કઠલાલ: ખલાલમાં ભાગે ખેતી કરનાર ખેડૂતે ખેતર માલીકના અવસાન બાદ જમીન પચાવી પાડતા ફરિયાદ
ખેતર માલીકની પુત્રીએ જિલ્લા કલેકટરમાં અરજી કરતા હુકમના આધારે લેન્ડગ્રેબીંગનો ગુનો દાખલ કરાયો
કઠલાલ તાલુકાના ખલાલ ગામમાં ભાગે ખેતી કરનાર ખેડૂતે ખેતર માલિકના અવસાન બાદ આ જમીન પરથી કબજો ના છોડતા જિલ્લા કલેકટર કચેરીમાં ગેરકાયદેસર કબજો જમાવનાર ખેડૂત સામે અમદાવાદની મહિલાએ અરજી કરતાં જિલ્લા કલેકટરના હુકમના આધારે કઠલાલ પોલીસે ભાગે ખેતી કરનાર ખેડૂત સામે લેન્ડ ગ્રેબીગની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદના ઓઢવમાં રહેતા નીતાબેન જીતેન્દ્રકુમાર પટેલના પિયરમાં તેમના પિતાજી રમણભાઈની કઠલાલ તાલુકાના ખલાલ ગામમાં સર્વે નંબર ૩૧૮ પૈકી ૫ ક્ષેત્રફળ હૈ. આરે.ચો.મી.૦૦-૩૫-૪૫ વાળી વડીલો પાર્જીત જમીન આવેલ છે. જે જમીન માં પિતાજી તથા તેમની બંને ફોઈઓ કુસુમબેન તથા કોકીલાબેનના નામે આવેલ છે. પિતાજી રમણભાઈ તથા ફોઈ કોકીલાબેન ગુજરી ગયા છે. તેમના પિતાના ગુજરી ગયા બાદ ઉપરોક્ત જમીનમાં વારસાઈ થઈ હતી. જેમાં તેમનું તથા માતા કૈલાશબેન, ભાઇ ઉમેશભાઈ અને બહેનો શકુન્તલાબેન તથા ચંન્દ્રીકાબેન નાઓનુ નામ વારસાઇ થી દાખલ થઈ ગયું હતું. બાદમાં તેમની માતાનું અવસાન થયું હતું અને ભાઈઓ-બહેનો અને હક-કમી કરતા હાલમાં સાતબારમાં માત્રને માત્ર નીતાબેનનું નામ ચાલે છે.
આ જમીન નીતાબેનના પિતાએ દલપતસિંહ ભદેસિંહ રાઠોડ (રહે.સરખેજ,તા. કઠલાલ) ે ભાગે ખેતી કરવા સારૃ આપી હતી. જોકે એક વર્ષ અગાઉ નીતાબેને દલપતસિંહને જણાવ્યું હતું કે આ જમીન હવેથી અમે જાતે ખેતી કરીશું.જેથી દલપતભાઈએ જણાવ્યું હતું કે આ જમીન અમોએ તમારી પાસેથી વેચાણ રાખેલી છે. એટલે તમારો હક નથી. નીતાબેન આ જમીન પર ગયા ત્યારે દલપતભાઈએ આ જમીન પર મારો કબજો છે તમારે અહીંયા આવવાનું નથી કહીને ગાળો બોલી ફરીથી આ જમીન ઉપર પગ મુકશો તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ હતી. જેથી ગેરકાયદેસર કબજો જમાવનાર દલપસસિંહ સામે નીતાબેને ખેડા જિલ્લા કલેક્ટરમાં લેન્ડ ગ્રેબીંગ બાબતની અરજી દાખલ કરી હતી. જેના પર તપાસ કરીને જીલ્લા કલેક્ટરે ગુનો દાખલ કરવાનો હુકમ કરતા કઠલાલ પોલીસે દલપતસિંહ રાઠોડ વિરૃધ્ધ ગુનો દાખલ કર્યો હતો.