ઇનોવેશન : સૂર્યના કિરણો અને કાચના ઉપયોગથી તૈયાર કરાતા અદ્દભૂત ચિત્રો
કલાકાર કાર્તિકે બે દિવસ તડકામાં ઉભા રહીને શહિદ મેજર મુકુંદ વરદરાજનનું ચિત્ર તૈયાર કર્યુ
તાજેતરમાં રીલીઝ થયેલ શિવકાર્તિકેયન અભિનિત ફિલ્મ અમરને દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને મેજર મુકુંદ વરદરાજનની જીવન કહાણીમાં લોકોને ખૂબ રસ પડયો છે. આ ફિલ્મમાં કાશ્મીરમાં એક સેના ઓપરેશનમાં શહિદ થયેલ મેજર મુકુંદની વીરતા અને બલિદાનને વર્ણવવામાં આવ્યા છે. આ ફિલ્મ ન ફકત તેમના યોગદાનને સન્માનિત કરે છે પરંતુ સૈનિકોની ભૂમિકાને પણ ઉજાગર કરે છે.
આ ફિલ્મના પ્રભાવના કારણે વિરુધુનગર જિલ્લાના કલાકાર કાર્તિકે સૂર્ય કિરણોનો ઉપયોગ કરીને મેજર મુકુંદ વરદરાજનના સન્માનમાં એક ચિત્ર તૈયાર કર્યુ છે. ખાસ કરીને સૂર્યના કિરણોના ઉપયોગથી કાર્તિક અત્યાર સુધી અનેક નેતાઓના ચિત્ર તૈયાર કર્યા છે. પરંતુ આ વખતે તેઓએ મેજર મુકુંદને યાદ કરીને બે દિવસ સુધી તડકામાં ઉભા રહીને ચિત્રને પૂરું કર્યુ છે. આ ચિત્ર ન ફકત શ્રદ્ઘાંજલિ છે પરંતુ તેમના કામને વધુ ઓળખ આપવાનો પ્રયાસ પણ છે. કાર્તિકે જણાવ્યું હતું કે, મેજર મુકુંદના બલિદાન, વીરતાને સન્માનિત કરવાનો આ પ્રયાસ છે. આ ચિત્રને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ તેની ચર્ચાઓ થવા માંડી છે. ચિત્ર જોઇને અનેક લોકો પ્રેરિત થયા છે અને આ કળાનું મહત્વ સમજી રહ્યા છે.