સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સના ૩ કરોડ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સ ૬૮૦૦૦ ડોલરની ખંડણી માંગી
આ ડેટા લીક કરવા માટે હેકરે ટેલિગ્રામ ચેટબોટ અને એક વેબસાઇની મદદ લીધી હતી
વધતી જતી ટેકનોલોજી સાથે, સાયબર હૂમલા અને હેકિંગના કેસ ઝડપથી વધી રહ્યા છે. ખરેખર, સ્ટાર હેલ્થના ૩ કરોડથી વધુ ગ્રાહકોની વિગતો ચોરાઇ છે. કંપનીએ ખુલાસો કર્યો હતો કે મોટા સાયબર હૂમલામાં ગ્રાહકનો ડેટા લીક થયા બાદ તેને ૬૮,૦૦૦ ડોલર (લગભગ રૂા.૫૭ લાખ)ની ખંડણીની ધમકી આપવામાં આવી હતી.
લીક થયેલા ડેટામાં ગ્રાહકોની અંગત સ્વાસ્થ્ય માહિતી, ટેકસની વિગતો અને મેડિકલ કલેમ દસ્તાવેજોનો સમાવેશ થાય છે.આ ડેટા લીક કરવા માટે હેકરે ટેલિગ્રામ ચેટબોટ અને એક વેબસાઇની મદદ લીધી હતી. આ મામલાની પહેલી માહિતી૨૦ સપ્ટેમ્બરે મીડિયા રિપોર્ટસમાં સામે આવી હતી.
સ્ટાર હેલ્થ આ મામલે આંતરિક તપાસ શરૂ કરી છે અને ટેલિગ્રામ અને હેકર સામે કાયદાકીય કાર્યવાહી પણ કરી રહી છે. હેકર તેની વેબસાઇટ દ્વારા સતત ડેટ સેમ્પલ શેર કરી રહ્યો છે. ઓગસ્ટમાં, હેકરે કંપનીના મેનેજિંગ ડિરેકટર અને ચીફ એકિઝકયુટિવ ઓફિસરને એક ઇમેલ મોકલીને ખંડણીની માંગણી કરી હતી, જેની કંપનીએ શનિવારે પુષ્ટિ કરી હતી.
ઇન્ડિયન સ્ટોક એકસચેન્જના મીડિયા અહેવાલોના પ્રશ્નો બાદ,કંપનીએ કહ્યું કે તે તેના મુખ્ય સુરક્ષા અધિકારી અમરજીત ખાનુજાના ડેટા લીકમાં સામેલ હોવાના આરોપોની તપાસ કરી રહી છે. જોકે શનિવારે કંપનીએ એમ પણ કહ્યું કે અત્યાર સુધી તેમના તરફથી કોઇ ભૂલ મળી નથી. પરંતુ આંતરિક તપાસ હજુ પણ ચાલી રહી છે.
ટેલિગ્રામે ‘એકસઝેન’ નામના હેકરના એકાઉન્ટને બ્લોક કરવાનો અથવા તેની માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. સ્ટાર હેલ્થે તેની સામે કાનૂની નોટિસ જારી કરી છે અને ભારતીય સાયબર સુરક્ષા સત્તાવાળાઓ પાસેથી મદદ માંગી છે. ટેલિગ્રામ તરફથી હજુ સુધી કોઇ જવાબ આવ્યો નથી.હવે આ મામલો કઇ દિશામં આગળ વધે તે જોવું રહ્યું.