પરવાનગી વિના જાહેર સભાઓને અટકાવતી BNSની કલમ ૧૬૩ લોકશાહી પર ડાઘ છે : સોનમ વાંગચુક
-અદાલતોએ ધ્યાન આપવું જોઈએ -લદ્દાખને સંપૂર્ણ રાજયનો દરજ્જો આપવા અને તેને છઠ્ઠી સૂચિમાં સામેલ કરવાની માંગ સાથે ૬ ઓકટો.થી ભૂખ હડતાળ -સોનમ પોતાની માંગણીઓ સાથે ૧ સપ્ટેમ્બરે દિલ્હી સુધી પગપાળા કૂચ પર નીકળ્યા હતા
દિલ્હીમાં લદ્દાખ ભવન બહાર ભૂખ હડતાળ પર બેઠેલા પ્રદર્શનકારીઓની પોલીસે રવિવારે અટકાયત કરી હતી. અહીં, આબોહવા કાર્યકર્તા સોનમ વાંગચુક ૬ ઓકટોબરથી લદ્દાખને સંપૂર્ણ રાજયનો દરજ્જો આપવા અને તેને છઠ્ઠી સૂચિમાં સામેલ કરવાની માંગ સાથે ભૂખ હડતાળ પર છે.
વાસ્તવમાં, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસ)ની કલમ ૧૬૩ દિલ્હીમાં લાગુ છે. તે પરવાનગી વિના જાહેર સભાઓ પર પ્રતિબંધ મૂકે છે. અગાઉ એવું કહેવામાં આવ્યુું હતું કે વાંગચુકની પણ અટકાયત કરવામાં આવી છે, પરંતુ પોલીસે સ્પષ્ટતા કરી હતી કે તેમની અટકાયત કરવામાં આવી નથી.
પોલીસ કાર્યવાહી પર વાંગચુકે એક વીડિયો સંદેશમાં કહ્યું - લોકશાહીની જનની આખા વર્ષ દરમિયાન આવા પ્રતિબંધો હેઠળ રહે છે તે દુ:ખદ છે. કાયદો અને વ્યવસ્થા ખોરવાઇ જવાની શકયતા હોય ત્યારે જ તેનો અમલ થાય છે. આવી કલમો કાયમી ધોરણે કેવી રીતે લાદી શકાય ? આ આપણી લોકશાહી પર એક ડાઘ છે. અદાલતોએ આ તરફ ધ્યાન આપવું જોઇએ.
જયારે, પોલીસે કહ્યું કે પ્રદર્શનકારીઓને લદ્દાખ ભવન બહાર બેસવાની પરવાનગી નથી. વાંગચુકે જંતર-મંતર પર પ્રદર્શન કરવાની પરવાનગી માંગી છે. તેમની અરજી પેન્ડિંગ છે. તેમની પાસે અન્ય કોઇ જગ્યાએ પ્રદર્શન કરવાની પણ પરવાનગી નથી. અમે કેટલાક લોકોની અટકાયત કરી છે. તેમને ટૂંક સમયમાં છોડી દેવામાં આવશે.
જંતર-મંતર ખાતે ઉપવાસને મંજૂરી ન મળવાના કારણે આપવામાં આવી આવી ન હતી. આ પછી, સોનમે ૬ ઓકટોબરે સવારે એક પોસ્ટમાં કહ્યું- અમે શાંતિથી ઉપવાસ કરવા માંગીએ છીએ, પરંતુ અમને પરવાનગી મળી નથી. અમને લદ્દાખ ભવનમાં નજરકેદ કરવામાં આવ્યા છે. અમે અહીંથી ઉપવાસ કરી રહ્યા છીએ. સોનમે કહ્યું-લેહથી દિલ્હીમાં સેંકડો લોકો આવ્યા છે. જેમાં મહિલાઓ,ભૂતપૂર્વ સૈનિકો, ૭૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ઘોનો સમાવેશ થાય છે.
સોનમ પોતાની માંગણીઓ સાથે ૧ સપ્ટેમ્બરે દિલ્હી સુધી પગપાળા કૂચ પર નીકળ્યા હતા. તેમની કૂચ ૨ ઓકટોબરે રાજઘાટ પર સમાપ્ત થવાની હતી. સોનમ અને ૧૫૦ લોકો ૩૦ સપ્ટેમ્બરની રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. તેઓ દિલ્હીની સિંધુ બોર્ડર પર રાત વિતાવવા માગતા હતા.
દિલ્હીમાં ૫ ઓકટોબર સુધી કલમ ૧૬૩ લાગુ હતી. દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને પાછા જવા કહ્યું. તેઓ રાજી ન થતાં પોલીસે તમામની અટકાયત કરી હતી. આ પછી વાંગચુક ૧ ઓકટોબરના રોજ પોલીસ સ્ટેશનમાં જ ઉપવાસ પર બેઠા હતા.
તે જ દિવસે પોલીસ સ્ટેશનમાંથી મુકત થયા બાદ વાંગચુક રાત્રે દિલ્હીના મધ્ય વિસ્તાર તરફ જઇ રહ્યા હતા. પોલીસે તેમને રોકયા, પરંતુ તેઓ માન્યા નહી. આ પછી બીજી વખત પોલીસે તેમની અટકાયત કરી હતી.
વાંગચુક અને તેમના સાથીઓને ૨ ઓકટોબરના રોજ મુકત કરવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાથી બહાર આવ્યા બાદ તે દિલ્હી પોલીસની દેખરેખમાં રાજઘાટ ગયા હતા. ત્યાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ઘાંજલી આપી હતી.
આ પછી સોનમે કહ્યું - અમે સરકારને એક મેમોરેન્ડમ આપ્યું છે કે લદ્દાખને બંધારણીય જોગવાઇઓ હેઠળ સુરિક્ષત કરવામાં આવે. મને ગૃહ મંત્રાલય દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં હું પીએમ અથવા રાષ્ટ્રપતિને મળીશ.
સોનમે કહ્યું - અમે રાજઘાટ પર ઉપવાસ તોડયા હતા. ટોચના નેતાઓની બેઠક દરમિયાન અનૌપચારિક ચર્ચાઓ જઇ હતી. અમને મીટિંગનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ કોઇતારીખ મળી ન હતી. તેમણે કહ્યું કે આથી અમને અમારા ઉપવાસ ફરી કરવાની ફરજ પડી હતી જે અમે રાજઘાટ તોડયા હતા. અમને પીએમ મોદી, ગૃહમંત્રી શાહ કે રાષ્ટ્રપતિને મળવાનો સમય આપવામાં આવ્યો નથી.