આણંદ જિલ્લાના ખેડૂતોની સમસ્યા દૂર કરવા સિંચાઇના પાણીમાં કાયમી ધોરણે ફેરફાર કરવા ભારતીય કિસાન સંઘની માંગ
૧૫ માર્ચ સુધીમાં ૪૦ ટકા ખેડૂતો પાક લઇ શકતા નથી, આથી સિંચાઇનું પાણી ૧૫ જાન્યુ.થી ૧પ એપ્રિલ સુધી કાયમી ધોરણે અપાય તો ખેડૂતો પાક લઇ શકે
ઓકટો.ર૦ર૪માં વાવાઝોડા-વરસાદથી થયેલ પાક નુકસાનીની હજી સુધી સહાય ચૂકવાઇ નથી
ગત તા. ૧૯ ઓકટો.ર૦ર૪ના રોજ આણંદ જિલ્લામાં પણ ભારે પવન સાથે ૩ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જેના કારણે હજારો વીધા જમીનમાં ડાંગરનો પાક સંપૂર્ણ નાશ પામ્યો હતો. સાથોસાથ ઘાસચારો પણ બગડી ગયો હોવાથી ખેડૂતો આર્થિક નુકસાનીના ભારણમાં મૂકાયા છે. આ પાક નુકસાનીનો સરકાર દ્વારા સર્વ કરાયો હતો પરંતુ આજદિન સુધી તેની કોઇપણ સહાય ખેડૂતોને મળી નથી. પાંચ-પાંચ માસ વિતવા છતાંયે જગતનો તાત સહાયની રાહમાં વલખાંની સ્થિતિ અનુભવે તે ગંભીર બાબત છે. આ મામલે સરકાર દ્વારા સત્વરે નિર્ણય લઇને સહાય ચૂકવણી કરવામાં આવે તે જરુરી છે.
ખરીફ ડાંગરની ખરીદી ૧ વીઘા દીઠ ર૮ના બદલે પ૦ મણ કરવા માંગ
ગુજરાત રાજયમાં ડાંગર પકવતા ખેડૂતોની ખરીફ ડાંગરની ખરીદી હાલ ૧ વીઘા દીઠ ર૮ મણની ખરીદીની જોગવાઇ વર્ષોથી છે. જેમાં ખેડૂતો ડાંગર સૂકવીને, સાફ કરી, વાહન ભાડે કરીને ખરીદ કેન્દ્ર સુધી લઇ જાય છે. ત્યાં ગયા બાદ ખેડૂતનો રથી ૩ દિવસે નંબર આવતો હોવાથી આર્થિક રીતે ખેડૂતનો માર પડે છે. આથી ૧ વીઘા દીઠ પ૦ મણ ડાંગઞ્ની ખરીદી થાય તે માટે રાજય સરકારે કેન્દ્રની નીતિમાં ફેરફાર કરાવવો જોઇએની માંગ પણ કરવામાં આવી છે.
આણંદ-ખેડા જિલ્લામાં સિંચાઇનું પાણી ૧પ માર્ચ સુધી જ આપવામાં આવનાર હોવાના આયોજનથી ચરોતરના મોટાભાગના ખેડૂતોમાં ઉનાળુ પાક માટે પાણીની ચિંતા વ્યાપી છે. આ બાબતે ભારતીય કિસાન સંઘ, ગુજરાત-આણંદ જિલ્લા દ્વારા આણંદ જિલ્લાના ખેડૂતોને દર વર્ષ માર્ચ માસમાં પડતી મુશ્કેલીનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા અને સિંચાઇ વિભાગ તરફથી પાણીના આયોજનમાં ફેરફાર કાયમી ધોરણે કરવાની લેખિત માંગ કરવામાં આવી છે.
જેમાં જણાવાયું છે કે, આણંદ-ખેડા જિલ્લાાં ખરીફ સીઝનમાં ડાંગરનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે. જેમાં ભારતીય કિસાન સંઘના સૂચન મુજબ રોટેશન પદ્વતિ પાડવામાં આવે તો ઉનાળામાં તે પાણી કામમાં આવે. જો કે અગાઉ જિલ્લામાં ઘંઉનું પુષ્કળ વાવેતર થતું હતું. પરંતુ હવામાનમાં ફેરફાર, કમોસમી વરસાદ અને કડકડતી ઠંડી સાથે નીલ ગાયોના ત્રાસના કારણે અનેકો ખેડૂતો ઘંઉનો પાક બંધ કરીને ડાંગર અને બાજરી તરફ વળ્યા છે. આ બે પાકનું વાવેતર ૧૫ જાન્યુ.થી થાય છે. જેને ૧પ એપ્રિલ સુધી પાણી જોઇએ. આ સ્થિતિ અંગે જાણ હોવા છતાંયે સિંચાઇ વિભાગ રવિ સીઝનનું પાણી ૧૫ માર્ચ સુધી મળશેની જાહેરાત આપે છે. જેથી જિલ્લાના ૪૦ ટકા ખેડૂતો પાક લઇ શકતા નથી. આથી પાકને ધ્યાને લઇને ૧પ જાન્યુ.થી ૧પ એપ્રિલ સુધી પાણી આપવાની અગાઉથી જાહેરાત કરવામાં આવે. પાણીના સમયમાં ફેરફાર કરવામાં આવે તો કાયમી ધોરણે ખેડૂતો આવા પાક લઇ શકે.
વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષ આ જ સમયે જિલ્લાન ખેડૂતો દ્વારા ભાજપના હોદ્દેદારોને પાણી લંબાવવાની રજૂઆત કરાય છે અને તેઓ દ્વારા ખેડૂતોના હિતમાં સકારાત્મક પરિણામ લાવવામાં આવે છે. પરંતુ હવેથી સિંચાઇ વિભાગ દ્વારા આ પાકો માટે કાયમી ધોરણે ૧પ જાન્યુ.થી ૧પ એપ્રિલ સુધી પાણી મળી રહે તેવી અપીલ કરવામાં આવી છે.