નડિયાદમાં ભારતીય ચલણી નોટો છાપવાનું મીની છાપખાનું પકડાયું : ૨ની ધરપકડ
૫૦૦ના દરની ૧૩૫, ૨૦૦ના દરની ૧૬૮ અને ૧૦૦ના દરની ૨૫ નોટો મળી કુલ ૩૨૮ બનાવટી નોટો જપ્ત કરાઈ : વ્હોરાવાડમાં ધુપેલના ખાંચામાં મહંમદશરીફ મલેક તેના મકાનમાં મિત્ર અરબાઝ અલાદ સાથે મળીને એ-૪ પેપર ઉપર કલર પ્રિન્ટર દ્વારા બનાવટી નોટો છાપતા હતા
પોલીસે શું શું જપ્ત કર્યું ?
-એક સ્ટીલની ફૂટપટ્ટી
-એક સફેદ લીલા કલરના પ્લાસ્ટીકના હાથાવાળું બ્લેડ કટર
-એક પ્લાસ્ટીકની પારદર્શક સેલો ટેપ
-એક અપર્સા કંપનીની પેન્સીલ તથા રબ્બર
-એક કેમલીન કંપનીની ગુંદરની પ્લાસ્ટીકની નાની બોટલ
-ચાર જુદા જુદા કલરની એપસોન કંપનીની ટોનર ઈંકની વપરાયેલ બોટલો
-એપ્સન ઈકોર્ટેલ એલ.૩૨૫૦ કંપનીનું વાયફાય પ્રિન્ટર યુએસબી કેબલ સાથે
યુટ્યૂબ મારફતે ચલણી નોટો બનાવતા શીખ્યા : એસઓજી પીઆઈ
એસઓજી પીઆઈએ જણાવ્યું હતું કે બનાવ સ્થળેથી અસલ નોટોના ફોર્મ પણ મળી આવ્યા છે. જે અસલ નોટોના બીબામાં ઢાળી નકલી ચલણી નોટો બનાવવામાં આવતી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આરોપીઓએ યુટ્યુબમાં બનાવટી નોટોનો વિડીયો જોયા અને તેના મારફતે બનાવટી નોટો બનાવતા હતા. છેલ્લા ૧૫ દિવસથી આ પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપીએ બંને કાપડની ફેરી ફરે છે અને બંને મિત્રો થાય છે. આ જે રહેણાંક મકાન છે તે ઉપરના માળે ભાડે લીધેલ હતું અને ત્યાં દિવસે નોટો બનાવતા હતા. પહેલા પ્રાયમરી સ્ટેજ પર તેઓ નકલી ચલણી નોટો બનાવવા નિષ્ફળ થયા હતા. કારણ કે એ-૪ સાઈઝના પેપર બરાબર આવતા ન હતા. જો કે બાદમાં માપના જીએસએમના કાગળો આવતા આરોપીઓને નકલી નોટો બનાવવાની સફળતા મળી હતી. આ બનાવમાં અન્ય કોઈ સાગરિતની મદદગારી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં તક દેખાય ત્યાં ઉપયોગ કરવાની ફિરાકમાં હતા. ખાસ ભીડભાડવાળા વિસ્તારોમાં આ નકલી નોટો ફરતી કરાતી હોવાનું જણાવ્યું છે.
બનાવટી નોટો કેવી રીતે છાપતા હતા ?
એસઓજી પોલીસે પકડાયેલા બન્ને શખ્સોની પુછપરછ કરતા તેઓએ જણાવ્યું હતુ કે, કલર પ્રિન્ટરમાં નોટો છાપી કટરની મદદથી કટીંગ કરી તે નોટોમાં ગ્રીન ડેકોરેશન સેલોટેપની મદદથી સિક્યુરીટી થ્રેડ બનાવી બનાવટી ચલણી નોટો તૈયાર કરતા હતા અને ત્યારબાદ તેનો ઉપયોગ ભીડભાડવાળા બજારમાં કરતા હતા.
નડિયાદમાં છેલ્લા ઘણાં સમયથી ભારતીય ચલણની બનાવટી નોટો છાપવાના ચાલતા રેકેટને એસઓજી પોલીસે ઝડપી પાડીને બે શખ્સોની ધરપકડ કરીને ૨૦૦, ૨૦૦ અને ૫૦૦ના દરની કુલ૩૨૮ બનાવટી જોટો સાતે મશીન, સાધનસામગ્રી જપ્ત કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. રીમાન્ડ દરમ્યાન કેટલીંક ચોંકાવનારી વિગતો સપાટી પર આવશે તેમ મનાઈ રહ્યું છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ખેડા એસઓજી પોલીસને માહિતી મળી હતી કે નડિયાદ વ્હોરવાડમાં આવેલ ધુપેલના ખાંચામાં રહેતા મહંમદશરીફ મહેબુબભાઈ મલેક તેના રહેણાંક મકાનમાં મિત્ર અરબાઝ અલાદ સાથે મળી ભારતીય ચલણની બનાવટી ચલણી નોટો છાપવાની સામગ્રી રાખી તેના વડે નોટો છાપી બનાવટી નોટો બજારમાં ફરતી કરી રહ્યા છે. જેથી પોલીસે દરોડો પાડ્યો હતો અને આ મકાનની તપાસ હાથ ધરી હતી.
આ તલાશી દરમ્યાન રૂા. ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ની બનાવટી નોટો મકાનમાંથી મળી આવી હતી. પોલીસે આ નોટો જપ્ત કરતા પહેલા બેંકના એક્સપોર્ટને બોલાવીને આ નોટો બનાવટી છે કે અસલ છે તેની ખરાઈ પણ કરાઈ હતી.
બેંકના અધિકારીઓએ આવીને જોતાં પ્રથમ દૃષ્ટિએ જ આ નોટો બનાવટી હોવાનું તેમને જણાઈ આવ્યું હતું. કેમકે તમામ બનાવટી નોટો હલકી ક્વોલિટીની હતી. જેમાં કલર, વિસંગતા, સિક્યુરીટી ગ્રેડ, બ્લાઈન્ડ પર્સન માર્ક તેમજ વોકર માર્ક નહીં હોવાનું જણાઈ આવ્યું હતું.સ્થળ પરથી પકડાયેલા આરોપી મહંમદશરીફ ઉર્ફે શાહુ મહેબુબ મલેક અને તેના મિત્ર અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદે કબૂલ્યુ હતુ કે તેઓ અસલી નોટોની મદદથી એ-૪ પેપર પર કલર પ્રિન્ટર દ્વારા નકલી નોટો છાપતા હતા. સિક્યોરીટી થ્રેડ બનાવવા માટે ગ્રીન ડેકોરેશન સેલોટેપનો ઉપયોગ કરતા હતા.
પોલીસે સ્થળેથી ૫૦૦ના દરની ૧૩૫, ૨૦૦ના દરની ૧૬૮ નોટો અને ૧૦૦ના દરની ૨૫ નોટો મળી કુલ ૩૨૮ બનાવટી નોટો જપ્ત કરી છે.
એફએસએલ અને બેંક અધિકારીઓએ નોટોની ચકાસણી કરતા તમામ નોટો નકલી હોવાનું સામે આવ્યું છે. એફએસએલ
તપાસમાં જાણવા મળ્યું કે નોટોમાં હલકી ગુણવત્તાનો કાગળ વપરાયો છે. કલરમાં વિસંગતતા છે, સિક્યુરીટ થ્રેડ, બ્લાઈન્ડ પર્સન માર્ક અને વોટર માર્ક નથી. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખાસ કરીને આ નકલી નોટો કેટલા સમયથી બનાવવામાં આવતી હતી તેની તપાસ હાથ ધરી છે.