ડાકોર ભવન્સ હાયર સેકન્ડરી શાળાનો પરિક્ષામાં ચોરી કરતાં વાયરલ થયેલા વીડિયો સંદર્ભ ફરિયાદ
૮ માર્ચ પહેલાના તમામ બેકઅપ ફુટેજ વીડિયો ડીલીટ કરી દીધાનો ચોંકાવનારો ખુલાસો : ૧લી માર્ચના રોજ લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષાના ગણિના પેપરમાં બે વિદ્યાર્થીઓ સાહિત્યની આપ-લે કરતા સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગયા હતા
ગેરરીતિના કેસમાં વિદ્યાર્થી સગીર હોય, વિગતો જાહેર થતી નથી : શિક્ષણાધિકારી
સમગ્ર જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, સામાન્ય રીતે ગેરરીતીના કેસોમાં વિદ્યાર્થીઓ માઈનોર હોય કોઈ તેઓની વ્યક્તિગત ઓળખ કે વિગતો જાહેર કરવામાં આવતી નથી. તેમ છતાં આ વિડીયો વાઈરલ થયેલ છે. આથી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ જોગવાઈ મુજબ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. જવાબદાર સામે કાયદાકીય પગલા ભરવામાં આવી રહ્યા છે.
ખેડા જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓનો સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયું હતું. સૌપ્રથમ આ વિડિયો ક્યા વિસ્તારના ઝોનનો છે તે જાણવા પ્રયાસ હાથ ધરાયો હતો. જેમાં આ ગેરરીતિનો વિડિયો ડાકોર ભવન્સ હાયર સેકન્ડરી શાળાના હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અહીંયા લગાવેલા સીસીટીવી ૮ માર્ચ પહેલાના તમામ બેકઅપ ફુટેજ વિડિયો ડીલીટ હોવાનો ચોંકાવનારો ખુલાસો થતાં સમગ્ર મામલે અજાણ્યા ઈસમ સામે ડાકોર પોલીસમાં સ્થળ સંચાલકે ફરિયાદ નોંધાવી છે. કોન્ફિડન્સીયલ ગણવામાં આવતો વિડિયો કેવી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થયો તે ખુબજ ગંભીર બાબત હોવાથી પોલીસ આ અજાણ્યા ઇસમને શોધી કાઢે તેવી જાગૃતોની લાગણી પ્રવર્તી રહી છે.
મળતી માહિતી મુજબ ખેડા જિલ્લામાં ગતરોજ બોર્ડની પરીક્ષામાં ચોરી થતી હોવાનો ગેરરીતિનો વિડિયો સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. જેમાં બે વિદ્યાર્થીનીઓ સાહિત્યની આપ-લે કરતા નજરે પડયા હતા. આ વિડિયો વાયરલ થતાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી. જેને લઇને શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયું હતું. સૌપ્રથમ આ વિડિયો ક્યા ઝોનનો છે તે તપાસવામાં આવ્યો હતો. જેમાં આ વિડિયો અલીણા ઝોનના ડાકોર પરિક્ષા કેન્દ્ર ના ડાકોરની ભવન્સ હાયર સેકન્ડરી શાળાનો હોવાનું સામે આવ્યું હતુ.
શિક્ષણ વિભાગની વધુ તપાસમાં આ ગેરરીતિનો વિડિયો ૧ માર્ચ ૨૦૨૫ના રોજનો ધોરણ દશની પરીક્ષાના ગણિત વિષયના પ્રશ્નપત્રનો છે. સુપરવાઈઝરની હાજરીમાં વિદ્યાર્થીઓ ચોરી કરતા હોવાનું વિડિયોમા દેખાય છે. અહીયા મહત્વનો પ્રશ્ન એ છે કે, ગુપ્ત રાખવા જેવી અતિ મહત્વની માહિતીનો વિડિયો સોશિયલ પ્લેટફોર્મ પર કઈ રીતે વાયરલ થયો જે દિશામાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ઘરી છે. બીજી બાજુ આ પરીક્ષાના કેમેરા ઓપરેટરે ચકાસણી કરતા ૮ માર્ચ ૨૦૨૫ પહેલાના તમામ વિડિયો ફુટેજ ડીલીટ થયા હોવાનું જણાઈ આવ્યું હતું.
જે બાબતે ભવન્સ હાયર સેકન્ડરી સ્કૂલ/ ભવન્સ ઇંગ્લીશ મીડિયમ સ્કુલના પ્રિન્સીપાલ વીધીબેન દવેની ે પરીક્ષા ખંડમાં થયેલ ગેરરીતીનો વિડિયો વાયરલ બાબતે પુછપરછ કરતાં તેઓએ જણાવેલ કે, જે વીડિયો વાઇરલ થયો છે તે વીડિયો અમે વાઇરલ કરેલ નથી. સામાન્ય રીતે ભવન્સ હાઈસ્કૂલમાં જે પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા લાગેલ છે તેનું બેક-અપ છેલ્લા ૧૫ દીવસનુ હોય છે. પરંતુ કોઈ અજાણી વ્યક્તિએ આ કૃત્ય આચર્યું હોવાની તેમણે શંકા વ્યક્ત કરી છે. આ સમગ્ર બનાવ મામલે સ્થળ સંચાલક મનવિરસિહ ચૌહાણે ડાકોર પોલીસ મથકે
અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી.
અત્રે નોંધનીય છે કે આ કૃત્ય શાળાના કોઈ જાણ ભેદુ વ્યક્તિએ કર્યો હશે બહારનો વ્યક્તિ આવીને આવું કૃત્ય કરે નહીં ત્યારે પોલીસે આ બાબતને ગંભીર લઈ શાળાના તમામ લોકોની પૂછપરછ હાથ ધરે તો વહેલી તકે આ તમામ બાબતો બહાર આવી શકે તેમ છે.