યુક્રેન-રશિયા યુદ્ઘમાં ઉત્તર કોરિયાના કિમ જોંગની એન્ટ્રી થતાં અમેરિકાએ આપી ચેતવણી
ઉત્તર કોરિયાના જે સૈનિકો રશિયા સાથે યુક્રેનમાં યુદ્ઘ કરવા જાય છે તેમના બોડી બેગમાં પરત કરવામાં આવશે : અમેરિકા
હવે યુક્રેન અને રશિયાના યુદ્ઘમાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનની એન્ટ્રી થઇ છે. અમેરિકાએ હાલમાં જ કહ્યું કે કિમ જોંગે રશિયાની મદદ માટે ૧૦ હજાર સૈનિકો રશિયા મોકલ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ એશિયાથી લઇને યુરોપ સુધી હલચલ મચી ગઇ હતી. બુધવારે સંયુકત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂતે કિમ જોંગ ઉનનું નામ લઇને ચેતવણી આપી હતી અને કહ્યું કે ઉત્તર કોરિયાના જે સૈનિકો રશિયા સાથે યુક્રેનમાં યુદ્ઘ કરવા જાય છે તેમના મૃતદેહ બેગમાં પરત કરવામાં આવશે. નોંધનીય છે કે ઉત્તર કોરિયાના સૈનિકો યુક્રેનમાં પ્રવેશ કરશે તો આ પ્રથમ વખત બનશે કે કોઇ ત્રીજો દેશ આ યુદ્ઘમાં પ્રવેશ કરશે. અમેરિકા અને નાટોએ ખુલ્લેઆમ યુક્રેન માટે તેમના સમર્થનની વાત કરી છે, જોકે તેમના સૈનિકો સીધા યુદ્ઘમાં સામેલ થયા નથી.
યુએસ એમ્બેસેડર રોબર્ટ વુડે બુધવારે યુએન સિક્યુરિટી કાઉન્સીલને જણાવ્યું હતું કે જો ઉત્તર કોરિયાના સૈનિકો રશિયાના સમર્થનમાં યુક્રેનમાં પ્રવેશ કરશે, તો તેઓ ચોક્કસપણે બોડી બેગમાં પાછા આવશે. તેમણે ઉમેર્યુ, તેથી હું અધ્યક્ષ ડીમને સલાહ આપીશ કે આવી અવિચારી અને ખતરનાક કાર્યવાહી શરૂ કરતા પહેા બે વાર વિચાર કરો.
આ દરમિયાન સંયુકત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂતે બુધવારે પોતાનું વલણ રજૂ કરતા કહ્યું કે જો યુરોપીયન દેશો અને અમેરિકા યુક્રેનને મદદ કરી રહ્યા છે તો ઉત્તર કોરિયા જેવા તેના મિત્રો રશિયાની મદદ માટે કેમ આગળ નથી આવી શકતા. રશિયાએ કહ્યું છે કે ઉત્તર કોરિયા સાથે રશિયાની સૈન્ય ડીલ કોઇપણ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરતી નથી. અગાઉ, રશિયાએ યુદ્ઘમાં ઉત્તર કોરિયાના સૈનિકોની ભાગીદારીનો ઇનકાર કર્યો નથી. આ બેઠકમાં અમેરિકા, બ્રિટન, દક્ષિણ કોરિયા,યુક્રેન અને અન્ય દેશોએ આ મામલે તીખી પ્રતિક્રિયા આપી હતી. આ દેશોએ પુતિન પર ઉત્તર કોરિયામાં સૈનિકો તૈનાત કરીને સંયુકત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે