સુપ્રીમે ફાંસીની સજા અંગે જાહેર કર્યા નવા નિર્દેશ
ફાંસી આપવામાં વિલંબ એ આજીવન કેદમાં પરિવર્તિત કરવાનો આધાર બને: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે પૂણે રેપ-મર્ડર કેસમાં આજીવન કેદના નિર્ણયને યથાવત રાખ્યો : મોતના ડર સાથે કેદીને જીવતો રાખવો એ જીવનના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે : સુપ્રીમ - દયા અરજીનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવા માટે અલગ-અલગ સેલ બનાવવી જોઇએ
આજે સુપ્રીમ કોર્ટમાં વર્ષ ૨૦૦૭ના પૂણે બીપીઓ કર્મચારી દ્વારા મહિલાનો રેપ બાદ હત્યા કરાયાના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે ફાંસીની સજા અંગે મહત્વના નિર્દેશ જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું કે જે કેદીઓને ફાંસીની સજા અપાઇ છે, તેમનો કાયદાકીય વિકલ્પ સમાપ્ત થઇ જાય અથવા તેમના દ્વારા વિકલ્પોનો ઉપયોગ ન કરવામાં આવે તોસરકાર અથવા સેશન્સ કોર્ટે ફાંસી આપવામાં વિલંબ ન કરવો જોઇએ.સરકાર અથવા કોર્ટ દ્વારા વિલંબ કરવામાં આવે તો ફાંસીની સજામાં આજીવન કેદનો આધાર બની શકે છે. વહીવટી ઘટના કારણે દોષિત કેદી ફાંસીના ડર સાથે જીવે, તે યોગ્ય નથી.
પૂણેમાં વર્ષ ૨૦૦૭માં બીપીઓ કર્મચારી દ્વારા એક મહિલા પર દુષ્કર્મ આચરાયા બાદ હત્યા કરાઇ હતી, જેમાં બોમ્બે હાઇકોર્ટે બે દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવાનો નિર્ણય કર્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના આદેશને યથાવત ્ રાખવાની સાથે નવા નિર્દેશો જાહેર કર્યા છે. વર્ષ ૨૦૧૯માં બોમ્બે હાઇકોર્ટે આરોપી પુરુષોત્તમ બોરાટેઅને પ્રદીપ કોકડેની દયા અરજીના નિકાલમાં બે વર્ષનો સમય લાગ્યો હોવાના કારણે તેમની ફાંસી સજા માફ કરી દીધી હતી. કોર્ટે ફાંસીની સજાના બદલે ૩૫ વર્ષ જેલમાં રહેવાની સજા જાહેર કરી હતી.
બીપીઓના કોન્ટ્રાકટ પર કામ કરી રહેલા કેબ ડ્રાઇવર બોરાટે અને કોકડેએ ૨૦૦૭માં કેબમાં બેઠેલી૨૨ વર્ષની મહિલા કર્મચારી પર દુષ્કર્મ આચાર્યા બાદ તેની હત્યા કરી દીધી હતી.આ મહિલા ઓફિસ જવા માટે નીકળી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટે અને હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ બંનેને ફાંસીની સજા આપી હતી, પરંતુ બંનેની દયા અરજી રાજયપાલ અને રાષ્ટ્રપતિ પાસે બે વર્ષથી પેન્ડિંગ હતી. ત્યારબાદ હાઇકોર્ટે પેન્ડિંગ મામલાનો આધાર બનાવી તેઓની ફાંસી અટકાવી દીધી હતી.
હવે મહારાષ્ટ ્રસરકારની અપીલને ફગાવીને ન્યાયાધીશ અભય ઓકા, અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને ઓગસ્ટિન જયોર્જ મસીહની સુપ્રીમ કોર્ટની બેન્ચે ભવિષ્ય માટે અનેક નિર્દેશો જારી કર્યા છે. કોર્ટે કહ્યું છે કે પુષ્ટિ બાદ ફાંસી આપવામાં વિલંબ કરવો અયોગ્ય છે. મોતના ડર સાથે કેદીને જીવતો રાખવો એ જીવનના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.જો આવું થાય તો ગુનેગાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ જોશે કે શું ખરેખ મોડું થઇ ગયું છે? જો હા, તો કયા સંજોગોમાં આ બન્યું? દયાની અરજી રાજયપાલ કે રાષ્ટ્રપતિ પાસે લાંબા સમયથી પેન્ડિંગ રાખવી યોગ્ય નથી. દરેક રાજયના ગૃહ વિભાગ અથવા જેલ વિભાગે કેદીઓની દયા અરજીનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવા માટે અલગ-અલગ સેલ બનાવવી જોઇએ.હાઇકોર્ટમાંથી ફાંસીની પુષ્ટિ થયા બાદ સેશન્સ કોર્ટે કેસની આગળની કાર્યવાહી માટે લિસ્ટ કરે. તેઓ સરકારમાંથી માહિતી મેળવે કે, શું શું દોષિતે આગળ અપીલ કરી છે. જો ન કરી હોય તો ફાંસીની તારીખ નક્કી કરે. આવી જ રીતે સુપ્રીમ કોર્ટ સજા યથાવત રાખે અથવા દયાની અરજી ફગાવી દે, ત્યારબાદ જ સેશન્સ કોર્ટે શકય તેટલી વહેલી તકે આગળની કાર્યવાહી કરવી જોઇએ. ડેથ વોરંટ જારી કરતા પહેલા કેદીને નોટિસ આપવી જોઇએ.ડેથ વોરંટ મેળવનાર કેદી અને ફાંસીની તારીખ વચ્ચે ઓછામાં ઓછું ૧૫ દિવસનું અંતર હોવું જોઇએ. જો કેદી માંગ કરે તો તેને મફત કાનૂની સહાય પૂરી પાડવી જોઇએ.