૧૦૮ ઇમરજન્સી સેવા : દિવાળીના દિવસે આણંદ જિલ્લામાં રર ટકા અને ખેડામાં ૪ ટકા કેસનો વધારો
આણંદ જિલ્લામાં ૯ર ટકા અને ખેડામાં ૧૧૪ ટકા વધુ માર્ગ અકસ્માતના કોલ મળ્યા
આણંદ, ખેડા જિલ્લામાં દિવાળીના પર્વ નિમિત્તે ૧૦૮ ઇમરજન્સી વાનના પાયલટ સહિતની ટીમો કાર્યરત રહી હતી. સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળી નિમિત્તે ઇમરજન્સી કોલ, અકસ્માતની વધુ સંભાવના રહેતી હોય છે. આથી ઉભી થનાર મુશ્કેલ સ્થિતિને ધ્યાને રાખીને સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરુપે આણંદ, ખેડા જિલ્લામાં ૧૦૮ ઇમરજન્સી વાન સતત દોડતી રહી હતી.
આણંદ જિલ્લામાં સામાન્ય દિવસોમાં મળતા ઇમરજન્સી કોલની સંખ્યા દિવાળીના દિવસે રર.૪૩ ટકા વધી હતી. જેમાં સામાન્ય દિવસોમાં ૧૦૭ કોલની જગ્યાએ ૧૩૧ કોલ મળ્યા હતા. જયારે ખેડા જિલ્લામાં સામાન્ય દિવસોમાં ૧૦૬ કોલની સામે દિવાળીના દિવસે પ કોલ વધુ, ૪.૭ર ટકાનો વધારો જોવા મળ્યો હતો. જો કે દિવાળી પર્વ દાઝી જવાના કિસ્સામાં માત્ર આણંદ જિલ્લામાં એક નોંધાયો હતો.
દિવાળી પર્વ આણંદ, ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો હોવા સાથે સામાન્ય દિવસોની સરખામણીએ ૧૦૮ વાનને સૌથી વધુ કોલ મળ્યા હતા. જેમાં ખેડા જિલ્લામાં સામાન્ય રીતે ૧૪ની જગ્યાએ ૩૦ કોલ (૧૧૪.ર૯ ટકા વધારો) અને આણંદ જિલ્લામાં ૧૩ની જગ્યાએ રપ (૯ર.૩૧ ટકા વધારો) અકસ્માતના કોલ મળ્યા હતા. ૧૦૮ વાનના કર્મીઓએ ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને સારવાર સહિત હોસ્પિટલમાં ખસેડવા સુધીની કામગીરી નિભાવી હતી.