આણંદ : બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે કલાત્મક અન્નકૂટ ઉત્સવ
આણંદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે કારતક સુદ ૧,સંવત ર૦૮૧ના દિવસે નૂતન વર્ષ ભવ્ય કલાત્મક અન્નકૂટ ઉત્સવની ભકિતસભર ઉજવણી કરવામાં આવી હતી. સવારે મંગળા આરતી બાદ પ-૪પથી ૭ કલાક સુધી સ્નેહ મિલન અને ૭-૩૦ કલાકે શણગાર આરતીમાં મોટી સંખ્યામાં હરિભકતો ઉમટયા હતા. અન્નકૂટ ઉત્સવ માટે ખાસ સુશોભનમાં અક્ષરધામની ભૂમિકા જેમાં મધ્યે બિરાજીત ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કદની બેઠી મૂર્તિ અને આસપાસ વાદળોની ઘટાઓમાં અક્ષરમુકતો ભગવાનને સ્તુતિ કરતા થાળ જમાડતા હોય તેવું અલૌકિક દૃશ્ય યુવકો દ્વારા તૈયાર કરાયું હતું. મંદિર પરિસરમાં પૂ.મહંત સ્વામીના વિશાળ કદની રંગોળી તેમજ પાર્શ્વભૂમાં કાર્યકર સુવર્ણ મહોત્સવનો લોગોએ આકર્ષણ જમાવ્યું હતું. ઠાકોરજી સમક્ષ રપ૬ર વાનગીઓનો કલાત્મક રસથાળ પ્રસ્તુત કરાયો હતો.
પૂ.ભગવદ્દચરણ સ્વામી અને સંતો સહિત હરિભકતો થાળ ગાનમાં જોડાયા હતા. થાળ ગાન પૂર્વ ગોવર્ધન પૂજા પણ શાસ્ત્રોકત વિધિ અનુસાર કરવામાં આવી હતી.