ચુવા : નીલગીરીના ખેતરમાંથી યુવકનું ગળુ કાપીને હત્યા કરાયેલી લાશ મળી
પેટ, છાતી તેમજ માથામાં પણ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યાને અપાયેલો અંજામ : લોહીથી લથપથ લાશ મળી આવતાં પોલીસ તપાસનો ધમધમાટ : જીન્સ પેન્ટ અને મરૂન કલરનું શર્ટ પહેરેલા યુવકના હાથમાં નાડાછડી તેમજ જમણા હાથે અંગ્રેજીમાં એઆર લખેલું મળ્યું
બે થી વધુ હત્યારા હોવાની શંકા : ડીવાયએસપી
પેટલાદના ડીવાયએસપી પી. કે. દિયોરાના જણાવ્યા અનુસાર જે રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે તેને જોતાં બે થી વધુ હત્યારા હોવાની શક્યતા જોવાઈ રહી છે. સુત્રોના અનુમાન મુજબ ૨૨ વીઘાં નીલગીરીના ખેતરમાં વચ્ચોવચ રાત્રીના સુમારે મરણ જનાર સહિતના યુવાનો એકત્ર થયા હશે અને ત્યાં દારૂની મહેફિલ માણતા હશે. એ દરમ્યાન કોઈ વાતે ઝઘડો થતાં યુવકની છરો સહિતના તી-ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હશે. યુવકનું ગળુ જ કાપી નાંખવામાં આવ્યું છે જ્યારે પેટમાં ધારધાર છરો મારી દેવામાં આવ્યો હતો.જે પોલીસે જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
પરપ્રાંતીય નહીં, પરંતુ સ્થાનિક હોવાની શક્યતા : પીઆઈ
બોરસદ રૂરલના પીઆઈ ડી. આર. ચૌધરીના જણાવ્યા અનુસાર યુવકના પહેરવેશ અને ચહેરા ઉપરથી તે પરપ્રાંતીય નહીં પરંતુ સ્થાનિક જ હોવાની શક્યતા જોવાઈ રહી છે. જો કે આસપાસના ગામડાઓમાં તેના ફોટા સાથે તપાસ કરવામાં આવી હોવા છતાં પણ યુવકની કોઈ ભાળ મળી નથી. આજે એફએસએલની મદદથી તપાસ કરવામાં આવી છે. આવતીકાલે ડોગ સ્ક્વોર્ડની મદદથી તપાસ હાથ ઘરવામાં આવશે. જે રીતે હત્યાને અંજામ અપાયો છે તેને જોતા પૈસા, મિલ્કત નહીં પરંતુ પ્રેમપ્રકરણ કે અંગત અદાવત જવાબદાર હોય તેમ લાગી રહ્યું છે.
લોહી તાજું હોવાથી મધ્યરાત્રીથી વહેલી સવારે હત્યા થયાનો અંદાજ
ડીવાયએસપી પી. કે. દિયોરાએ જણાવ્યું હતુ કે, યુવકની અત્યંત ક્રુર રીતે ગળુ કાપીને તેમજ માથા, પેટ અને છાતીમાં તી-ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. તેના ચહેરા ઉપર તેમજ શરીર ઉપર મળી આવેલું લોહી તાજુ જ હોય, તેની હત્યા મધ્યરાત્રીથી વહેલી સવારના સુમારે કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. જેને લઈને આવતીકાલે કરમસદની હોસ્પીટલમાં ફોરેન્સિક નિષ્ણાતની ઉપસ્થિતમાં લાશનું પીએમ કરવામાં આવશે જેમાં મોત કેટલા વાગ્યે થયું તે જાણી શકાશે તેના આધારે હત્યાં સંદર્ભે કેટલીક કડીઓ હાથ લાગશે તેમ મનાઈ રહ્યું છે.
ઈંટભઠ્ઠા અને તમાકુની ખળીમાં કરાયેલી તપાસ
મરણ જનાર યુવક કોણ અને ક્યાંનો છે તે દિશામાં પોલીસે સ્થાનિક ગ્રામજનોની પુછપરછ હાથ ઘરી હતી. પરંતુ યુવાન સ્થાનિક ન હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસે ચુવા, ઝારોલા અને વડેલી ગામના ઈંટોના ભઠ્ઠા ઉપર તેમજ આસપાસ આવેલી તમાકુની ખરીઓમાં પણ તપાસ હાથ ઘરી હતી. પરંતુ હજી સુધી મરણ જનાર યુવાન કોણ અને ક્યાંનો છે તે જાણવા મળ્યુ નથી.
ચપ્પલ અને દાનની પાવતી બુક મળી આવતા જપ્ત કરાઈ
ચુવા ગામના નીલગીરીના ખેતરમાંથી આજે બપોરના સુમારે યુવાનની હત્યા કરાયેલી મળી આવેલી લાશને એક તરફ પોલીસ દ્વારા યુવકની ઓળખવિધિ કરવા માટેના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. ત્યારે પોલીસને ઘટનાસ્થળેથી ચપ્પલ અને દાનની પાવતી બુક મળી આવી છે. જે પોલીસે જપ્ત કરીને તેના આધારે યુવકની ઓળખવિધિના ચક્રો ગતિમાન કર્યા છે.
બોરસદ તાલુકાના ચુવા ગામની સીમમાં આવેલા નીલગીરીના ખેતરમાંથી આજે બપોરના સુમારે એક યવકનું ગળુ કાપીને તેમજ માથા, છાતી,પેટના ભાગે તક્ષ્ણ હથિયારના ઘા મારીને કરપીણ હત્યા કરી નાંખેલી લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, એફએસએલની ટીમ સહિત ઘટનાસ્થળે ઘસી ગયા હતા અને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ચુવા-ઝારોલા રોડ ઉપર એક એનઆરઆઈનું ૨૨ વીઘા જેટલા નીલગીરીના ખેતરમાં એક યુવકની લોહીથી લથપથ લાશ ત્યાંથી પસાર થતા એક ખેડુતે જોતા જ તેણે તુરંત જ ગામના સરપંચને આ અંગે જાણ કરી હતી. તેમણે બોરસદ રૂરલ પોલીસને જાણ કરતાં પીઆઈ ડી. આર. ચૌધરી સ્ટાફ સાથે ઘટનાસ્થળે ઘસી ગયા હતા અને તપાસ કરતા ખેતરની વચ્ચેના ભાગે ૨૫ થી ૩૦ વર્ષના યુવાનની લાશ પડી હતી. તેનું ગળુ કોઈ તી-ણ હથિયારથી કાપી નાંખવામાં આવ્યું હતુ. તેમજ માથામાં પાછળના ભાગે, પેટમાં અને છાતીમાં પણ તી-ણ હથિયારના ઘા મારવામા ંઆવ્યા હતા. જેના કારણે યુવકનું સ્થળ પર જ મોત થયું હતુ.
ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવતાં ડીવાયએસપી પી. કે. દિયોરા, એલસીબી પીઆઈ એચ. આર. બ્રહ્મભટ્ટ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ડોગ સ્ક્વોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી હતી. પોલીસે યુવકની લાશનો કબ્જો લઈને વધુ તપાસ કરતા તેણે વાદળી કલરનું જીન્સનું પેન્ટ (બી ૫ બોન્ડ) અને મરૂન કલરનું શર્ટ પહેર્યું છે. હાથમાં નાળાછડી છે અને જમણા હાથે અંગ્રેજીમાં એ આર લખેલું મળી આવ્યું છે. લાશની આસપાસ પણ લોહીના ડાઘા મળી આવ્યા હતા.
પોલીસે લાશનો કબ્જો લઈને પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવવા માટે કરમસદની હોસ્પીટલમા મોકલી આપી હતી અને આ અંગે બોરસદ રૂરલ પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ઘરી છે. જે રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે તેને જોતાં પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર મરણ જનાર યુવક કોણ અને ક્યાંનો છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. યુવકની ઓળખ થઈ ગયા બાદ રહસ્યના અનેક તાણાંવાણાં સર્જતા આ હત્યાકાંડનો ભેદ ઉકેલાઈ જશે તેમ મનાઈ રહ્યું છે.