બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રાજુપુરા પાસે દુર્ઘટના: ગર્ડર ધરાશાયી થતા ૩ના મોત, ૧ ઘાયલ
મહીસાગર નદીના કિનારે લોખંડની ગર્ડર નાખવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સર્જાયેલી દુર્ઘટના : બે ક્રેઇન, જેસીબી, ફાયરબ્રીગેડ સહિત ગ્રામજનોની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
ચાર કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
રાજુપુરા ગામના રઈજીપુરા પાસેથી પસાર થતી મહિસાગર નદીના કિનારે આજે સાંજના સુમારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામકાજ દરમ્યાન ગડર પડતા સર્જાયેલી દુર્ઘટનાને લઈને ચાર કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતુ. જેમાં એલ એન્ડ ટી કંપનીની ટીમ, ફાયરબ્રીગેડ, પોલીસ, સ્થાનિક ગ્રામજનો વગેરે જોડાયા હતા. પ્રથમ બે શ્રમિકોને જીવતા બહાર કાઢીને તુરંત જ સારવાર માટે હોસ્પીટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં એકનું મોત થયું હતુ. ત્યારબાદ બીજા બે શ્રમિકોને બહાર કાઢતાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જે માટે બે મોટી ક્રેઈન અને એક મોટુ જેસીબી મશીન લાવીને મોટામોટા પથ્થરો હટાવીને એકબાદ એક બન્નેના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ થશે
રાજુપુરા પાસે સર્જાયેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ થનાર હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર મહિસાગર નદીમાં પીલ્લરો નાંખવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી અટવાયેલી પડી છે. નદી કિનારે ચાલી રહેલી આ કામગીરી દરમ્યાન જમીન પોચી હોવાને કારણે પછી કોઈ ટેકનીકલ ભુલને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે તે શોધી કાઢવા માટે નિષ્ણાતોની બનેલી ટીમ દ્વારા તપાસ કરાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
જો દિવાળીની રજા ના હોત તો મોટી દુર્ઘટના સર્જાત
રાજુપુરાના ગ્રામજનોના જણાવ્યા અનુસાર દિવાળીના તહેવારને લઈને બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામકાજ મોટાભાગે બંધ હાલતમાં જ હતુ. મોટાભાગના શ્રમિકો પોતાના વતન ગયા હતા. જેને લઈને દુર્ઘટના સર્જાઈ ત્યારે ગણ્યાંગાંઠયા શ્રમિકો જ સ્થળ પર જ હાજર હતા. જે પૈકી ચાર દબાઈ જવા પામ્યા હતા. જો ચાલુ દિવસે આ દુર્ઘટના સર્જાઈ હોત તો, મોટાપાયે જાનહાની થાત.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આજે આણંદ નજીક આવેલા રાજુપુરા ગામની મહિસાગર નદીના કિનારે લોખંડની ગડર નાંખવા દરમ્યાન ગડરનો ભાગ ધરાશાયી થઈ જતાં ત્રણ શ્રમિકોના મોત થયા છે જ્યારે એકને ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પીટલમાં મોકલી આપવામાં આવ્યો છે. આ દુર્ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ઘર્યું હતુ.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજુપુરા ગામેથી પસાર થતી મહિસાગર નદીના કિનારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામકાજ ચાલી રહ્યું છે. આજે સાંજના પાંચેક વાગ્યાના સુમારે કેટલાક શ્રમિકો લોખંડની ગડર નાંખી રહ્યા હતા ત્યારે એકાએક ગડરનો ભાગ ધારાશાયી થઈ જવા પામ્યો હતો અને મોટામોટા પથ્થરો નીચે પડતા તેની નીચે ચારેક જેટલા મજુરો દટાઈ જવા પામ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામકાજ કરી રહેલા એલ એન્ડ ટી કંપનીના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસ અને ફાયરબ્રીગેડને જાણ કરતાં તેઓ પણ આવી પહોંચ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ઘર્યું હતુ.
જેમાં બે શ્રમિકોને બહાર કાઢીને તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સ વાન દ્વારા કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં પ્રહલાદસિંહ હિંમતસિંહ બારીયા (ઉ. વ. ૨૭, રે. ગોધરા)નું સારવાર દરમ્યાન મોત થયું હતુ. જ્યારે કમલેશ માનસિંહભાઈ ગામેચી (ઉ. વ. ૩૬, રે. વાસદ)ને દાખલ કરીને સારવાર કરાઈ રહી છે.
દરમ્યાન મોટામોટા સીમેન્ટના પથ્થરોની નીચે દબાઈ ગયેલા બે શ્રમિકોને બહાર કાઢવા માટે બે મોટા ક્રેઈન, એક મોટુ જેસીબી મશીન તેમજ આણંદ ફાયરબ્રીગેડની મદદથી કાર્યવાહી હાથ ઘરવામા ંઆવી હતી. જેમાં સવાર આઠેક વાગ્યાના સુમારે રણજીતસિંહ (રે. બિહાર)નામના શ્રમિકના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી. ત્યારબાદ એક કલાકની ભારે જહેમત બાદ દબાઈ ગટેલા અન્ય શ્રમીક અશોક ડાહ્યાભાઈ સોલંકી (રે. રાજુપુરા)ના પણ મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે સરકારી હોસ્પીટ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
ઘટનાને લઈને રાજુપુરાના રઈજીપુરા વિસ્તારમાં ગ્રામજનોના ટોળેટોળા એકત્ર થઈ જવા પામ્યા હતા અને ગ્રામજનો પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા. દુર્ઘટના અંગે વાસદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ઘરી છે.