છતરપુર : સવારે શાળામાં બાળકોને ભણાવતા શિક્ષક સાંજે પોતાના સલૂનમાં ગ્રાહકોના વાળ કાપે છે
વાળ કાપવાની નાની દુકાનમાં કમાણી કરીને ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ, પ્રવાસી શિક્ષક તરીકે નોકરી મળી પણ વ્યવસાય જાળવી રાખ્યો
છતરપુર જિલ્લાના ગૌરિહારમાં રહેતા વ્યકિત સવારે સરકારી શાળામાં શિક્ષક તરીકેની નોકરી દરમ્યાન બાળકોને ભણાવે છે અને સાંજે પોતાના સલૂનમાં ગ્રાહકોના વાળ કાપે છે.
પૂરનલાલ સેન હાયર એજયુકેટેડ હોવા છતાં હેર કટિંગનું કામ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે, વર્ષોથી હું લોકોના વાળ કાપવાનો વ્યવસાય કરું છું. મેં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. જેમાં હમણાં મને પ્રવાસી શિક્ષક તરીકે સરકારી શાળામાં નોકરી મળી છે. નોકરીના સમય બાદ હું મારી વાળ કાપવાની દુકાન ખોલું છું, ભલે ગ્રાહકો ઓછા આવે. તેઓએ કહયું હતું કે, મારા માટે મારી દુકાન નસીબદાર છે.
આ દુકાનમાંથી મારા અભ્યાસનો ખર્ચ નીકળ્યો છે. પોતે ગરીબ પરિવારમાંથી હોવાથી અભ્યાસનો ખર્ચ કરવાની સ્થિતિ નહતી. આથી વાળ કાપવાના વ્યવસાય સાથે આવક મેળવી. તેમાંથી ડી.એડ કર્યુ અને હિન્દી લિટરેચરમાં ગ્રેજયુએશન કર્યુ.
વર્ષ ર૦૧૪માં બીએ પૂર્ણ કર્યા બાદ પૂરનલાલ સેને ર૦૧૬માં ડી.એડ કર્યુ હતું. અભ્યાસની સાથોસાથ તેઓ વાળ કાપવાનો વ્યવસાય પણ કરતા હતા. જો કે ડીે.એડ કર્યા બાદ નોકરી ન મળવાના સમયમાં દુકાનમાંથી રોજગારી મેળવીને પરિવારનું પાલનપોષણ કરતા હતા. આ વર્ષ પ્રવાસી શિક્ષકની ભરતીમાં તેઓએ અરજી કરી હતી અને નોકરી મળી છે.
જો કે પ્રવાસી શિક્ષક તરીકેની નોકરીમાં દર મહિને રૂ.૧૦ હજાર પગાર મળે છે, જે પરિવારના ખર્ચ માટે પર્યાપ્ત છે. પરંતુ હેર કટિંગની કામગીરી પોતે નહીં છોડે તેમ તેઓએ જણાવ્યું હતું. નાની અને વેરવિખેર દુકાને તેઓએ ભણાવીને નોકરી સુધી પહોંચાડયા છે તે વાતની પ્રતીતી કરવા દરરોજ ગ્રાહક આવે કે ન આવે પરંતુ દુકાન અચૂક ખોલે છે. જયારે રજાના દિવસે આખો દિવસ દુકાન ખુલ્લી રાખે છે. જો કે વાળ કાપવાના રૂ. ૩૦ અને દાઢીના રૂ.ર૦નો સામાન્ય ભાવ તેઓ ગ્રાહક પાસેથી લઇ રહ્યા છે. પરંતુ તેમની શાનદાર ઢબે કામ કરવાની શૈલીના કારણે આખો દિવસ દુકાન ખૂલતી ન હોવા છતાંયે ગ્રાહકો આવતા રહે છે.