મહારાષ્ટ્ર ચૂંટણી : રાજ ઠાકરેએ બદલી રણનીતિ, દીકરાના બદલે ૧૦ બેઠક વાળી ડીલ કરી કેન્સલ
માહિમમાં શિવસેનાના અમિત ઠાકરે, સદા સરવળકર અને મહેશ સાવંત વચ્ચે ત્રિપલ જંગ જામશે
મહારાષ્ટ્રમાં જેમ-જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે, તેમ રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. મહાયુતિ અને મહા વિકાસ અઘાડીએ પોતાના બળવાખોરોને શાંત કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજી તરફ રાજ ઠાકરે અને મહાયુતિ વચ્ચે પણ એક મોટુ સમાધાન થવાનો સંકેત મળ્યો હતો. મનસે પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે પ્રથમ વખત ચૂંટણી લડવા થઇ રહ્યા છે. માહિમ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા અમિત ઠાકરેની સામે એકનાથ શિંદેની શિવસેનાના સદા સરવળકરનો સીધો મુકાબલો છે.
જેમાં સદા સરવળકર પોતાની ઉમેદવારી પરત ખેંચવા માગતા હતા. પરંતુ અંતે આમ ન બન્યું. રાજ ઠાકરે, એકનાથ શિંદે અને ભાજપ વચ્ચે ડીલ થઇ હતી. જેમાં એકનાથ શિંદે સેના અમિત ઠાકરેની સામે ઉભેલા સરવળકરની ઉમેદવારી પાછી ખેંચી લે, જેની સામે મનસે ૧૦ બેઠકો પરથી ઉમેદવારી પાછી ખેંચશે. પરંતુ આ ડીલ સફળ ન રહી. ૧૫ વર્ષથી ધારાસભ્ય રહી ચૂકેલા સરવળકરે આ મુદ્દે નારાજગી વ્યકત કરતાં સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી હતી કે બાળાસાહેબ ઠાકરે હોત તો પરિવાર માટે એક સાચા શિવ સૈનિકને ત્યાગ કરવા આદેશ ન કરતાં.
સદા સરવળકર અંતિમ દિવસે પોતાની ઉમેદવારી પાછી ખેંચવા મામલે રાજ ઠાકરેના નિવાસ સ્થાને તેમને મળવા ગયા હતા. પરંતુ લાંબો સમય સુધી રાહ જોયા બાદ રાજ ઠાકરેએ મુલાકાત કરવાની ના પાડી દીધી હતી. આ રીતે હવે માહિમમાં શિવસેનાના અમિત ઠાકરે, સદા સરવળકર અને મહેશ સાવંત વચ્ચે ત્રિપલની લડાઇ થશે.
મનસે દ્વારા ભાજપ સહિત અન્ય બેઠકો પરથી ઉમેદવારી પત્ર પાછું ખેંચવા કવાયત હાથ ધરાઇ છે. જેનું સીધુ નુકસાન ભાજપ ગઠિત મહાયુતિને થવાની આશંકા છે. માહિમ બેઠક પરથી ઉમેદવારી પરત લેવામાં વિલંબ થતાં રાજ ઠાકરે નારાજ થયા હતા. એક બેઠકના બદલે ૧૦ બેઠકનો સોદો સામા પક્ષકારે મોંઘો સાબિત થવાની શકયતા છે. જેથી રાજ ઠાકરેએ આ સમાધાન પર વધુ દલીલ ન કરી.