નાપામાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો : ૧૧ ઝડપાયા, ૫ ફરાર
સ્થાનિક પોલીસની મીલીભગતથી ચાલતા અડ્ડા ઉપર અમદાવાદ, વડોદરા, નડિયાદના જુગારીઓ રંગેહાથ ઝડપાયા
મોડી રાત્રે ૧૦ વાગ્યા સુધી ફરિયાદ દાખલ ન કરાતા આશ્ચર્ય
નાપા વાંટા ગામે વહેલી સવારના ચારેક વાગ્યાના સુમારે એસએમસીએ છાપો મારીને જુગાર ધામ ઝડપી પાડીને તમામ જુગારીઓને બોરસદ રૂરલ પોલીસ મથકે લઈ જઈને ફરિયાદ આપી હતી. જો કે રાત્રીના દશ વાગ્યા સુધી ફરિયાદ દાખલ કરાઈ નહોતી. સ્થાનિક પોલીસ દ્વારા પગ તળે રેલો આવતાં મોડી રાત્રે ફરિયાદ તો દાખલ કરવામાં આવી હતી પરંતુ ઓનલાઈન કરાઈ નહોતી. જેને લઈને અનેકવિદ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
કોને-કોને કેટલો હપ્તો ચુકવાતો હતો, તેની ડાયરી મળ્યાની ચર્ચા
નાપા વાંટા ખાતે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક પોલીસની મહેરબાનીથી આ જુગારનો અડ્ડો ચાલી રહ્યો હતો. જેમાં કોને-કોને કેટલાનો હપ્તો ચુકવાતો હતો તેની એક ડાયરી પણ દરોડા દરમ્યાન એસએમસીને મળી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ડાયરીના આધારે જો તપાસ કરવામાં આવે તો કેટલાક પોલીસ અધિકારીઓ અને કોન્સ્ટેબલો સસ્પેન્ડ થશે તેમ પણ જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સને ૨૦૦૨માં તે વખતના રેન્જ આઈજીપી કુલદીપ શર્માએ આણંદના સફીભાઈના ૧૨ નંબરના અડ્ડા પર તેમજ આદમભાઈના અડ્ડા ઉપર દરોડો પાડીને મોટાપાયે જુગારધામ ઝડપ્યું હતુ. તેમાં પણ કોને-કોને કેટલો હપ્તો ચુકવવામાં આવતો હતો, તેની ડાયરી પકડાયા બાદ તેના આધારે તમામને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
બોરસદ તાલુકાના નાપા વાંટા ગામે સ્થાનિક પોલીસની મીલીભગતથી ચાલતા જુગારધામ ઉપર આજે વહેલી સવારના સુમારે ગાંધીનગરના સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે છાપો મારીને ૧૧ શખ્સોને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે પાંચ શખ્સો અંધારાનો લાભ લઈને ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. આ અંગે બોરસદ રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એસએમસીને માહિતી મળી હતન્ કે, નાપા વાંટા ગામે રહેતા દિલીપસિંહ ઉર્ફે દિલુભા અભેસિંહ રાણા પોતાના ઘરની પાછળ આવેલ ખુલ્લા તબેલામાં ખુલ્લી જગ્યામાં મધ્ય ગુજરાતના જુગારીઓને બોલાવી પ્લાસ્ટિકના કોઈન અને તમામ પ્રકારની સગવડો આપી જુગારધામ ચલાવો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વહેલી સવારે નાપા વાંટા ખાતે દરોડો પાડ્યો હતો. જેને લઈ જુગાર રમતા જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી.
પોલીસે કોર્ડન ૧૧ જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતાં. જ્યારે અંધારાનો લાભ લઈને ૫ જેટલા ફરાર થઈ ગયા હતાં. પોલીસે ઝડપાયેલા જુગારીઓની અંગઝડતી અને દાવ પરથી રોકડ ૪૫,૫૬૦ રૂપિયા, ૧૧ મોબાઈલ ફોન રૂા.૪૧,૫૦૦, પ્લાસ્ટિકના જુગારના કોઈન સહિત કુલ ૮૮,૯૬૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ઝડપાયેલા શખ્સોને બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે લાવીને સ્ટેટ મોનીટરીંગ સેલના એએસઆઈ જયપાલ વિનોદભાઈની ફરીયાદના આધારે ગુનો નોંધાવની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા શખ્સોમાં દિલીપસિંહ ઉર્ફે દિલુભા અભેસિંહ રાણા (નાપા), આશીફ સબ્બીરભાઈ કુરૈશી (નડિયાદ), અકબર માનસિંગ રાણા (નાપા), મહાવીરભાઈ શાંતિલાલ જૈન (અમદાવાદ), કરામતઅલી મહંમદમિયાં સૈયદ (હાડગુડ), પ્રવિણભાઈ દિલીપભાઈ સોલંકી (વડોદરા), વિકીકુમાર ઉર્ફે વિકાસ પ્રવિણભાઈ પટેલ (રણોલી, વડોદરા), અશરફ યાકુબભાઈ પટેલ (વડોદરા), મોહસીન નજીક કાજી (નાપા), રાજેશ દિલીપસિંહ રાણા (નાપા), મકસુદભાઈ મેરૂભા રાણા (નાપા)નો સમાવેસ થાય છે.