ઠાસરા : કૌટુંબિક સગા પાસેથી નાણાંભીડના સમયે ઉછીના ર.૮૦ લાખ પરત ચૂકવણીનો ચેક રીટર્ન કેસમાં ૧૮ માસની કેદ
સફવાનભાઇ મુસ્તાકભાઇ વહોરાએ ર.૮૦ લાખ યાકુબભાઇ ઇબ્રાહીમભાઇ વહોરાને ચેક રીટર્ન તારીખથી વસૂલ થતા સુધી ૯ ટકા વ્યાજ સહિત ચૂકવવા કોર્ટનો હૂકમ
ઠાસરામાં રહેતા અને તબેલો ધરાવતા વ્યકિતએ ગામમાં જ રહેતા કૌટુંબિક સગા પાસેથી નાણાંકીય ભીડ હોવાથી જાન્યુ.ર૦રરમાં ર.૮૦ લાખ હાથ ઉછીના લીધા હતા. જે પરત પેટેનો આપેલ ચેક બેંકમાં રજૂ કરતા અપૂરતા ભંડોળના શેરા સાથે રીટર્ન થયો હતો. જેથી ડીમાન્ડ નોટિસ મોકલવા છતાં ચેકના નાણાં ચૂકવ્યા ન હતા. જેથી ર જૂન, ર૦રરના રોજ ઠાસરા કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં કોર્ટે આરોપીને ૧૮ માસની કેદની સજા તેમજ ફરિયાદીને ચેક રીટર્નથી વસૂલ થતા સુધી ૯ ટકા વ્યાજ સાથે ચેકની રકમ ચૂકવવા પણ આરોપીને હૂકમ કર્યો હતો.
મળતી વિગતોમાં ઠાસરામાં રહેતા અને તબેલો તથા વેપાર કરતા સફવાનભાઇ મુસ્તાકભાઇ વહોરાએ ગામમાં રહેતા, વેપાર કરતા યાકુબભાઇ ઇબ્રાહીમભાઇ વહોરા પાસેથી ડિસે.ર૦ર૧માં કૌટુંબિક સગા તરીકે ૩ લાખ ઉછીના માંગ્યા હતા. જે પૈકી ર.૮૦ લાખની વ્યવસ્થા થતા રોકડા આપ્યા હતા. જેની સામે સફવાન વહોરાએ ૧૬ એપ્રિલ, ર૦રરના રોજનો આપેલ ચેક નિયત તારીખે બેંકમાં રજૂ કરતા રીટર્ન થયો હતો. જેથી ૭ મે, ર૦રરના રોજ ડીમાન્ડ નોટિસ મોકલતા સામે પ્રતિનોટિસ મળતા તેનો ખુલાસો મોકલી આપ્યો હતો અને તા. ર જૂન,ર૦રરના રોજ ઠાસરા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસમાં રજૂ થયેલ પુરાવા, દલીલો સહિતના પાસાંને ધ્યાને લઇને કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદી તરફે આરોપીને સ્ટેચ્યુઅરી નોટિસ આપીને કાયદેસરની લેણી રકમ ચૂકવી આપવા પૂરતી તક મળવા છતાં ચેકમાં જણાવેલ લેણી રકમ ચૂકવેલ નથી. જે ટ્રાયલ ચાલતા પસાર થયેલ સમયના કારણે સ્વાભાવિક રીતે ફરિયાદીને આર્થિક નુકસાની અને માનસિક ત્રાસ ભોગવવો પડયો છે.
ન્યાયાધીશ જીનલ વિનયકુમાર શાહ (જયુડી. મેજી.ફ.ક., ઠાસરા)એ તાજેતરમાં આ કેસમાં આરોપી સફવાનભાઇ વહોરાને ધી નેગો.ઇન્સ્ટ´.એકટની કલમ ૧૩૮ મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી એક વર્ષ અને છ માસની કેદની સજાનો હૂકમ કર્યો હતો. ઉપરાંત ચેકની કુલ રકમ ર.૮૦ લાખ ચેક રીટર્ન થયા તા. ૧૯ એપ્રિલ, ર૦રરથી આખરી હુકમની તારીખ સુધી ૯ ટકા સાદા વ્યાજ સાથે ફરિયાદીને બે માસમાં ચૂકવવાનો, તેમાં કસૂર બદલ આરોપીને વધુ બે માસની સજા ભોગવવાનો હૂકમ કર્યો હતો.