તમિલનાડુમાં સરકારી નોકરી માટે તમિલ ભાષા જરૂરી : મદ્રાસ હાઈકોર્ટ
સીબીએસઈ સ્કૂલમાં ભણ્યો હતો, તેથી રાજયની ભાષા શીખી શક્યો નહી : અરજદાર
મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેન્ચે ચુકાદોઆપતા કહ્યું કે તમિલનાડુમાં સરકારી નોકરી મેળવવા માંગતા લોકોને તમિલ વાંચતા-લખતા આવડવું જ જોઇએ. તમિલનાડુ વિજળી બોર્ડ (ટીએનઇબી)ના એક જુનિયર સહાયક સાથે સંબંધિત કેસમાં બેન્ચે આ ટિપ્પણી કરી.જે ફરજીયાત તમિલ ભાષાની પરીક્ષા પાસ કરવામાં ફેલ થયો.
અરજદારે દલીલ કરી હતી કે તેના પિતા નેવીમાં હતા જેના કારણે તે સીબીએસઇ સ્કૂલમાં ભણ્યો હતો. એટલા માટે તે કયારેય તમિલ શીખી શક્યો નહી.કોર્ટ આવતા મહિને પોતાનો ચુકાદો આપશે.
આ સમગ્ર મામલો તમિલનાડુ વિજળી બોર્ડ (ટીએનઈબી)ના કર્મચારી થેનીના એમ જયકુમાર સાથે સંબંધિત છે. બે વર્ષમાં તમિલ ભાષાની પરીક્ષા પાસ ન કરવા બદલ જયકુમારને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. જયકુમારે આની વિરૂદ્ઘ કોર્ટમાં અરજી કરી. ૧૦ માર્ચ, કેસની સુનાવણી કરતી વખતે, જસ્ટિસ જી જયચંદ્રન અને જસ્ટિસ આર પૂર્ણિમાએ કહ્યું કે તમિલ ભાષાના જ્ઞાન વિના સરકારી કર્મચારી કેવી રીતે કામ કરી શકે છે.
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉમેદવારોએ નિર્ધારિત સમયમર્યાદામાં સરકારી ભાષાની પરીક્ષા પાસ કરવી જરૂરી છે અને સવાલ કર્યો હતો કે તમિલ ભાષા આવડયા વિના કોઇ વ્યકિત સરકારી કાર્યાલયમાં નોકરી કેમ ઇચ્છશે. આ પછી, કોર્ટે બંને પક્ષોને અંતિમ દલીલો માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો અને કેસની સુનાવણી છ અઠવાડિયા માટે મુલતવી રાખી.
હાલમાં તમિલનાડુમાં ટ્રાય લેંગ્વેજ મામલે વિવાદ ચાલી રહયો છે. નવી શિક્ષણ નીતિને લઇને મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને કેન્દ્ર વચ્ચે ખેંચતાણ ચાલુ છે. સંસદના બજેટ સત્રમાં આ અંગે ઘણો હોબાળો થયો હતો.