આંધ્રપ્રદેશના ગામનું નામ છે ‘દીપાવલી’, અહીં પાંચ દિવસ સુધી થાય છે પર્વ ઉજવણી
અગાઉના સમયમાં ગામલોકોએ દીવો લઇને બેભાન રાજાની સેવાસુશ્રુષા કરતા ગામનું નામ પડયું દીપાવલી
કાર્તિક પૂર્ણિમા અગાઉ આવનાર અમાવાસ્યાને દીપાવલી કહેવામાં આવે છે. પરંતુ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના ગાર મંડલમાં એક ગામનું નામ દીપાવલી છે. અહીં પાંચ દિવસ સુધી ઉત્સવની ઉજવણી સાથે પિતૃઓની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
લોકવાયકાનુસાર અગાઉના સમયમાં શ્રીકાકુલમ પર શાસન કરતા રાજા ગામની નજીકથી શ્રીકૂર્મનાથજીના દર્શન કરવા પસાર થઇ રહ્યા હતા. દર્શન કરીને પરત આવવા સમયે એકાએક રાજા બેભાન થઇ ગયા હતા. આ અંગે જાણ થતા ગામલોકો દીવો લઇને રાજાની પાસે ગયા હતા. પાણી પીવડાવીને સેવા-સારવાર કરી હતી. ત્યારબાદ ભાનમાં આવેલા રાજાએ ગામનું નામ પૂછયું તો લોકોએ કહયું કે અમારા ગામનું કોઇ નામ નથી. આથી રાજાએ કહયું કે, તમે દીવાના પ્રકાશમાં મારી સેવા કરી છે આથી આ ગામનું નામ હું દીપાવલી રાખું છું.
દીપાવલી ગામમાં સોંડી જાતિના લોકો દિવાળીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્થાનાધિકાર પૂજા અને પિતૃકર્મ કરે છે. અહીંના સોંડી સમુદાયના લોકો દિવાળીના દિવસે પોતાના પૂર્વજોના આશિર્વાદ મેળવવા પિતૃ પૂજન કરે છે અને નવા કપડાં પહેરે છે. ગામમાં દિવાળીના દિવસોમાં નવા જમાઇનું સ્વાગત-સન્માન કરવામાં આવે છે.