મોદી - ટ્રમ્પની મુલાકાત : ભારત અમેરીકામાંથી એફ-૩૫ લડાકૂ વિમાનો સહિત ઓઈલ એન્ડ ગેસ, ડિફેન્સ હાર્ડવેર પ્રોડક્ટસની ખરીદી વધારશે
ભારત ઓઈલ-ગેસ ખરીદી વધારવા તૈયાર પણ ટેરીફ બચવાની ગેરંટી નહીં
બે દેશોના વડા અંગત બાબતો માટે મળતા નથી અદાણી મુદ્દે મોદીનો જવાબ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની બે દિવસની અમેરિકા મુલાકાત પૂર્ણ કરીને ભારત પાછા ફરવા માટે વિમાનમાં સવાર થઈ ગયા છે.પીએમ મોદીને અમેરિકામાં જ અદાણી વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આના જવાબમાં તેમણે કહ્યું કે બે દેશોના વડા આવા અંગત બાબતો માટે મળતા નથી. પીએમ મોદીએ ભારતની વસુધૈવ કુટુમ્બકમની પરંપરાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ દરેક ભારતીયને પોતાનો માને છે. જોકે, વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે પીએમની ટીકા કરી છે.
અમે ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પાછા તો લઈ રહ્યા છીએ પરંતુ વાત અમારા માટે અહીં અટકતી નથી
અમેરિકામાંથી પ્લેનમાં ભરીને ૧૦૦થી વધુ ભારતીયોને સ્વદેશ પાછા મોકલવાનો મુદ્દો પીએમ મોદી સામે પણ ઉઠ્યો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે જ્યારે એક પત્રકારે પીએમ મોદીને આ સવાલ કર્યો તો તેમણે આ મુદ્દે નિવેદન આપ્યું. પીમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પાછા તો લઈ રહ્યા છીએ પરંતુ વાત અમારા માટે અહીં અટકતી નથી. સવાલ ફક્ત ભારતનો નથી. વૈશ્વિક રીતે અમે માનીએ છીએ કે ગેરકાયદેસર રીતે જે લોકો બીજા દેશોમાં હોય છે તેમને ત્યાં રહેવાનો કોઈ કાનૂની હક નથી. આમ કહીને તેમણે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ ઉપર પણ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી. પીએમ મોદીએ કહ્યું કે જ્યાં સુધી ભારત અને અમેરિકાનો સવાલ છે તો અમે હંમેશા કહ્યું છે કે જે સાચા અર્થમાં ભારતનો નાગરિક હશે તે જો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હશે તો ભારત તેમને પાછા લેવા માટે તૈયાર છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય પત્રકારની વાતો અને સવાલ સમજ્યા ન હોવાનો ડોળ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રેસ કોન્ફરન્સમાં હાજર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય પત્રકારની વાતો અને સવાલ સમજાયા ન હોવાનો ડોળ કર્યો હતો. તેમણે અમેરિકામાં ભારત વિરોધી ગતિવિધિઓ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. જો કે, આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે પત્રકારના ઉચ્ચાર અથવા બોલવાની રીત પર સવાલ ઉઠાવ્યા હોય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના બે દિવસીય પ્રવાસમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળી દ્વિપક્ષીય બેઠકો કરી હતી. આ બેઠકો બાદ જાહેરાત કરવામાં આવી કે, ભારત વેપાર ખાધ ઘટાડવા માટે અમેરિકામાંથી એફ-૩૫ લડાકૂ વિમાનો સહિત ઓઈલ એન્ડ ગેસ, ડિફેન્સ હાર્ડવેર પ્રોડક્ટ્સની ખરીદી વધારશે. પરંતુ ટ્રમ્પે સ્પષ્ટતા આપી છે કે, ભારત તેના (અમેરિકા) રેસિપ્રોકલ ટેરિફથી બચી શકશે નહીં.
બંને દિગ્ગજ નેતાઓએ દ્વિપક્ષીય વેપાર સંબંધોને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરી હતી. જેમાં ટ્રમ્પે ગેરકાયદે વસતા ભારતીયોને પરત વતન મોકલવા, ૨૬/૧૧ના હુમલાનો ફરાર આરોપી તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ કરવાનું વચન આપ્યું છે.
ટ્રમ્પે અપેક્ષા વ્યક્ત કરી છે કે, ભારત અમેરિકાના માલ-સામાન પર ટેરિફ તર્કસંગત બનાવશે. તેમજ ડિફેન્સની ખરીદીમાં વ્યાપકપણે સહયોગ આપતાં ભારતને સ્ટીલ્થ ફાઈટર જેટ એફ-૩૫ વેચવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની રેસિપ્રોકલ ટેરિફ પોલિસીના કારણે ભારત અમેરિકી પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડવા વિચારણા કરી શકે છે. પીએમ મોદી સાથેની મુલાકાત પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાદવાનો આદેશ આપ્યો હતો. બાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે, 'કોઈ ફરક પડતો નથી કે, તે ભારત હોય કે, અન્ય કોઈ દેશ, અમે એટલો જ ટેરિફ લાદીશું જેટલો તેઓ અમારી પાસેથી વસૂલે છે. ભારતથી આયાત થતી ચીજો પર પણ એટલો જ ટેરિફ લાદવામાં આવશે, જેટલો તેઓ અમારી પાસેથી વસૂલે છે.'
વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત પહેલાં જ ભારતે અયોગ્ય અને ઊંચા ટેરિફમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે, ભારત જેટલો પણ સામાન અન્ય દેશો પાસેથી ખરીદે છે, તેના પર ૧૪ ટકા ટેરિફ લાદે છે, જ્યારે ચીન ૬.૫ ટકા અને કેનેડા ૧.૮ ટકા ટેરિફ લગાવે છે. ટ્રમ્પે કહ્યું કે, 'વડાપ્રધાન મોદીએ તાજેતરમાં ભારતના અન્યાયી ટેરિફમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ભારત સાથે અમેરિકાની વેપાર ખાધ લગભગ ઇં૧૦૦ અબજ છે, વડાપ્રધાન મોદી અને હું સંમત થયા છીએ કે અમે લાંબા સમયથી ચાલતા અસંતુલનને દૂર કરવા માટે સંકલન કરીશું જેને છેલ્લા ચાર વર્ષમાં દૂર કરવાની જરૃર હતી.'