ચકલાસીમાં લગ્ન વરઘોડામાં થયેલ ઝઘડાની અદાવતમાં બે જૂથો વચ્ચે મારામારી, ચારને ઈજા
પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી ધરપકડની હાથ ઘરેલી તજવીજ
નડિયાદ તાલુકાના ચકલાસી નગરના ભગાપુર ખાતે થોડા દિવસ પહેલા નીકળેલ લગ્નના વરઘોડામાં થયેલ ઝઘડાની અદાવતમાં બે પક્ષ વચ્ચે મારામારી થતા ચકલાસી પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ચકલાસી ભગાપુરામાં રહેતા ગોપાલ પ્રભાતભાઈ વાઘેલા એ પોલીસ મથકે નોંધાયેલ ફરીયાદ મુજબ પોતાના દીકરાનો લગ્નનો વરઘોડો ગત તા. ૭ ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે નીકળ્યો હતો ત્યારે તેમના મોટાભાઈ ગીરીશને ચકલાસી રાજનગરના ભાણેજ હરદેવ ઘનશ્યામ ડોડીયા રહે ઉતરસંડા સાથે ઝઘડો થતાં તેમણે તેને લાફો મારી દીધો હતો. તેની રીસ રાખી હરદેવ ડોડીયા તેની માતા દક્ષા તેમજ અન્ય બે ઈસમો ગઈકો બપોરના બાઈક પર લોખંડની પાઈપો અને ચપ્પા લઈ ગોપાલ વાઘેલાના ઘેર ગયા હતા અને તેઓએ ગાળો બોલી ઝઘડો કર્યો હતો.
ગીરીશ વાઘેલાએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલ હરદેવ ડોડીયા સાથે આવેલ એક ઈસમે લોખંડની પાઈપ ગીરીશ વાઘેલાને માથામાં ફટકારી દીધી હતી. જ્યારે બીજા ઈસમે હાથમાંની લોખંડની પાઈપ ગોપાલની પત્ની કપિલાને ડાબા હાથના કાંડા પર ફટકારી દીધી હતી. છોડાવવા વચ્ચે પડેલ ગોપાલ વાઘેલાને ગદડાપાટુનો માર માર્યો હતો અને હરદેવ ડોડીયા સહિતનાએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સામે નડિયાદના ઉત્તરસંડા ગામ ખાતે અમર જ્યોત સોસાયટીમાં રહેતા હરદેવ ઘનશ્યામ ડોડીયાએ આપેલી ફરીયાદ મુજબ તે અને મિત્રો ગઈકાલે સવારના ચકલાસી રાજનગર ખાતે રહેતા મામાને ત્યાં જતા હતા ત્યારે રસ્તામાં ચકલાસી ભગાપુર ખાતે ઉભેલ ગિરીશ વાઘેલાએ અગાઉ તેના ભાઈના દીકરાના લગ્નમાં થયેલ ઝઘડાની રીસ રાખી હરદેવને ગાળો બોલવા લાગ્યા હતો. ત્યાર પછી તે માતા દક્ષા અને તેના મિત્રો કાવ્ય મારવાડી, દિપેશ રાઠોડ, ચીરાગ તથા યક્ષ ધોબી ચકલાસી બકાપુરા ખાતે ગીરીશ વાઘેલાના ઘેર ઠપકો કરવા માટે ગયા હતાં. આ સમયે ગીરીશ વાઘેલાએ હરદેવ ડોડીયા અને તેની માતા સાથે ગાળાગાળી કરી
હતી.
ત્યાર પછી હરદેવ ડોડીયા અને માતા દક્ષા બપોરના બાઈક પર ઘેર જતા હતા ત્યારે રાઘુપુરા ચોકડી નજીક ગિરીશ વાઘેલાએ ગાળો બોલી માતા પુત્ર સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલ ગીરીશ વાઘેલાએ ઝપાઝપી કરી હાથમાં ધારીયાનો કરેલ ઘા હરદેવ ડોડીયાને ડાબા હાથ પર વાગ્યો હતો. આ દરમિયાન ગીરીશનો ભાઈ ગોપાલ અને લાલા નામનો ઈસમ પણ બાઈક લઈને ત્યાં આવી પહોંચ્યા હતા અને તેઓએ ગાળો બોલી હતી સાથે ત્રણેય જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.