હરિયાણામાં મંત્રીમંડળની રચના ગેરબંધારણીય હાઈકોર્ટમાં અરજી, રાજય-કેન્દ્ર સરકારને નોટિસ
અરજીમાં નિયત સંખ્યા કરતા વધુ મંત્રીઓને હટાવવા માંગ
પંજાબ અને હરિયાણ હાઇકોર્ટમાં હરિયાણા વિધાનસભામાં કુલ ધારાસભ્યોની કુલ સંખ્યાના ૧૫ ટકાથી વધુની મંત્રી તરીકે નિમણૂક સામે એક અરજી દાખલ કરવામાં આવી છે જેના પર હાઇકોર્ટે રાજય સરકાર અને કેન્દ્ર સરકારનો જવાબ મંગાવ્યો છે. સુનાવણી દરમિયાન હરિયાણાના એડવોકેટ જનરલે ખંડપીઠને કહ્યું કે આ વિષય પર પહેલાથી જ એક અરજી દાખલ કરવામાં આવી છે અને સરકારે તેમાં જવાબ દાખલ કર્યો છે. સરકારના આ જવાબ પર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગુ અને જસ્ટિસ અનિલ ખેત્રપાલની ડિવિઝન બેન્ચે આ અરજીને ૧૯ ડિસેમ્બર માટે સૂચિત કરવાનો આદેશ આપ્યો છે અને તે પહેલાથી જ વિચારણા હેઠળ છે. કોર્ટે આગામી સુનાવણીમાં તમામ પક્ષકારોને પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ પણ આપ્યો છે.
એડવોકેટ જગમોહન સિંહ ભાટીએ અરજી દાખલ કરીને કહ્યું કે બંધારણના ૯૧મા સુધારા હેઠળ રાજયમાં કેબિનેટ મંત્રીઓની સંખ્યા વિધાનસભાના કુલ ધારાસભ્યોની સંખ્યાના ૧૫ ટકાથી વધુ ન હોઇ શકે. હરિયાણા વિધાનસભામાં કુલ ધારાસભ્યોની સંખ્યા ૯૦ છે. આવી સ્થિતિમાં, બંધારણીય સુધારા મુજબ, મંત્રીમંડળમાં મંત્રીઓની મહત્તમ સંખ્યા ૧૩.૫ હોઇ શકે છે, પરંતુ હાલમાં હરિયાણામાં ૧૪ મંત્રીઓ છે, આ બંધારણીય સુધારાનું ઉલ્લંઘન છે.
અરજીમાં ભાટીએ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, અનિલ વીજ, કૃષ્ણલાલ પંવાર, રાવ નરબીર, મહિપાલ ઢાંડા, વિપુલ ગોયલ, ડો. અરવિંદ શર્મા, શ્યામ સિંહ રાણા,રણવીર ગંગવા, કૃષ્ણકુમાર બેદી, શ્રુતિ ચૌધરી, આરતી રાવ, રાજેશ નાગર અને ગૌરવ ગૌત્તમ ઉપરાંત કેન્દ્ર સરકાર અને હરિયાણા વિધાનસભાને પણ પ્રતિવાદી બનાવ્યા છે. તેમનો આરોપ છે કે હરિયાણા સરકાર દ્વારા વહેંચવામાં આવેલા મંત્રીપદ અને કેબિનેટ રેન્કની સીધી અસર જનતા પર પડી રહી છે. ધારાસભ્યોને ખુશ કરવા માટે મંત્રીઓની સંખ્યા વધારવામાં આવી રહી છે. અને તેઓને જાહેર નાણાંમાંથી ચૂકવણી કરવામાં આવે છે.
અરજદારે હાઇકોર્ટમાં અપીલ કરી હતી અને કહ્યું હતું કે નિયત સંખ્યા કરતા વધુ મંત્રીઓને હટાવવા જોઇએ. આ સાથે પિટિશન પેન્ડિંગ હોય ત્યારે તેમને જે લાભો મળી રહ્યા છે તે બંધ કરવામાં આવે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે કેન્દ્ર અને હરિયાણા સરકારને નોટિસ જારી કરી છે અને કેસની આગામી સુનાવણી ૧૯ ડિસેમ્બરે નક્કી કરી છે.