કઠલાલ : અપહરણકારોએ ઈકો કારમાં અપહરણ કરીને થોડે દુરથી તુફાન ગાડીમાં નાંખીને લઈ ગયા હતા
અપહરણમાં છ શખ્સોની સંડોવણી ખુલી, ઝડપી પાડવાના ચક્રો ગતિમાન
અમદાવાદ જિલ્લાના કણભા ગામના લેબર કોન્ટ્રાક્ટરનું મજુરીના બાકી પડતા ત્રણ લાખ માટે છ શખ્સો દ્વારા ઈકો કાર અને તુફાન ગાડી લઈને આવી કઠલાલ તાલુકાના ખલાલ કમાન્ડો ટ્રેનીંગ સેન્ટર ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું છે. પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે જ એમપીમાં ઓપરેશન હાથ ઘરીને અપહૃતને હેમખેમ છોડાવી લીઘો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૮મી તારીખના રોજ ખલાલ ટ્રેનીંગ સેન્ટરની બહારથી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા પાર્થકુમાર સંદિપભાઈ પટેલનું મજુરીના બાકી પડતા ત્રણ લાખ માટે અપહરણ કરવામાં આવ્યું હતુ. જેની જાણ થતાં જ કઠલાલના પીઆઈ એમ. વી. ભગોરા અને તેમની ટીમ સક્રિય થઈ ગઈ હતી અને અપહરણકારોનું પગેરું દબાવીને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બોરી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા છોટી કંદવાલ ગામે પહોંચી ગયા હતા. જ્યાં ડુંગરાળ વિસ્તારમાં આવેલી એક ઓરડીમાં અપહૃુતને રાખવામાં આવ્યા હોય, પોલીસ ત્યાં પહોંચે તે પહેલા જ તમામ અપહરણકારો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ પાર્થ પટેલને હેમખેમ છોડાવીને કઠલાલ લઈ આવ્યા હતા.
તપાસ કરતા અપહરણકારો મોહનસીંગ દિલુભાઈ ચૌહાણ, સુનિલ કાલસિંગ ચૌહાણ (રે. બન્ને સીમલખેડી, જામ્બુઆ, મધ્યપ્રદેશ), જેરામસિંગ નહારસિંગ દાવર (રે.પીપલ દાતીયા, તા. નરવાલી, જીલ્લો ધાર, એમપી), ધારસિંગ પાનસિંગ મંડલોઈ, કૈલાસ અમરસિંહ અને રવિ મહોબત મંડલોઈ (રે. ત્રણેય છોટી કદવાલ, અલીરાજપુર, એમપી)નાની સંડોવણી ખુલવા પામી હતી.
પીઆઈ ભગોરાના જણાવ્યા અનુસાર પ્રથમ ત્રણથી ચાર જેટલા અપહરણકારો ઈકો કાર નંબર નંબર એમપી-૫૨, સીએ-૨૫૧૪ લઈને ખલાલ ટ્રેનીંગ સેન્ટર ખાતે આવ્યા હતા અને કોન્ટ્રાક્ટર પાર્થ પટેલ સાથે બોલાચાલી અને મારમારી કરીને જબરજસ્તીથી કારમાં બેસાડીને અપહરણ કરીને ભાગ્યા હતા. ત્યાંથી પીઠાઈ ટોલનાકુ પસાર કર્યા બાદ અપહરણકારોએ પકડાઈ જવાની બીકે તુફાન ગાડી બોલાવી હતી અને રોડની સાઈડમાં ઈકો કાર ઉભી રાખીને તેમાંથી પાર્થ પટેલને ઉતારીને તુફાન ગાડીમાં બેસાડીને અમપી લઈ ગયા હતા. મજુરીના બાકી પડતા પૈસા માટે જ અપહરણ કરાયું હોવાનું ક્લીયર થઈ જવા પામ્યું છે.