હ્દય અને રકતવાહિનીઓના રોગો સામે સંશોધન માટે સ.પ.યુનિ.ના પ્રો. અંજુ કુંજડિયાને ૯૧.પ૬ લાખનું અનુદાન
ર૦ વર્ષની માઇક્રોબીયલ બાયો ટેકનોલોજીના સંશોધનમાં જોડાયેલા પ્રો. અંજુએ ઓછા ખર્ચ વધુ કાર્યક્ષમ બાહ્ય સપ્લિમેન્ટ માટે કરેલ સંશોધન
બેકટેરિયા દ્વારા બનતા એન્ઝાઇમ માનવ શરીરને નુકસાન કર્યા વિના કોઇપણ બ્લડ ક્રોસને દૂર કરશે
કેટલાક બેકટેરિયા દ્વારા ઉત્પન્ન કરતા ઉત્સેચકોથી રકતવાહિનીના રોગોમાં અસરકારક ઉપચાર તરીકે ઉપયોગમાં લઇ શકાય છે તેમ અનેક સંશોધનોમાં જાણવા મળ્યું છે. જેમાં વધુ સંશોધન હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવીને ડો.અંજુ કુંજડિયાએ કહયું હતું કે, બેકટેરિયા એક પ્રકારનો એન્ઝાઇમ બનાવે છે. જે માનવ શરીરમાં થયેલ કોઇપણ બ્લડક્રોસને ડિઝોલ્ટ કરે છે. મતલબ કે શરીરને નુકસાન કર્યા વગર બ્લડક્રોસિંગ પર એન્ઝાઇમ એટેક કરીને તેને દૂર કરે છે. ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટરના ડો.અમૃતલાલ પટેલ અને ડો.અંજુ કુંજડિયા સંયુકત રીતે આ સંશોધનમાં કાર્યરત રહેશે.જો કે બે ભાગમાં વહેચાયેલા આ સંશોધન સ.પ.યુનિ. અને ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર ખાતે કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
કોવિડ-૧૯ વાયરસની સમગ્ર વિશ્વમાં અસર થયા બાદ હ્દય અને રકતવાહિનીઓ સંબંધિત રોગોમાં ઝડપથી વધારો થયાનું જોવા મળ્યું છે. આ પ્રકારના રોગોમાં સર્જરી અથવા સારવાર ગંભીર બનવા સાથે સાથે આર્થિક ખર્ચ પણ અનેકગણો વધી જાય છે. જો કે ઘણા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, અમુક બેકટેરિયા ઉત્સેચકો ઉત્પન્ન કરે છે, જે રકતવાહિની રોગો માટે અસરકારક ઉપચાર તરીકે ઉપયોગી બની શકે છે.
આ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે વિદ્યાનગર સ્થિત સ.પ.યુનિવર્સિટીના એપ્લાઇડ એન્ડ ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ વિભાગના એસો.પ્રો. ડો.અંજુ પી. કુંજડિયાએ ઓછા ખર્ચ વધુ કાર્યક્ષમ બાહ્ય સપ્લિમેટ માટે સંશોધન હાથ ધર્યુ છે. જે કુદરતી રીતે આવશ્યક અને માઇક્રોબાયોટા સાથે સુસંગત છે. ગુજરાત રાજય બાયોટેકનોલોજી મિશનને ભંડોળ માટે જમા કરાયેલ આ સંશોધન દરખાસ્ત ગુજરાત બાયોટેકનોલોજી સંશોધન કેન્દ્રના સંયુકત નિયામક ડો.અમૃતલાલ પટેલના સહયોગથી દરખાસ્તને ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
આગામી સમયમાં આ વિષયે સંશોધન હાથ ધરવા માટે રૂ.૯૧.પ૬ લાખની ગુજરાત સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તાજેતરમાં સ.પ.યુનિ.ના એપ્લાઇડ અને ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ વિભાગ અને ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર, ગાંધીનગર વચ્ચે નવીન સંશોધનને પ્રોત્સાહન આપવા માટે એમ.યુ.ઓ. પર હસ્તાંક્ષર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ર૦ વર્ષથી માઇક્રોબીયલ બાયો ટેકનોલોજીના સંશોધનમાં સક્રિયપણે જોડાયેલા ડો.અંજુ કુંજડિયાને સ.પ.યુનિ.ના કુલપતિ ડો.નિરંજનભાઇ પટેલ સહિત યુનિ. પરિવારે પ્રોજેકટના આગામી સમયમાં પરિવર્તનકારી પરિણામોની આશા સાથે ડો. કુંજડિયાને અભિનદન પાઠવ્યા હતા.