નડિયાદ નજીક એક્સપ્રેસ વે પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી થતાં ભીષણ આગ
-ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા જે બે કિમી દૂર સુધી દેખાયા -ટેન્કરનો ચાલક કુદી પડતાં થયેલો આબાદ બચાવ -કેમીકલ લીક થતાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી
નડિયાદ નજીક વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે રોડ પર આજે કેમિકલ ભરેલ એક ટેન્કર હાઇવે રોડ રેલીંગ તોડી સાઈડના ઊંડા ખાડામાં ખાબકયા પછી થયેલા બ્લાસ્ટને કારણે ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગતા એક્સપ્રેસ હાઈવે રોડ પર ભારે અફડાતફડી મચી ગઈ હતી.જોકે ચાલકનો સમય સૂચકતા દાખવી ટેન્કરમાંથી કૂદી પડતા આબાદ બચાવ થયો છે. નડિયાદ ફાયર બ્રિગેડ ની ટીમ એ જાણના પગલે ત્યાં દોડી જઈ સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ નડિયાદ નજીકથી પસાર થતા વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે રોડ પર આજે સમી સાંજે પુર ઝડપે પસાર થતી એક કેમિકલ ભરેલી ટેન્કર એકાએક રેલીંગ તોડી નીચે ઊંડા ખાડામાં ખાબકી હતી. તે સાથે ટેન્કરમાં ભરેલ કેમિકલ લીક થતાં મોટો બ્લાસ્ટ થયો હતો અને ત્યાં ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા જેના કારણે હાઈવે પર ભારે અફડાતફડી મચી ગઇ હતી.
જોકે આ દરમિયાન ચાલકનો સમય સૂચકતા દાખવી ટ્રકમાંથી કૂદી પડતાં આબાદ બચાવ થયો છે. ચાલકને શરીરે વધતી ઓછી ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડ, પોલીસ અને હાઈવેની ઈમરજન્સી પેટ્રોલીંગની ટીમને થતાં તેઓ ત્યાં દોડી આવ્યા હતા ે ફાયર બ્રિગેડની ટીમે કેમીકલ ફોર્મ અને પાણીનો મારો ચલાવીને લાગેલી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પોલીસે ઘટનામાં ઇજાગ્રસ્ત ટેન્કર ચાલકને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હોવાનું જાણવા મળ્યું છે.