મગજમાં માઈક્રોપ્લાસ્ટિક્સનું પ્રમાણ ઝડપથી વધતા હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક અને મૃત્યુનું જોખમ ૪.૫ ગણું વધ્યું
સંશોધનમાં માનવ રક્ત, માતાના દૂધ, પ્લેસેન્ટા અને શરીરના અન્ય ભાગોમાં માઈક્રપ્લાસ્ટિક્સના પુરાવા મળ્યા
માનવ શરીરમાં ખાસ કરીને મગજમાં માઇક્રોપ્લાસ્ટિક્સનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. આ વધારો ગંભીર સ્વાસ્થ્ય જોખમ તરફ ઈશારો કરે છે. મગજમાં લીવર અને કિડની કરતાં ઘણી વધારે માત્રામાં સૂક્ષ્મ પ્લાસ્ટિકના કણો એકઠા થઈ રહ્યા છે. પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ નેચર મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં આ માહિતી પ્રકાશમાં આવી છે.માઇક્રોપ્લાસ્ટિક્સ મગજના મૂળભૂત માળખામાં પરિવર્તન લાવી રહ્યા હોવાથી, હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક અને મૃત્યુનું જોખમ ૪.૫ ગણું વધી જાય છે. અભ્યાસ મુજબ, ૧૯૯૭ અને ૨૦૨૪ વચ્ચે હાથ ધરાયેલા અનેક પોસ્ટમોર્ટમ દરમિયાન મગજના પેશીઓમાં સૂક્ષ્મ અને નેનો પ્લાસ્ટિકના સ્તરમાં વધારો જોવા મળ્યો હતો. તેવી જ રીતે, લીવર અને કિડનીના પેશીઓમાં પણ સૂક્ષ્મ પ્લાસ્ટિકના કણો મળી આવ્યા હતા. લીવર, કિડની અને મગજના નમૂનાઓનું વિશ્લેષણ કરવા માટે આધુનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ ૫૨ મગજના નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં ૨૦૧૬ના ૨૮ નમૂના અને ૨૦૨૪ના ૨૪ નમૂનાનો સમાવેશ થાય છે. બધા નમૂનાઓમાં પ્લાસ્ટિકની હાજરીના પુરાવા મળ્યા છે.સંશોધનમાં માનવ રક્ત, માતાના દૂધ, પ્લેસેન્ટા અને શરીરના અન્ય ભાગોમાં માઇક્રોપ્લાસ્ટિક્સના પુરાવા પણ મળ્યા છે.
જોકે, આ સૂક્ષ્મ કણો સ્વાસ્થ્યને કેટલી હદે અસર કરી શકે છે તે નક્કી કરવા માટે વધુ સંશોધનની જરૃર છે. છતાં વિવિધ વૈજ્ઞાાનિક અભ્યાસોએ ચેતવણી આપી છે કે માઇક્રોપ્લાસ્ટિક્સ માનવ સ્વાસ્થ્ય માટે એક મોટો ખતરો બની રહ્યા છે. આ તાજેતરના અભ્યાસના પરિણામો દર્શાવે છે કે પ્લાસ્ટિક પ્રદૂષણની અસર વધુ ગંભીર બની રહી છે.
છેલ્લા પાંચ દાયકામાં પ્લાસ્ટિક પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગયું છે. ઊંચા પર્વતોથી લઈને સમુદ્રના ઊંડાણ સુધી, પૃથ્વીનો ભાગ્યે જ કોઈ ખૂણો એવો હશે જ્યાં પ્લાસ્ટિક ન પહોંચ્યું હોય.
સ્વસ્થ લોકોની સરખામણીમાં ડિમેન્શિયાના દર્દીઓના મગજમાં માઇક્રોપ્લાસ્ટિક્સની હાજરી ઘણી વધારે જોવા મળી છે. આ સામાન્ય લોકો કરતા છ ગણું વધારે હતું. વૈજ્ઞાાનિકો માને છે કે ડિમેન્શિયાને કારણે ચેતાકોષીય બગાડ માઇક્રોપ્લાસ્ટિક્સના સ્તરમાં વધારો કરી શકે છે. જોકે, તે સ્પષ્ટ નથી કે માઇક્રોપ્લાસ્ટિક્સ ડિમેન્શિયાનું કારણ બને છે કે નહીં.૨૦૧૬માં એકત્રિત કરાયેલા લીવર અને કિડનીના નમૂનાઓમાં પ્લાસ્ટિકનું પ્રમાણ લગભગ સમાન હતું, પરંતુ મગજમાં તે ઘણું વધારે હતું. ૨૦૧૬ કરતાં ૨૦૨૪માં લીવર અને મગજના નમૂનાઓમાં વધુ બારીક પ્લાસ્ટિક કણો મળી આવ્યા હતા. વૈજ્ઞાાનિકોએ આ તારણોની સરખામણી ૧૯૯૭ અને ૨૦૧૩ વચ્ચે લેવામાં આવેલા મગજના પેશીઓ સાથે કરી અને જાણવા મળ્યું કે તાજેતરના વર્ષોમાં માઇક્રોપ્લાસ્ટિકનું સ્તર ઝડપથી વધ્યું છે.