ખંભાત: જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે ઠપકો આપતા છ શખ્સો દ્વારા મારામારીમાં ૬ને ઇજા
પોલીસે છએ આરોપીઓને ઝડપી પાડીને વરઘોડો કાઢતા નાગરિકોમાં રાહત
ખંભાત શહેરના ગોપાલ સર્કલ નજીક ગત ત્રીજી તારીખના રોજ રાત્રીના સુમારે ફટાકડા ફોડવાની બાબતે છ માથાભારે શખ્સોએ ઝઘડો કરીને છને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો દાખલ કરીને તમામની ધરપકડ કરી હતી. ત્યારબાદ દોરડા બાંધીને તેમનો જાહેરમાં વરઘોડો કાઢતાં નાગરિકોમાં કુતુહલ સર્જાવા પામ્યું હતુ.
પ્રાપ્ત વિગતો અનુસાર જયકુમાર ઘનશ્યામભાઈ પટેલે ગત ત્રીજી તારીખના દશેક વાગ્યાના સુમારે ફટાકડા ફોડતા રોહિતભાઈ રાજુભાઈ ચુનારા, રોશન ચુનારા, વિનય ચુનારા, જતીન ચુનારા, મેહુલ ઉર્ફે કબુતર ચુનારા અને અક્ષય ઉર્ફે લલ્લો નગીનભાઈ ચુનારાને બીડી બોમ જેવા ફટાકડા સળગાવીને સળગતા ફટાકડા ઉછાળીને રસ્તા ઉપર આવતા-જતા લોકો ઉપર ફેંકતા હોય, અહીંયા ફટાકડા કેમ ફોડો છો તેમ કહેતા જ તેઓ લાકડીઓ, પટ્ટા તથા લોખંડની ચેઈન જેવા હથિયારો સાથે આવી પહોંચ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને રોશને છુટા હાથે છાતીના ભાગે બે-ત્રણ મુક્કા જયકુમારને મારી દીધા હતા. મેહુલ ઉર્ફે કબુતરે શ્રેયશ પટેલ, ધ્રુવ પટેલ અને સંદિપ પટેલને પટ્ટાથી માર માર્યો હતો. અક્ષય ઉર્ફે લલ્લાએ રૃશલ પટેલને નાક ઉપર તેમજ પાર્થ પટેલને જમણી આંખના નીચેના ભાગે મુક્કો મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ઘટનાની જાણ ખંભાત શહેર પોલીસને કરવામાં આવતાં પોલીસ આવી પહોંચી હતી અને જયકુમારની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને છએ શખ્સોની ધરપકડ કરી હતી અને બાદમાં દોરડા બાંધીને સરદાર ટાવરથી ગોપાલ સર્કલ સુધી વરઘોડો કાઢયો હતો. જેને લઈને પ્રજામાં વ્યાપેલો ભય દુર થવા પામ્યો હતો.