આણંદ : વિક્રમ સંવત ર૦૮૧ના સૌએ કર્યા વધામણાં, નવા વર્ષની ઉત્સાહભેર ઉજવણી
મંદિરોમાં શ્રદ્ઘાળુઓની ભારે ભીડ, દિપમાળા અને રોશનીથી મંદિરો ઝળહળ્યા
દિવાળી પર્વના સપરમા દિવસો એકાદશી, વાઘબારશ, ધનતેરસ, કાળી ચૌદસ અને વિક્રમ સંવત ર૦૮૦ના અંતિમ દિવસ દીપાવલી પર્વની આણંદ જિલ્લામાં સૌએ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરી હતી. શહેરીજનો દ્વારા આતશબાજી કરીને વર્ષને ભાવભરી વિદાય આપી હતી. પડતર દિવસ બાદ શરુ થયેલા વિક્રમ સંવત ર૦૮૧ના નવા વર્ષને સૌએ વધાવ્યું હતું. વિવિધ મંદિરોને દિપમાળા અને મનોરમ્ય રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા હતા.
આણંદ સહિત અનેક સ્થળોએ રાત્રે ૧ર કલાકે શહેરીજનોએ આતશબાજી કરીને નવા વર્ષના વધામણાં કર્યા હતા. વહેલી સવારે પણ આતશબાજી જોવા મળી હતી. વર્ષોજૂની સબરસની પરંપરા જોવા મળી હતી. જેમાં બાળકો ઘરે ઘરે સબરસ અને જય શ્રીકૃષ્ણ બોલતા બોલતા નીકળ્યા હતા. નવા વર્ષ નિમિત્તે વિવિધ મંદિરોમાં શ્રદ્વાળુઓની ભારે ભીડ ઉમટી હતી. પરિવારજનોમાં રહેતા વડીલોના આશિર્વાદ સાથે પોતાની કુળદેવી, ઇષ્ટદેવના દર્શન કરીને નવું વર્ષ નિરોગી, સુખ-શાંતિમય પસાર થાય તે માટે આશિર્વાદ લીધા હતા. ત્યારબાદ શેરી, સોસાયટીમાં એકમેકને મળીને સૌએ નૂતન વર્ષાભિનંદનની આપ-લે કરી હતી.
નવા વર્ષની ઉજવણીની સાથોસાથ ઇ-યુગની અસર પણ જોવા મળી હતી. જેમાં કેટલાકે રુબરુ મળીને તો કેટલાકે ફોન દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયામંા કાર્યરત વિવિધ ગૃપોમાં સભ્યોએ હેપ્પી ન્યૂ યર, નૂતન વર્ષાભિનંદનના સંદેશાઓ મૂકતા દિવસભર શુભેચ્છાઓનો ધોધ મોબાઇલમાં મેસેજ દ્વારા વહ્યો હતો.