Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ખંભાત : હપ્તા ભરવાની શરતે કાર ખરીદીને ના ભરતા ત્રણ વિરૂદ્ઘ ફરિયાદ
પીપળોઈના દલાલે બીલોદરા અને ગામડીના શખ્સોને કાર વેચાવીને કરેલો વિશ્વાસઘાત
11/12/2024 00:12 AM Send-Mail
ખંભાત તાલુકાના શક્કરપુર ખાતે રહેતા અને ગેરેજ ચલાવીને ગુજરાન ચલાવતા યુવકને પીપળોઈના કાર દલાલ અને હપ્તા ભરવાની શરતે કાર વેચાણ રાખનાર બે શખ્સોએ હપ્તા નહીં ભરીને કારનો અસામાજીક પ્રવૃત્તિમાં ઉપયોગ કરીને સગેવગે કરી દેતાં આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને ત્રણેય શખ્સોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર સને ૨૦૨૧માં દિપકભાઈ બાબુભાઈ ગોહેલે ૭.૫૦ લાખમાં સેકન્ડ હેન્ડ ૨૦૧૬ના મોડલની અર્ટીગા કાર નંબર જીજે-૧૬, બીએન-૪૧૭૨ની ખરીદી હતી. જે પેટે ૨.૫૦ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા અને બાકીના પાંચ લાખની એસ. કે. ફાયનાન્સમાંથી લોન લીધી હતી. છએક મહિના કાર ચલાવ્યા બાદ આર્થિક તંગી પડતાં તેણે કાર વેચવા માટે કાઢી હતી. જેથી પીપળોઈ ખાતે રહેતા અને કારો લે-વેચની દલાલીનું કામકાજ કરતા જુબેરભાઈ રસુલભાઈ ચાવડાનો સંપર્ક કર્યો હતો. જેણે નડીઆદ તાલુકાના બીલોદરા ગામના અજીતભાઈ મનુભાઈ રાણા નામનો ગ્રાહક બતાવ્યો હતો અને બન્ને વચ્ચે કારના બાકી હપ્તા ભરવાની શરતે કાર વેચાણ કરવાનું નક્કી કર્યું હતુ. તે વખતે રોકડા ૭૦ હજાર રૂપિયા લઈને નોટરી કરાર કરીને અજીતભાઈને કાર આપી હતી. પરંતુ તેણે ત્રણેક મહિના સુધી માસિક ૧૬ હજારનો હપ્તો નિયમિત ભર્યા બાદ હપ્તો ભરવાનું બંધ કરી દેતાં દિપકભાઈએ સંપર્ક કરતાં જુબેર, અજીતભાઈ, અને ગોર મોન્ટુકુમાર મહેન્દ્રભાઈ (રે. ગામડી)ના શખ્સો બોરસદ મુકામે મળ્યા હતા. જ્યાં ઉક્ત કાર મોન્ટુકુમારે લેવાની તૈયારી બતાવતા નોટરી કરાર કરીને રોકડા ૧.૮૦ લાખ રૂપિયા લઈને બાકીના ૩૮ હપ્તા ભરવાની શરતે મોન્ટુકમારને કાર વેચી હતી. પરંતુ તેણે એકપણ હપ્તોન ભર્યો નહોતો. ઉલ્ટાનું પોલીસ મથકેથી કાર સંદર્ભે પુછપરછ શરૂ થઈ જવા પામી હતી. જેથી કારનો અસામાજીક પ્રવત્તિમાં ઉપયોગ કરવામા આવતો હોવાનું જાણવા મળ્યું હતુ.

હપ્તાઓ ના ભરાતા દિપકભાઈ ઉપર એસ. કે. ફાયનાન્સ કંપનીમાંથી નોટિસો આવવાનું શરૂ થઈ જવા પામ્યું હતુ. જેથી તેમણે તપાસ કરતા મોન્ટુકુમારે પણ કાર કોઈને વેચાણ કે ગીરો આપી દીધાનું બહાર આવતાં દિપકભાઈએ બોરસદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.