચાવડાને મિત્રતામાં ૩૦ જાન્યુ.ર૦ર૩ના રોજ પખવાડિયાના વાયદે ર.ર૦ લાખ હાથ ઉછીના આપ્યા હતા. વાયદા મુજબ નાણાં પરત ન મળતા ઉઘરાણી કરતા સંજયભાઇએ ૩૦ નવે.ર૦ર૩નો ચેક આપ્યો હતો. જે બેંકમાં રજૂ કરતા સહીમાં ફેરફારના શેરા સાથે પરત ફર્યો હતો. આથી ૧પ ડિસે.ર૦ર૩ના રોજ નોટિસ મોકલવા છતાંયે ચેકના નાણાં ન મળતા જયેશભાઇએ ખંભાત કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

આ કેસમાં રજૂ થયેલ તમામ મૌખિક,દસ્તાવેજી પુરાવા સહિતની બાબતોને ધ્યાને લઇને કોર્ટે ટાંકયું હતું કે, ચેક રીટર્ન થયેલ છે એ હકીકત છે અને નોટિસનો અર્થ એ છે કે, આરોપી વિરુદ્ઘ કોઇ પ્રોસીકયુશન કરતા પહેલા તેને નાણાં ચૂકવવાની તક મળે. પરંતુ સમન્સ બજી જવા છતાંયે આરોપીએ નાણાં કોર્ટમાં જમા કરાવવા માટે કોઇ તૈયારી દર્શાવેલ નથી. તાજેતરમાં આ કેસમાં ન્યાયાધીશ ભરતભાઇ હરદાસભાઇ ઓડેદરા (એડી.ચીફ.જયુડી.મેજી.,ખંભાત)એ આરોપી સંજયભાઇ ચાવડાને ધી નેગો.ઇન્સ્ટ´.એકટની કલમ ૧૩૮ના ગુનામાં દોષિત ઠરાવી એક વર્ષની કેદનો હૂકમ કર્યો હતો. ઉપરાંત આરોપીને રૂ.૧૦ હજારનો દંડ કર્યો હતો. વધુમાં ક્રિ.પ્રો.કોડની કલમ ૩પ૭(૩) અન્વયે રૂ.ર.ર૦ લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવવા, ચૂકવણીમાં નિષ્ફળ જાય તો વધુ ૩ માસની સજા ભોગવવાનો હૂકમ કર્યો હતો.