નડિયાદ : પરિચિત પાસેથી હાથ ઉછીના ૮ લાખ પેટેનો ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષની કેદ
નડિયાદના રફીકભાઇ દેસાઇએ ચેકની રકમ અબ્દુલસત્તાર ચકાવાલાને ૧ માસમાં ચૂકવવા, કસૂર બદલ વધુ ૩ માસની સજાનો હૂકમ
નડિયાદમાં રહેતા વ્યવસાયિકે પોતાની જ્ઞાતિના પરિચિત વ્યકિત પાસેથી ૮ લાખ હાથ ઉછીના લીધા હતા. જે પરત પેટે આપેલો ચેક બેંકમાંથી રીટર્ન થતા નોટિસ મોકલી હતી. છતાંયે ચેકના નાણાં ન ચૂકવતા નડિયાદ કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની કેદ અને ચેકના નાણાં એક માસમાં ચૂકવવા, તેમાં કસૂર થયે વધુ ૩ માસની સજા ભોગવવાનો હૂકમ કર્યો હતો.
મળતી વિગતોમાં નડિયાદમાં રહેતા રફીકભાઇ ગનીભાઇ દેસાઇને આર્થિક ભીડ હોવાથી પરિચિત એવા અબ્દુલસત્તાર ઇબ્રાહીમભાઇ ચકાવાલા પાસેથી ગત તા. ૭ જાન્યુ.ર૦૧પના રોજ ૮ લાખ હાથ ઉછીના લીધા હતા. જે એક વર્ષમાં પરત આપવાનો વાયદો વીતી જવા છતાંયે નાણાં ન મળતા અબ્દુલસત્તારે ઉઘરાણી કરતા તા. ૧૩ ઓકટો.ર૦૧૬નો ચેક આપ્યો હતો. નિયત તારીખે ચેક બેંકમાં રજૂ કરતા અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. આથી તા.રર ઓકટો.ર૦૧૬ના રોજ નોટિસ મોકલી હતી. છતાંયે ચેકના નાણાં ન ચૂકવતા તા. ર૯ નવે.ર૦૧૬ના રોજ નડિયાદ કોર્ટમાં ફરિયાદ કરી હતી.
આ કેસમાં રજૂ થયેલ મૌખિક,લેખિત દસ્તાવેજી પુરાવા, દલીલો સહિતની બાબતોને ધ્યાને લઇને કોર્ટે નોંધ્યું હતું કે, ચેકવાળા ખાતામાં આરોપી પૂરતું ભંડોળ નહી રાખતા ફરિયાદીને તેમના લેણી રકમના નાણાં મળેલ ન હોવાનું જણાય છે. આરોપી તરફે આ તમામ હકીકતોનું કોઇ ખંડન કરવામાં આવેલ નથી. આમ, આરોપીએ ફરિયાદીને તેમના કાયદેસરના લેણા પેટેની રકમ આપેલ ન હોવાનું જણાય છે અને આરોપીએ નેગો.ઇન્સ્ટ´.એકટની કલમ ૧૩૮ મુજબનો ગૂનો કરેલ હોવાનું માની શકાય તેમ છે.
ન્યાયાધીશ રીયાઝુદ્દીન ગનીભાઇ મનસુરી (ચોથા એડી.સીની.સીવીલ જજ અને એડી.ચીફ.જયુડી.મેજી.,નડિયાદ)એ આ કેસમાં આરોપી રફીકભાઇ દેસાઇને ધી નેગો.ઇન્સ્ટ´.એકટની કલમ ૧૩૮ મુજબના સજાને પાત્ર ગુનામાં ક્રિ.પ્રો.કોડની કલમ રપપ(ર)અન્વયે તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજાનો હૂકમ કર્યો હતો. ઉપરાંત ક્રિ.પ્રો.કોડની કલમ ૩પ૭(૩) મુજબ ફરિયાદવાળા ચેકની રકમ આરોપીએ ફરિયાદીને વળતરપેટે એક માસની અંદર ચૂકવી આપવી. જો ચૂકવણીમાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સજા ભોગવવાનો હૂકમ કર્યો હતો.