મહેમદાવાદ : સરસવણીની પરિણીતા ઉપર સાસરીયાઓએ ત્રાસ ગુજારતા ગળે ફાંસો ખાઈને આપઘાત
પતિ, સાસુ અને સસરા સામે દુષ્પ્રેરણની ફરિયાદ : સંતાનો ના થતાં મ્હેણાં-ટોણાં મારીને અસહ્ય ત્રાસ ગુજારતા હતા
મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામે કેનાલ નજીકના કાકરીયા વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષની પરીણિતાને લગ્નના સાત વર્ષ બાદ પણ કોઈ સંતાન ના થતા પતિ, સાસુ અને સસરા ત્રાસ આપતા હતા જે સહન ન થતા પીડીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મહેમદાવાદ પોલીસે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મહેમદાવાદ તાલુકાના ભીમનાથપુરા વિસ્તારમાં રહેતા હિમ્મતસિંહ રતાજી ઝાલાની દિકરી દક્ષાબેનના લગ્ન આજથી ૭ વર્ષ અગાઉ સરસવણી ગામે કેનાલ નજીક કાકરીયા વિસ્તારમાં રહેતા હિતેશસિંહ મંગળસિંહ ચૌહાણ સાથે કર્યા હતા. લાંબો સમય થવા છતા પરીણિતાના કુખે કોઈ સંતાન ન થતા પતિ હિતેશસિંહ અને સાસુ મુન્નીબેન અને સસરા મંગળસિહ નાખુશ હતા. આથી પરીણિતા પર અત્યાચાર ગુજારવાનું શરુ કર્યું હતું. ઘરની નાની-નાની બાબતોમાં અવાર નવાર મ્હેણાટોણા મારી શારિરીક માનસિક ત્રાસ ગુજારતા હતા.
જેથી આજે સવારે પરીણિતા દક્ષાબેનને મનમાં લાગી આવતા તેણે પોતાની સાસરીમાં પાછળના રૃમમાં પહોંચી લોખંડની પાઈપમા દોરી વડે ગળા ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. જોકે મૃતકના માવતર આ કંકાસથી વાકેફ હોવાથી તેમણે સમગ્ર બનાવ મામલે મહેમદાવાદ પોલીસ મથકે પરીણિતાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહત્વનું છે કે, મૃતક દક્ષાબેને ગતરોજ સાંજે પોતાના ભાઈને ફોન કરી સાસરીમાંથી તેડી જવા જણાવ્યું હતું અને કોઈ નિર્ણય લે તે પહેલા જ પરીણિતાએ આત્મઘાતી પગલું ભરી લેતાં પિયર પક્ષના સભ્યો ઘેરા શોકમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા.