માલેગાંવ કેસની સુનાવણી કરતી કોર્ટમાં વિસ્ફોટની ધમકી
-પૂર્વ સાંસદ પ્રજ્ઞા વિરૂદ્ઘ વોરંટ જારી -રજીસ્ટ્રાર ઓફિસમાં આવ્યો ધમકીભર્યો ફોન
માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી કરતી સ્પેશિયલ એનઆઇએ કોર્ટને બોમ્બની ધમકી મળી છે. એક સરકારી વકીલે મંગળવારે જણાવ્યું કે ૩૦ ઓકટોબરે કોર્ટની રજીસ્ટ્રા ઓફિસમાં ઓકટોબરે કોર્ટની રજીસ્ટ્રાર ઓફિસમાં એક ફોન કોલ આવ્યો હતો. ફોન કરનારે કહ્યું, કેસની સુનાવણી કરી રહેલા કોર્ટ રૂમ નંબર ૨૬ પર બોમ્બથી હૂમોલ કરવામાં આવશે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે આ કેસની સુનાવણી દક્ષિણ મુંબઇની સિવિલ કોર્ટમાં ચાલી રહી છે.
અહીં, સ્પેશિયલ એનઆઇએ કોર્ટે સુનાવણીમાં હાજર ન રહેવા બદલ કેસમાં આરોપી નંબર વન બીજેપી નેતા પ્રજ્ઞાસિંહ ઠાકુર વિરૂદ્ઘ જામીનપાત્ર વોરંટ જારી કર્યુ છે. પ્રજ્ઞાએ ૪ જૂનથી તબીબી સ્થિતિને ટાંકીને કોર્ટની કાર્યવાહીમાં ભાગ લીધો નહતો.
મંગળવારે સ્પેશિયલ જ્જ એ કે લાહોટીએ પ્રજ્ઞા ઠાકુર સામે રૂ. ૧૦,૦૦૦નું જામીનપાત્ર વોરંટ જારી કરતા કહ્યું કે અંતિમ દલીલો ચાલી રહી હતી અને આરોપીનું કોર્ટ રૂમમાં હોવું જરૂરી છે. વોરંટ ૧૩ નવેમ્બર સુધી પરત કરી શકાય તેવું છે, જેનો અર્થ છે કે પ્રજ્ઞા ઠાકુરે ત્યાં સુધીમાં કોર્ટમાં હાજર રહેવું પડશે અને તેને રદ કરાવવું પડશે.
જસ્ટિસ લાહોટીએ જણાવ્યું હતું કે બીમારી અને હોસ્પિટલમાં દાખલ થવાના આધારે મુકિત માટેની તેમની અગાઉની અરજીઓ સમયાંતરે ધ્યાનમાં લેવામાં આવી હતી. આજે પણ અરજી સાથે મેડિકલ સર્ટિફિકેટની ફોટોકોપી પણ દાખલ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે તેણી આયુર્વદિક સારવાર કરાવી રહી છે, પરંતુ અસલ પ્રમાણપત્ર નથી. તેથી કોર્ટેે તેની અરજી ફગાવી દીધી હતી.
૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ મહારાષ્ટ્રના માલેગાંવ (મુંબઇથી લગભગ ૨૦૦ કિમી દૂર )માં બ્લાસ્ટ થયો હતો. અહીં એક મસ્જિદ પાસે એક મોટરસાયકલમાં વિસ્ફોટક ઉપકરણ મૂકવામાં આવ્યું હતું. આ ઘટનામાં છ લોકોના મોત થયા હતા અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસની અગાઉ મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ) દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. ૨૦૧૧માં તપાસ એનઆઇએને ટ્રાન્સફર કરવામાં આવી હતી.