ડાકોર જતા માર્ગો પર જય રણછોડ માખણચોરના નાદ સાથે ધપતા પદયાત્રી
માથે બળબળતો તાપ અને હૈયામાં રણછોડજીનું સ્મરણ સાથે પદયાત્રીકો ડાકોર તરફ આગળ ધપી રહ્યા છે, ભક્તિ માર્ગ પર ઠેકઠેકાણે સેવા કેમ્પો
ધગ ધગ તો તાપ ખુલ્લા રોડ પર ૩૮ ડીગ્રી તાપમાન વચ્ચે પદયાત્રીઓનો અવિરત પ્રવાહ ડાકોર તરફ આગેકૂચ કરી રહ્યો છે. ફાગણી પૂનમે મંગળા આરતીના દર્શન કરવા જતા લાખો પદયાત્રીઓ ડાકોર તરફ આગળ વધી રહ્યા છે. પૂનમના ત્રણ દિવસ બાકી છે ત્યારે દુર દુરથી ચાલીને આવતા ભક્તોએ ખેડા જિલ્લામાં ધામા નાખ્યા છે. જિલ્લાના મહેમદાવાદના રાસ્કા, કનીજ, આમસરણ, ખાત્રજ ચોકડી, સિંહુજ ચોકડી, મહુધા ટી પોઈન્ટ થઈને ડાકોર જતા માર્ગ પર અસંખ્ય ભક્તો ધોળી ધજા સાથે ડાકોર તરફ આગેકૂચ કરી રહ્યા છે. એક બાજુ માથે બળબળતો તાપ છે આમ છતા પણ ભક્તો વિચલિત થયા વગર હૈયામાં રણછોડજીનું સ્મરણ સાથે પદયાત્રીકો ડાકોર તરફ આગળ ધપી રહ્યા છે.
ડાકોરના રાજાધિરાજને મળવા ભક્તો ભક્તિમાં લીન બન્યા છે. દુર દુરથી ચાલીને ડાકોર આ ફાગણી પૂનમે લાખોની સંખ્યામાં શ્રદ્ઘાળુઓ આવે છે. ફાગણી પૂનમના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડાકોરને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો સેલાબ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ તરફથી વધારે શ્રધ્ધાળુઓ પદયાત્રા કરીને આવતા હોવાથી હાથીજણ સર્કલથી ડાકોરને જોડતો ૬૨ કિમી માર્ગ પર ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આ રોડ પર આવતા ગામો તેમજ સ્વૈચ્છિક લોકો અને સામાજિક સંસ્થાઓએ ભક્તોની સેવા માટે ભોજન, ચ્હા-નાસ્તો, રહેવાની સેવાઓ પુરી પાડી રણછોડજીની ભક્તિમાં લીન બન્યા છે. સેવા કેમ્પોથી ભક્તોને રાજાધિરાજના દરબારમાં પહોંચવા અનોખો જુસ્સો મળી રહ્યો છે. 'ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે' નો ગગનભેદી નાંદ સાથે માર્ગો ગુંજી ઉઠ્યા છે.
અમદાવાદના વસ્ત્રાલ ગામેથી આવતા નવયુવક સંદીપએ જણાવ્યું કે, હું પહેલી વખત ચાલીને પૂનમ ભરવા ડાકોર જઈ રહ્યો છું, રસ્તામાં કોઈ તકલીફ પડતી નથી. સેવાકીય લોકો ૨૪ કલાક પદયાત્રીઓની સેવામાં ખડેપગે છે. આમ તો થોડી તકલીફ પડે પગને ... પણ 'જય રણછોડ માખણચોર' નો નાદ હૃદયમાં જુસ્સો લાવે છે અને છેલ્લે જ્યારે મંદિરના દ્વારે પહોંચીએ ત્યારે હાશકારો થાય છે.ઉમા નામની એક યુવતીએ જણાવ્યું હતું કે હું આ બીજી વખત ડાકોર ચાલતી જાંઉ છુ ભક્તિના તાલે થાક લાગતો નથી. ફાગણી પૂનમ અંતર્ગત ખેડા જિલ્લાના ડાકોર ખાતે દર્શનાર્થ લાખોની સંખ્યામાં શ્રદ્ઘાળુ પદયાત્રીઓ રાજ્યભરમાંથી પગપાળા ડાકોર જઈ રહ્યા છે તેવા પદયાત્રીઓને વિસામો મળે, પૌષ્ટિક ભોજન મળે અને સવારે તથા રાત્રે ચા નાસ્તો મળે તે માટે ખેડા જિલ્લાના મહેમદાવાદના શ્રી સોમવાર પ્રાર્થના મંડળ અને રામરોટી સેવા ટ્રસ્ટના મોહન ભગતે ૪૨ વર્ષ પહેલા સેવા યજ્ઞનોનો પ્રારંભ કરેલ. જે સતત કાર્યરત છે. અહીંયા પદયાત્રીઓની સેવા આપનારએ જણાવ્યું કે, પદયાત્રીઓ માટે તમામ પ્રકારનીસગવડ અમે પુરીપાડીએ છીએ.