Sardar Gurjari

શનિવાર, તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૫, મહા વદ ૩, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૨૩૭

મુખ્ય સમાચાર :
બિહાર : પ ફુટ પહોળી અને ૮૦ ફુટ લાંબી જમીનમાં યુવાને બનાવી દીધી ૬ માળની ઇમારત
રોજગાર મેળવવા બનાવેલ ઇમારતમાં શરુ કરાયો કપડાંનો શોરૂમ, લોકો માટે સેલ્ફી પોઇન્ટ
28/10/2024 00:10 AM Send-Mail
બિહારના સહરસાના રહેવાસી અમિત યાદવે મહેનત અને કાંઇક નવું કરવાના ઝનૂન સાથે અનોખી કારીગરી કરી બતાવી છે. જે હવે જિલ્લાની સાથે રાજયમાં ચર્ચાનો વિષય બની છે. અમિતે માત્ર પ ફુટ પહોળી અને ૮૦ ફુટ લાંબી જમીન પર છ માળની ઇમારત ઉભી કરી છે. જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ઇમારત ખાસ કરીને રોજગારી મેળવવાના આશયથી બનાવવામાં આવી હતી. જેમાં અમિતે કપડાંનો શોરૂમ શરુ કર્યો છે.

સહરસાના વૈજનાથપુર સ્થિત સબેલા વિસ્તારમાં આવેલી આ અનોખી સંરચના ધરાવતી ઇમારતને લોકો એફિલ ટાવરના નામથી ઓળખે છે. શહેર અને આસપાસના વિસ્તારના લોકો આ છ માળની ઇમારત જોવા ખાસ આવે છે અને ઇમારતનો સેલ્ફી પોઇન્ટ તરીકે પણ ઉપયોગ કરે છે. જો કે માંડ પ ફુટ પહોળી જમીનમાં ઇમારત ઉભી કરેલી જોઇને સૌકોઇને આશ્ચર્ય થઇ રહયું છે.

જો કે આ મકાન તૈયાર કરવામાં અમિતે કોઇ એન્જિનીયરની મદદ લીધી નહતી. તેણે પોતે મકાનનો નકશો તૈયાર કર્યો હતો અને સ્થાનિક મજૂરોની મદદથી ઇમારત ઉભી કરી હતી. આ છ માળની ઇમારત તૈયાર કરવામાં લગભગ ૯૦ લાખનો ખર્ચ થયો છે. કોરોના મહામારીના સમયે શરુ કરેલ ઇમારત બનાવવાની કામગીરી એક વર્ષમાં પૂર્ણ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ ઇમારતના નિર્માણમાં ખાસ પ્રકારની ઇંટોનો ઉપયોગ કરાયો છે. જે ઇંટોના ભઠ્ઠામાં અલગ પ્રકારે તૈયાર કરાવવામાં આવી હતી. જો કે રસ્તાની સાવ નજીક આવેલા મકાનને જોવા ટોળે વળતા સહેલાણીઓના કારણે ટ્રાફિકજામ અને કયારેક અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે.