કપડવંજ : સગીરાને ભગાડી લઈ જઈ દુષ્કર્મ ગુજારનાર પરિણીત યુવકને ૨૦ વર્ષની કેદની સજા
એપીપી મિનેષ આર. પટેલની દલીલો તેમજ રજુ કરેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને સુનિલ બારૈયાને સજાનો હુકમ કરતી કપડવંજ સેશન્સ કોર્ટ
કયા ગુનામાં કેટલી સજા ?
-ઈપીકો કલમ ૩૬૩ મુજબના ગુન્હા સબબ ૪ વર્ષની સાદી કેદની સજા તથા રૂા. ૨૫૦૦નો દંડ જો દંડની રકમ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા
-પોકસો એક્ટ-૨૦૧૨ની કલમ ૬ મુજબના ગુના સબબ ૨૦ વર્ષની સશ્રમ કેદની સજા તથા રૂા. ૫૦૦૦નો દંડ, જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ પાંચ માસની સાદી કેદની સજા.
ભોગ બનનારને રૂા. ૪ લાખનું વળતર
કપડવંજ કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા કરી છે. તેની સાથે સાથે ભોગ બનનારને પણ રૂા. ૪ લાખના વળતરનો હૂકમકર્યો છે. આ રકમ પૈકી ૭૫ ટકા રકમ ભોગ બનનારના નામે (પાંચ) વર્ષમાં રાષ્ટ્રીયકૃત બેંકમાં (ભોગ બનનાર ઈચ્છે તે રાષ્ટ્રીયકૃત બેંકમાં) જમા રાખવી અને તેનું વ્યાજ ભોગ બનનારને ચૂકવવું તથા બાકીની રકમ ભોગ બનનારને જરૂરી ઓળખ અંગેના આધાર પૂરાવાની ખાતરી કરી એકાઉન્ટ પે ચેકથી ચૂકવી આપવીનો ચુકાદામાં નિર્દેશ આપ્યો હતો.
પોણા બે વર્ષ પહેલા સગીર યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડીને લઈ ગયા બાદ તેણી ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં કપડવંજ તાલુકાના સુખદેવનગર તાબે ગાડીયારાના પરિણીત યુવકને કપડવંજની સેશન્સ કોર્ટે તકશીરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા સંભળાવી હતી.
મળતી માહિતી અનુસાર કપડવંજ તાલુકાના સુખદેવનગર તાબે ગાડીયારામાં રહેતો સુનિલકુમાર મનુભાઈ બારૈયાનાઓ (ઉં.વ.૨૫)પરિણીત છે. પોતાની પત્ની હોવા છતાં ગામમાં રહેતી એક સગીરા સાથે સંબંધો કેળવ્યા હતા અને અવાર-નવાર મુલાકાતો કરીને મીઠી મીઠી વાતોમાં ભેળવીને તા. ૨૦-૩-૨૦૨૩ના રોજ બપોરના સમયે સગીરાને ભગાડી ગયો હતો. કપડવંજથી તેણીને લઈને સુરત નજીક ગંગાધર ટુન્ડી ખાતે રહેતા પ્રકાશભાઈ વેલજીભાઈ માવાણીના ખેતરમાં પહોંચ્યો હતો. જ્યાં આવેલ ઓરડીમાં રાખી ભોગ બનનારની સાથે મરજી વિરૂદ્ઘ દુષ્કર્મ કર્યું હતું. આ બાબતે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્ઘ આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) (એન) તથા પોક્સો એક્ટ ૩(એ) ૪, ૫ (એલ), ૬ તથા ૧૨ મુજબ ગુનો દાખલ કરીને તેનું પગેરું દબાવ્યું હતુ અને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તપાસ કરતા તેના વિરૂદ્ઘ પુરતા પુરાવા મળી આવતાં પોલીેસ ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી.
આ કેસ કપડવંજ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં એપીપી મિનેષ આર. પટેલે દલિલો કરતાં જણાવ્યું હતુ કે, આરોપી પરિણીત હોવા છતાં પણ સગીરાને ભોળવીને ભગાડી લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું છે. જે ભોગ બનનારની જુબાની તેમજ રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓ પરથી ફલિત થાય છે. સમાજમાં કુમળી વયની બાળાઓ ઉપર શારીરીક અત્યાચારના ગુનાઓનું પ્રમાણ વધ્યું હોય ત્યારે સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવા માટે અપીલ કરી હતી. તેઓએ પોતાના કેસના સમર્થનમાં ૧૨ જેટલા સાક્ષીઓ તપાસ્યા હતા અને ૧૪થી વધુ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. ન્યાયાધીશ કે.એસ. પટેલે સરકારી વકીલની દલીલો અને ભોગ બનનારની જુબાની તથા મેડિકલ એવિડન્સ ધ્યાનમાં લઈ આરોપી સુનિલકુમાર મનુભાઈ બારૈયા (ઉં.વ.૨૫) રહે. સુખદેવનગર તાબે ગાડીયારા, તા. કપડવંજ)ને કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.