ભાજપે મુખ્યમંત્રી સિદ્ઘારમૈયાના રાજીનામાની માંગ કરી
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ઘારમૈયાને લોકાયુક્તનું સમન્સ પાઠવવામાં આવ્યું
કેસારે ગામમાં ૩.૧૬ એકર જમીનના બદલામાં સિદ્ઘારમૈયાની પત્નીને ૧૪ ઉંચી કિંમતના પ્લોટ ફાળવવામાં આવ્યા જેનાથી રાજ્યને ૪૫ કરોડના નુકસાનનો આરોપ
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા માટે મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે મૈસૂર જમીન કૌભાંડ કેસમાં લોકાયુક્ત દ્વારા તેમને ૬ નવેમ્બરે પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. આ સમન્સ એવા સમયે આવ્યું છે જ્યારે રાજ્યપાલે લોકાયુક્તને મુખ્યમંત્રીની પૂછપરછ કરવાની મંજૂરી આપવાની સત્તા આપી દીધી છે.અહીં તમને જણાવી દઈએ કે આ મામલામાં સિદ્ધારમૈયાની પત્ની પાર્વતી બીએમની અગાઉ પૂછપરછ કરવામાં ધરવામાં આવી હતી.
તેમના પર આરોપ છે કે કેસારે ગામમાં ૩.૧૬ એકર જમીનના બદલામાં પાર્વતીને ૧૪ ઉંચી કિંમતના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જેનાથી રાજ્યને ૪૫ કરોડ રૃપિયાનું નુકસાન થયું હતું. ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તાની ફરિયાદ બાદ આ આરોપ સામે આવ્યો હતા. હવે વિશેષ અદાલતના આદેશ પર લોકાયુક્તે પણ એફઆઈઆર નોંધી છે. જેનાથી આ મામલાની ગંભીરતા વધી ગઈ છે. મુખ્યમંત્રી માટે આ સ્થિતિ તેમના વહીવટ અને રાજકીય છબી પર નકારાત્મક અસર કરી શકે છે. હવે તમામની નજર આગળની કાર્યવાહી અને તપાસ પર રહેશે.
આ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પુષ્ટિ કરી છે કે, મૈસુર લોકાયુક્તે મૈસૂર ડેવલપમેન્ટ ઓથોરિટી અંગે તેમને નોટિસ જારી કરી છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે, હું ૬ નવેમ્બરે મૈસુર લોકાયુક્ત પાસે જઈશ. આ સમગ્ર ઘટનાથી કર્નાટકના રાજકીય માહોલમાં વધુ ખળભળાટ મચી શકે છે.જો કે ભાજપે મુડા કૌભાંડને લઈને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના રાજીનામાની માંગ કરી છે. પરંતુ સિદ્ધારમૈયાએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ પદ પરથી રાજીનામું નહીં આપે. તેમણે એ વાત પર ભાર મૂક્યો છે કે, જે પણ વિપક્ષી નેતાઓ સામે એફઆઈઆર નોંધાઈ છે, તેમણે પણ રાજીનામું આપવું જોઈએ.