રંગાઈપુરામાં ભારત ગેસનું શટર તોડીને તસ્કરો ૧૦૫૭૦ રૂા.ની રોકડ ચોરી ફરાર
-કોઈ વજનદાર વસ્તુથી શટર ઉંચુ કરીને તોડી નાંખ્યું હતુ
શીકલીગર ગેંગ હોવાની શક્યતા
રંગાઈપુરા ખાતે આવેલી ભારત ગેસની ઓફિસનું શટર તોડીને અંદરથી રોકડ રકમની થયેલી ચોરીમાં શીકલીગર ગેંગ સંડોવાઈ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર શીકલીગર ગેંગ મધ્યરાત્રીથી વહેલી સવારના સુમારે વાહન લઈને જે તે જગ્યાએ ત્રાટકે છે અને લોખંડની મોટી નરાશ દુકાનના શટરની વચ્ચે નાંખીને બળપુર્વક આખુ શટર ઉંચુ કરીને તોડી નાંખે છે. ત્યારબાદ અંદર પ્રવેશ કરીને જે કોઈ કિંમતી માલમત્તા તેમજ રોકડ રક મળે તે ચોરીને ત્યાંથી ફરાર થઈ જાય છે. જેથી પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ઘરી છે.
પેટલાદ તાલુકાના રંગાઈપુરા ગામે આવેલા એમ. સી. પટેલ એન્ડ કંપની (ભારત ગેસ)ની ઓફિસમાં ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા કેટલાક તસ્કરોએ શટર તોડીને અંદર પ્રવેશ કરીને ૧૩૫૭૦ રૂપિયાની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે પેટલાદ શહેર પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે.
ચોરીની મળતી વિગતો અનુસાર બોરસદ ખાતે રહેતા ફરિયાદી હેતલભાઈ સુભાષભાઈ બારોટ રંગાઈપુરા બસસ્ટેન્ડ નજીક આવેલી ભારત ગેસની ઓફિસમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત ૧૧મી તારીખના રોજ સાંજના સુમારે ઓફિસ બંધ કરીને હિસાબ-કિતાલ કરીને મોટી રકમ પોતાની પાસે લઈ લીઘી હતી જ્યારે ઓપનીંગ સીલક તરીકેની ૧૦૫૭૦ રૂપિયા કેશિયર અજયભાઈને આપી હતી. ત્રણેક હજારના પરચુરણ સાથે કુલ ૧૩૫૭૦ રૂપિયાની રોકડ રકમ અજયભાઈએ પોતાના ટેબલના ડ્રોવરમાં મુકી હતી. ત્યારબાદ દુકાન બંધ કરીને તમામ પોત પોતાના ઘરે જતા રહ્યા હતા. બીજા દિવસે દશેરાની રજા હોય, ઓફિસ ખોલી નહોતી.
દરમ્યાન આજે કેશિયરે હેતલભાઈને ફોન કરીને દુકાનનું શટર તુટેલું હોવાની તેમજ ચોરી થયાની જાણ કરી હતી. જેથી હેતલભાઈ તુરંત જ ત્યાં પહોંચી ગયા હતા અને તપાસ કરતા દુકાનનું શટર કોઈ વજનદાર હથિયારથી ઉંચુ કરી નાંખ્યું હતુ અને અંદર પ્રવેશ કરીને બધો સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો. ત્યારબાદ કેશિયારના ટેબલમાંથી ૧૩૫૭૦ રૂપિયા રોકડાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પેટલાદ શહેર પોલીસને કરવામાં આવતાં પોલીસ આવી પહોંચી હતી અને હેતલભાઈની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને તસ્કરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરી છે.