Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ખેડા જિલ્લામાં પથી વધુ અકસ્માતો કે ૧૦થી વધુ મોત થયા હોય તેવા ૯ બ્લેક સ્પોટ શોધાયા
છેલ્લા ૩ વર્ષમાં ૩ બ્લેક સ્પોટ વધ્યા, અકસ્માત નિવારવા સ્પોટ પર પહેલીવાર બોકસ જંકશન બનાવાશે
11/12/2024 00:12 AM Send-Mail
જિલ્લાના ૯ બ્લેક સ્પોટ
નડિયાદ શહેર (ગણેશ બાર્કલ), મહુધા-અલીણા ચોકડી, મહુધા-રામના મુવાડાથી વડથલ રેલવે ફાટક, મહુધા રેસ્ટહાઉસ ચોકડીથી ફીણાવ, માતર પરિશ્રમ ફાર્મ, કઠલાલ-છીપડી પાટીયા, કઠલાલ-ભાનેર પાટીયા, ખેડા-વડાલા પાટીયાથી કાજીપુરા, ખેડા-કાજીપુરા પાટીયાથી કનેરા

બોકસ જંકશન એટલે શું
જે માર્ગ પર છેલ્લા ત્રણ વર્ષમાં વધુ અકસ્માત અને મૃત્યુ થયા હોય તેવા ૯ સ્પોટ તંત્ર દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે. જયાં બોકસ જંકશન તૈયાર કરાઇ રહ્યા છે. જેને પીળા રંગનું માર્કીગ કરવામાં આવે છે. જેના પટ્ટાની જાડાઇ ૧પ સે.મી. તેમજ બોકસની પહોળાઇ ૧ મીટર બાય ૧ મીટર રાખવામાં આવે છે. આ ડિઝાઇનના કારણે અને પટ્ટાની પહોળાઇના કારણે પૂરપાટ આવતા વાહનચાલકોની સ્પીડ ધીમી પડે છે.

ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં વધારો થવા સાથે ગંભીર ઇજા અને મૃતકોની સંખ્યા પણ જોવા મળી રહી છે. પૂરઝડપે પસાર થતા વાહનો તેમજ ટ્રાફિક નિયમના ભંગના કારણે જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે. જિલ્લામાં આ પ્રકારના અકસમાતના મુખ્ય સ્પોટ શોધવા માટે તંત્ર દ્વારા આયોજન કરાયું હતું. જેમાં જીવલેણ અકસ્માત અને મૃત્યુ નીપજયા હોય તેવા ૯ બ્લેક સ્પોટ શોધી કાઢવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા આ તમામ બ્લેક સ્પોટ ઉપર અકસ્માત નિવારવા સૌપ્રથમવાર બોકસ જંકશન બનાવવામાં આવી રહ્યા છે. જેનાથી પૂરપાટ આવતા વાહનોની ગતિ ઓછી થવાથી અકસ્માત સર્જાવવાની સંભાવના નહિવત થશે. જો કે પ્રાથમિક તબકકે બોકસ જંકશનની અસરકારકતાનો અભ્યાસ કર્યા બાદ અન્ય જંકશન અને સ્પોટ ઉપર ડિઝાઇન સાથેના બોકસ બનાવવાનું માર્ગ-મકાન વિભાગ દ્વારા આયોજન કરાયાનું જાણવા મળે છે.

ખેડા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષના અકસ્માત અને તેમાં મૃતકોના આંકડા સહિતની વિગતો ધ્યાને લઇને જે સ્પોટ પર પાંચથી વધુ અકસ્માત અથવા ૧૦થી વધુ મોત થયા હોય તેવા ૯ બ્લેક સ્પોટ શોધવામાં આવ્યા છે. જેમાં માર્ગ-મકાન વિભાગ દ્વારા હાથ ધરેલ આયોજનના ભાગરુપે મહુધા-કઠલાલ સ્ટેટ હાઇવે પપ ઉપર મીનાવાડા-ભાનેર જંકશન પર બોકસ જંકશન બનાવવામાં આવ્યું છે. જિલ્લામાં સૌપ્રથમવાર આ પ્રકારનું આયોજન કરીને તેની અસરકારકતા તપાસવામાં આવી રહી છે. વધુમાં હાલમાં રોડ સેફટી અંતર્ગત માર્ગ-મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલ કામગીરી અન્ય બ્લેક સ્પોટ પર પણ કરવામાં આવશે. જેની પાછળનો મુખ્ય હેતુ વાહનોની ગતિ ધીમી થવા સાથે જીવલેણ અકસ્માતો અટકાવવાનો છે. ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં અગાઉ ૬ બ્લેક સ્પોટ હતા. છેલ્લા ૩ વર્ષમાં વધુ ૩ બ્લેક સ્પોટ વધ્યા છે. જેથી આરટીઓ, પોલીસ સહિતના તંત્ર દ્વારા માર્ગ અકસ્માતોને અટકાવવા વિવિધ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.