હિઝબુલ્લાહનો ઈઝરાયેલ પર રોકેટ હૂમલો, સાતના મોત
માર્યા ગયેલા લોકોમાં એક ઇઝરાયેલનો અને બાકીના વિદેશી નાગરિકો
ઇઝરાયેલમાં મેતુલા અને હાઇફા નજીક હિઝબુલ્લાહના રોકેટ હૂમલામાં સાત લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલના અધિકારીઓએ જણાવ્યું છે કે સરહદી શહેર મેટુલા નજીક સફરજનના બગીચામાં કામ કરતા લોકો ગુરુવારે સવારે લેબનોનથી છોડવામાં આવેલા રોકેટથી અથડાઇ ગયા હતા. ઇઝરાયેલમાં તાજેતરના સમયમાંઆ સૌથી મોટો હૂમલો છે, જેમાં સાત નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે ઉત્તરી ઇઝરાયેલમાં લેબનોનથી થયેલા હૂમલામાં માર્યા ગયેલા નાગરિકોની સંખ્યા વધીને ૩૯ થઇ ગઇ છે.
ટાઇમ્સ ઓફ ઇઝરાયેલના અહેવાલ મુજબ લેબનોનથી હિઝબુલ્લાહ હૂમલામાં માર્યા ગયેલા તમામ ખેતમજૂરો હતા જે હૂમલા સમયે બગીચામાં કામ કરી રહયા હતા. માર્યા ગયેલા લોકોમાં એક ઇઝરાયેલનો અને બાકીના વિદેશી નાગરિકો છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ તેના નિવેદનમાં મેટુલા વિસ્તારમાં લેબનોનથી થયેલા રોકેટ ફાયરિંગ અને મોતોની પુષ્ટિ કરી છે.
ઇઝરાયેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે બે અલગ-અલગ હૂમલામાં સાતના મોત થયા છે. પ્રથમ હૂમલો મેટુલામાં થયો હતો, અને થોડા કલાકો પછી હાઇફામાં કિરયાત અતાની બહાર ઓલિવ ગ્રોવમાં વધુ બે લોકો માર્યા ગયા હતા, જયાં હિઝબુલ્લાહે પણ ઘણા રોકેટ છોડયા હતા. હાઇફામાં રોકેટ ફાયરને કારણે મૃત્યુ પામેલા લોકોમાં માતા અને પુત્ર છે, જેઓ હૂમલાનો ભોગ બન્યા હતા.
આઇડીએફ અનુસાર, હિઝબુલ્લાહે હૂમલામાં હાઇફા વિસ્તાર અને ઉત્તરના અન્ય ભાગોમાં ૨૫થી વધુ રોકેટ છોડયા હતા. ઘણા લોકો આનાથી પ્રભાવિત થયા હતા જયારે કેટલાક ખાલી વિસ્તારોમાં પડયા હતા. હિઝબુલ્લાહએ ગયા વર્ષ ૮ ઓકટોબરના રોજ ઉત્તરી ઇઝરાયેલમાં રોકેટ અને ડ્રોન છોડવાનું શરૂ કર્યુ હતું. છેલ્લા એક વર્ષમાં પહેલીવાર ઉત્તરમાં થયેલા હુમલામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે.
ઈઝરાયેલી મીડિયાએ જણાવ્યું હતું કે ગયા મહિને લડાઇ વધી ત્યારથી ઉત્તર ઇઝરાયેલ માટે આ હૂમલો સૌથી ભયંકર દિવસ હતો અને હિઝબુલ્લાએ ૨૭ જુલાઇના રોજ મજદલ શમ્સના ડ´ઝ શહેરના એક પાર્ક પર રોકેટ હૂમલામાં ૧૨ બાળકોની હત્યા કરી હતી. આ હુમલા બાદ ઇઝરાયેલે લેબનોનમાં હૂમલા વધુ તીવ્ર બનાવવાના સંકેત પણ આપ્યા છે.