ખંભાતની કાર્ડિયાક કેર સેન્ટરના PMJAY યોજનાના ૧૮ લાખના કલેઇમ નામંજૂર કરાયાનો ઉહાપોહ
મેડીકલ ઓફિસર, વીમા કંપની અને કવોલીટીની ટીમો તપાસ માટે મોકલી છે : જિલ્લા આરોગ્ય અધિકારી
ખ્યાતિ કાંડ બાદ સરકારે નવું બનાવેલ પોર્ટલ અવારનવાર ‘માંદગીના બિછાનેે ’ !
અમદાવાદના બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકારે આયુષ્યમાન યોજનાની ઓનલાઇન કામગીરીમાં ધરમૂળથી ફેરફારો કર્યા હતા. જેમાં અગાઉ આ યોજનામાં જોડાયેલ હોસ્પિટલો દર્દી-ઓપરેશનની વિગતો ઓનલાઇન ટીએમએસ પોર્ટલ પર અપલોડ કરતા હતા. આ પોર્ટલમાં કન્સ્લ્ટન્ટ દર્શાવવાની કોલમમાં અધર સિલેકટ કરી શકાતું હતું. પરંતુ નવા એચઇએમ પોર્ટલમાં કન્સ્લટન્ટના બદલે અધર ઓપ્શન નથી. જેથી ડોકટરનું નામ ફરજિયાત દર્શાવવા સાથે સેવા-કેટેગરીની પણ એન્ટ્રી ઓનલાઇન કરવી પડે છે. જો કે નવું પોર્ટલ શરુ કર્યા બાદ અવારનવાર સર્વર ડાઉનની સમસ્યા સર્જાવવાથી ઓનલાઇન એન્ટ્રી થઇ શકતી નથી. તેમાંયે છેલ્લા પખવાડિયાથી પોર્ટલ ઠપ્પ હોવાથી યોજનામાં જોડાયેલ હોસ્પિટલો પણ દર્દી અને તેને અપાયેલ સારવાર અંગેની ઓનલાઇન એન્ટ્રી કરી શકતી નથી.
સવા બે માસ ઉપરાંતના સમયમાં હોસ્પિટલમાં એકપણ એન્જીયોગ્રાફી કરાઇ નથી : યોગેશ ઉપાધ્યાય, કેર સેન્ટર સંચાલક
ખંભાતની કાર્ડિયાક કેર સેન્ટરના મુખ્ય કર્તાહતા-સંચાલક યોગેશ ઉપાધ્યાયે મીડિયાને જણાવ્યુ ંહતું કે, છેલ્લા એક વર્ષથી તેઓ હોસ્પિટલના વહીવટી કામગીરીમાં જોડાયા છે. ગત તા. ૪ ડિસે.ર૦ર૪ના રોજ રાજય સરકારે જાહેર કર્યુ હતું કે, જરુરી તબીબો સહિતની પૂરતી વ્યવસ્થા ન ધરાવતી હોસ્પિટલોએ યોજના હેઠળ બાયપાસ કે એન્જીયોગ્રાફી ન કરવી. જેથી કાર્ડિયાક કેર સેન્ટરમાં તા. પ ડિસે.ર૦ર૪થી આજે ૧૪ ફેબ્રુ.ર૦રપ સુધી એકપણ એન્જીયોગ્રાફી કરવામાં આવી નથી. વધુમાં જણાવ્યુ ંહતું કે, કલેઇમ નામંજૂર મામલે કોઇપણ દર્દી પાસે નાણાંની માંગણી કરવામાં આવી નથી. હોસ્પિટલની દર્દીલક્ષી છબીને ખરડવા માટે એકતરફી દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યાનું તેઓએ જણાવ્યું હતું.
સરકારની આયુષ્યમાન યોજનામાં થોડા સમય અગાઉ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના મસમોટા કાંડનો મામલો બહાર આવ્યા બાદ સરકારે આ યોજનામાં જોડાયેલ હોસ્પિટલમાં થતી ઓપરેશન સહિતની બાબતો પર ખાસ ધ્યાન આપવા સાથે નવી ગાઇડલાઇન અમલી બનાવી છે. દરમ્યાન ખંભાતની કાડિર્યાક કેર સેન્ટરમાં આ યોજના હેઠળના મોકલાયેલ અંદાજે ૧૮ લાખના બીલો આરોગ્ય વિભાગ દ્વારા નામંજૂર કરાયાનો મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો હોવાનું જાણવા મળે છે. જો કે હોસ્પિટલના મુખ્ય સંચાલક સમગ્ર બાબતને દુષ્પ્રચાર કરવા ઉપજાવી કાઢવામાં આવ્યાનું જણાવી રહ્યા છે.
મળતી વિગતોમાં ખંભાતની કાર્ડિયાક કેર હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત દર્દીઓની કરાયેલ સારવાર-સર્જરીના અંદાજે ૧૮ લાખના કલેઇમ આરોગ્ય વિભાગે નામંજૂર કર્યાના સમાચાર-વિડીયો વાયરલ થયા હતા. જેમાં હોસ્પિટલમાં છેલ્લા ત્રણ માસથી રજીસ્ટર્ડ કાર્ડિયોલોજીસ્ટ ન હોવા છતાં દર્દીઓના કલેઇમ કરાયા, તબીબના નામે અન્ય નામ લખીને કલેઇમ કરાયા સહિતની ચર્ચાઓએ જોર પકડયું હતું. આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારી પટેલને પૃચ્છા કરતા જણાવ્યું હતું કે, કલેઇમ નામંજૂર થયાની બાબતે વીમા કંપની, કવોલિટી કંટ્રોલ તેમજ મેડીકલ ઓફિસર સહિતની ટીમને મોકલવામાં આવી છે. સમગ્ર મામલે ટીમ દ્વારા તપાસ કરીને અહેવાલ રજૂ કરાશે. સાથોસાથ કાર્ડિયોલોજીસ્ટની ડીટેઇલ પણ આવ્યા બાદ સમગ્ર મામલે સત્યતા ચકાસી શકાશે.
ઉલ્લેખનીય છે કે આયુષ્યમાન યોજનામાં હોસ્પિટલ દ્વારા કરાયેલ દર્દીની સર્જરી સહિતની સારવાર અંગેનો કલેઇમ જરુરી દસ્તાવેજો સાથે હવે જિલ્લા આરોગ્ય વિભાગને મોકલવામાં આવે છે. જયાં તમામ બાબતોની ચકાસણી કરીને મંજૂરી અર્થ રાજયમાં મોકલવામાં આવે છે.