પેટલાદ : બનાવટી દસ્તાવેજો-રબ્બર સ્ટેમ્પના આધારે લોન અપાવવાના કૌભાંડમાં વધુ એકની ધરપકડ
રબ્બર મશીન વેચાતુ આપીને સીક્કા બનાવવામાં મદદ કરનાર હિતેન ઉર્ફે સિતુ શાહની ધરપકડ કરીને જેલમાં મોકલી અપાયો
પેટલાદ શહેર પોલીસે બનાવટી દસ્તાવેજો અને રબ્બર સ્ટેમ્પના આધારે ગ્રામ્યના સીમ વિસ્તારમાં રહેતા ગ્રામજનોને ફાયનાન્સ કંપનીઓ અને ખાનગી બેંકોમાંથી લોનો અપાવવાન રેકેટમાં તપાસ કરતી પોલીસે વધુ એકની ધરપકડ કરીને તપાસ હાથ ઘરી છે. જે દરમ્યાન કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવશે તેમ મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે મળેલી માહિતીના આધારે સચ્ચિદાનંદ ટાઉનશીપમાં રહેતા રૂષિલકુમાર મહેન્દ્રભાઈ પટેલના ઘરે છાપો મારીને તેને ઝડપી પાડ્યો હતો અને તપાસ કરતા કે ગ્રામ્ય વિસ્તારના અલગ-અલગ ગ્રાહકોને અલગ-અલગ બેંકોમાંથી લોન મંજુર કરાવવા માટે ગ્રાહકો લોન મેળવવા માટે સક્ષમ ના હોવા છતાં પણ પોતાના લેપટોપમાં એપ્લીકેશન દ્વારા ગ્રાહકોના નામના ગ્રામ પંચાયતના દસ્તાવેજમાં છેડછાડ કરીને ખોટી વિગતો લખી લોનો અપાવીને ઉંચુ વળતર મેળવી લેતો હતો.
પોલીસને તેના ઘરમાંથી અલગ-અલગ તલાટી કમ મંત્રી તથા ગ્રામ પંચાયતના નામના રબ્બર સ્ટેમ્પ, લેપટોપ, પ્રીન્ટર, રબ્બર સ્ટમ્પ બનાવવાની સામગ્રી વગેરે મળી આવ્યું હતુ. જેથી આ બાબતે ગુનો દાખલ કરીને તેની વિધિવત ધરપકડ કરીને કોર્ટમાં રજુ ૧૨મી તારીખ સુધીના રીમાન્ડ પર મેળવ્યો હતો.
રીમાન્ડ દરમ્યાન પોલીસે પુછપરછ કરતા રબ્બર સ્ટેમ્પ બનાવવાનુ મશીન આઠેક મહિના પહેલા ૧૫ હજાર રૂપિયામાં હિતન ઉર્ફે સિતુ મહેન્દ્રભાઈ શાહે આપ્યું હતુ અને કોઈપણ જાતના લેટરપેડ વગર તે આરોપી રૂષિલને બનાવટી રબ્બર સ્ટેમ્પ બનાવી આપતો હતો. આ કબુલતાના આધારે પોલીસે આજે હિતને ઉર્ફે સિતુની પણ ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજુ કરતા જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. પેટલાદના ડીવાયએસપીપી. કે. દિયોરાના જણાવ્યા અનુસાર આવતીકાલે જે ગ્રામ પંચાયતોની આકારણી સહિતના બનાવટી દસ્તાવેજો મળી આવ્યા છે ત્યાં અને જે-જે ફાયનાન્સ કંપનીઓ અને બેંકોમાંથી લોનો અપાવી છે ત્યાં આરોપીને સાથે રાખીને તપાસ કરવામાં આવનાર છે.