વાસદમાં રચાયો વર્લ્ડ રેકોર્ડ : પ હજાર લોકોએ ૬૦ મિનિટમાં બનાવ્યા ર.પ૦ લાખ સીડબોલ
આપણે દેશી બીજ સંરક્ષણનું કાર્ય કરવું જ પડશે : શ્રી શ્રી રવિશંકરજી
વાસદમાં એસવીઆઇટી કોલેજમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીની ઉપસ્થિતિમાં પાંચ હજાર લોકો દ્વારા માત્ર ૬૦ મિનિટમાં ર.પ૦ લાખ સીડ બોલ બનાવીને પર્યાવરણ ક્ષેત્રે અનોખી પહેલ કરવામાં આવી હતી. આ એક વર્લ્ડ રેકોર્ડ હોવા સાથે તેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં લેવાઇ હતી. જેના પ્રતિનિધિ દ્વારા આ અંગેનું પ્રમાણપત્ર આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકરજીને અર્પણ કર્યુ હતું. આ કાર્યક્રમમાં સીડબોલ ટ્રેનો ઉપયોગ કરીને સૌથી લાંબુ સ્લોગન બનાવવાનો રેકોર્ડ પણ નોંધાયો હતો. રાજયપાલે જણાવ્યું હતું કે, ગુરુદેવ શ્રી રવિશંકરજીએ આધ્યાત્મિક રીતે માનવતાનો માર્ગ પ્રશસ્ત કરવા માટે પર્યાવરણને બચાવવાનું પણ બીડું ઝડપ્યું છે. પર્યાવરણના રક્ષણ માટે મહત્તમ વૃક્ષો વાવવા જરુરી છે.
શ્રી શ્રી રવિશંકરજીએ સૌને દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવતા કહયું હતું કે, આપણી સંસ્કૃતિમાં અન્નનું ખૂબ જ મહત્વ છે. સારા અન્નું દાન કરવા માટે સારા બીજનું હોવું પણ અત્યંત જરુરી છે. આપણો દેશ આઝાદ છે પરંતુ બીજના ક્ષેત્રમાં આપણે હજુ ગુલામ જ છીએ. જેમાંથી બહાર આવવા બીજના સંરક્ષણનું આપણે કાર્ય કરવું જ પડશે. આ કાર્યક્રમમાં કલેકટર પ્રવીણ ચૌધરી સહિત અધિકારીગણ, સાંસદ, ધારાસભ્યો, અગ્રણીઓ, અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.