પેટલાદ : બનાવટી દસ્તાવેજો-સ્ટેમ્પ દ્વારા લોનો અપાવવાના બહાને છેતરપીંડી કરતો શખ્સ ઝડપાયો
પકડાયેલો રૂષિલ મહેન્દ્રભાઈ પટેલ એપ્લીકેશનો દ્વારા ગ્રાહકોના નામના ગ્રામ પંચાયતના દસ્તાવેજમાં છેડછાડ કરીને ખોટી વિગતો લખી લોનો અપાવીને વળતર મેળવી લેતો હતો
ઘરમાંથી શું શુ જપ્ત કરાયું
અલગ-અલગ તલાટી કમ મંત્રી તેમજ ગ્રામ પંચાયતના કુલ ૨૫ રબ્બર સ્ટેમ્પ, જુનું લેપટોપ, પ્રીન્ટર, કાળા તેમજ સફેદ કલરનું રબ્બર સ્ટેમ્પ મશીન, બ્લેક કલરની ૧૧ નેગેટેવ પ્રીન્ટ, બટર પેપર, નેગેટીવ સીટ, ૫ બેંક શીટ, ડબલ ગમ પટ્ટીની કાપેલી સીટ, પારદર્શક કાગળનો રોલ, ૫૦ ગ્રામ ગાઢ પ્રવાહી, પાવડર ભરેલા ડબ્બા, અલગ-અલગ ગ્રામ પંચાયતના નમુના નંબર ૪ની ૯ વેરા પાવતીઓ, ૭ આકારણીપત્રક, વાડોલા ગ્રામ પંચાયતનો દાખલો, પ્લાસ્ટીકના કોરા સ્ટેમ્પ સિક્કા નંગ ૨૪ અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.
આકારણીપત્રકમાં સીમ વિસ્તારને બદલે મહોલ્લો-સોસાયટી કરી દેતો હતો
પેટલાદના ટાઉન પીઆઈ એ. વી. પરમારના જણાવ્યા અનુસાર મોટાભાગે તે ખાનગી બેંકોમાંથી જ જે તે ગ્રાહકોને લોનો અપાવવાનું કામકાજ કરતો હતો. બેંકો સીમ વિસ્તારમાં રહેતા લોકોનો લોનો આપતા નથી, જેથી પકડાયેલો રૂષિલકુમાર પટેલ ગ્રામ પંચાયતના આકારણીપત્રકમાં સીમ વિસ્તારની જગ્યાએ મહોલ્લો કે સોસાયટી કરી દઈને તેના ઉપર તલાટી કમ મંત્રીના બનાવટી રબ્બર સ્ટેમ્પ મારી દઈને તેનો સાચા તરીકે ઉપયોગ કરીને બેંકમાં રજુ કરીને લોન અપાવી દેતો હતો.
રૂષિલકુમાર પટેલ ૪ દિવસના રીમાન્ડ પર સોંપાયો
પેટલાદ શહેર પોલીસે બોગસ દસ્તાવેજો-સ્ટેમ્પના આધારે લોનો અપાવનાર રૂષિલકુમાર પટેલની ધરપકડ કરીને આજે સાંજના સુમારે કોર્ટમાં રજુ કર્યો હતો. જ્યાં તેણે કઈ-કઈ બેંકોમાંથી કેટલાની લોનો કોના-કોના નામે અપાવી છે? બેકના કોઈ કર્મીની સંડોવણી છે કે કેમ? રબ્બર સ્ટેમ્પ બનાવવાનું કોની પાસેથી અને ક્યારે શીખ્યું? બીજા કોઈને રબ્બર સ્ટેમ્પો બનાવી આપ્યા છે કે કેમ? વગેરે બાબતોની તપાસ માટે સાત દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે ચાર દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. રીમાન્ડ મળતાં જ પોલીસે આરોપીને સાથે રાખીને તમામ જગ્યાઓએ તપાસ હાથ ઘરી છે.
પેટલાદ શહેર પોલીસે ગઈકાલે સાંજના સુમારે સચ્ચિદાનંદ ટાઉનશીપના મકાન નંબર ૬૭માં છાપો મારીને બનાવટી દસ્તાવેજો-સ્ટેમ્પો દ્વારા ગ્રાહોકને લોનો અપાવીને વળતર મેળવી લેવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘરમાંથી મોટાપાયે બનાવટી દસ્તાવેજો, રબ્બર સ્ટેમ્પો સહિત કુલ ૨૯૧૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને બોગસ દસ્તાવેજો અને આઈટી એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને માહિતી મળી હતી કે, સચ્ચિદાનંદ ટાઉનશીપમાં રહેતો રૂષિલકુમાર મહેન્દ્રભાઈ પટેલ ગ્રામ્ય વિસ્તારના અલગ-અલગ ગ્રાહકોને અલગ-અલગ બેંકોમાંથી લોન મંજુર કરાવવા માટે ગ્રાહકો લોન મેળવવા માટે સક્ષમ ના હોવા છતાં પણ પોતાના લેપટોપમાં એપ્લીકેશન દ્વારા ગ્રાહકોના નામના ગ્રામ પંચાયતના દસ્તાવેજમાં છેડછાડ કરીને ખોટી વિગતો લખી લોનો અપાવીને ઉંચુ વળતર મેળવી લે છે. જેથી પોલીસે સાંજના સુમારે તેના ઘરે છાપો મારતાં રૂષિલકુમાર ઘરેથી મળી આવ્યો હતો. પોલીસે તેના ઘરની તલાશી લેતાં અલગ-અલગ તલાટી કમ મંત્રી તથા ગ્રામ પંચાયતના નામના રબ્બર સ્ટેમ્પ, લેપટોપ, પ્રીન્ટર સહિત સામગ્રી મળી આવી હતી.
જેથી ચોંકી ઉઠેલી પોલીસે તેની પુછપરછ કરતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો અને છેલ્લા ઘણાં સમયથી લોન લેનાર ગ્રાહકોના બનાવટી તેમજ બોગસ દસ્તાવેજો બનાવીને તેના આધારે લોનો અપાવીને ઉંચુ વળતર મેળવી લેતો હોવાની કબુલાત કરી હતી. જેથી કુલ ૨૯૧૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને તેના વિરૂદ્ઘ પેટલાદ શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.