નડિયાદ: કેમિકલ ટેન્કર આગને લઈ ૧૨ વ્યક્તિઓને સારવાર આપવાની ફરજ પડી
૬ કલાકની ભારે જહેમત બાદ ફાયર ટીમે ધુમાડો બંધ કરી ટેન્કર પર માટી નાખી કેમિકલ લીકેજ બંધ કર્યું
ત્વચા બાળનારું કેમિકલ શ્વાસ દ્વારા શરીરમાં જતા ફેફસાને નુકશાન કરતુ હતુ
ટેન્કરમાંથી લીકેજ થયલું કેમિકલ 'ઓલિયમ ૬૫માં સલ્ફર ડ્રાય ઓક્સાઈડ હતું. જે સલ્ફ્યુરિક એસિડનો જ એક ભાગ છે. તેના સંપર્કમાં આવતા જ ત્વચા બળી જાય છે. આ સિવાય વધુ સંપર્કમાં રહેતા કે શ્વાસમાં જતા ફેફસામાં સહિતના શરીરના અંદરના ભાગોને નુકસાન કરે છે. સામાન્ય રીતે પાણીથી વોશ કરતા તેની તીવ્રતાને ઘટાડી શકાય છે અને ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને તેની તીવ્રતા ઘટાડી દીધી હતી. નિરમાબેન સુરેશભાઈ તળાપદા (ઉવ. ૧૮), હેતલબેન ભાઈલાલભાઈ તળપદા (ઉવ. ૧૭), જ્યોતિબેન અલ્પેશભાઈ તળપદા (ઉવ. ૧૯), માનસીબેન મકવાણા (ઉવ. ૨૦) વગેરેને ગળામાં બળતરા અને શ્વાસની તકલીફ બાદ સારવાર અર્થ દાખલ કરાયા હતાં.
નડિયાદ નજીકથી પસાર થતા વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ગઈકાલે સમી સાંજે એક કેમિકલ ભરેલી ટેન્કર એકાએક રેલીંગ તોડી નીચે ઊંડા ખાડામાં ખાબકયુ હતું. ટેન્કર પડતાની સાથે બ્લાસ્ટ થતાં ધુમાડાના ગોટેગોટા ચારે તરફ ફેલાવવા લાગ્યા હતાં. જોકે મોડી રાત સુધીમાં આ ધુમાડા શ્વાસમાં જવાથી ૧૨ જેટલા લોકોને ગંભીર અસર થતા તેમને સારવાર માટે દાખલ કરવા પડ્યા હતાં. જ્યારે સંખ્યાબંધ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. નડિયાદ ફાયર ટીમે ૬ કલાકની ભારે જહેમત બાદ આ ટેન્કરમાંથી લીકેજ થતું કેમિકલ બંધ કર્યુ હતું અને ધુમાડાને અટકાવ્યું હતું. દાખલ કરવામાં આવેલા બાર વ્યક્તિઓને સારુ થઈ જતા તેમને રજા આપવામાં આવી છે.
વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતું કેમિકલ ભરેલ ટેન્કર નડિયાદ નજીક એકાએક પલટી ખાતા તેમાંથી કેમિકલ બહાર આવ્યું હતું અને આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ચાર તરફ ફેલાયા લાગ્યા હતાં. ફાયબ્રિગેડ પોલીસ સહિત હાઈવેની ઈમરજન્સી પેટ્રોલીંગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ૨ કિ.મી. દૂરથી આ ગોટેગોટા દ્રશ્યો જોવા મળ્યા હતાં. જોકે સ્થળ પર પહોંચેલી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આ હોનારતને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.
ફાયર બ્રિગેડ સુપ્રિટેન્ડન્ટ દીક્ષીત પટેલે જણાવ્યું હતું કે રાત્રે ૧૧.૩૦ કલાકે આ ધુમાડા આગ કાબૂમાં આવી હતી. ધુમાડો બંધ થઈ ગયા બાદ પણ કેમિકલ લીકેજ થતું હોય તેના પર માટી નાખીને કેમિકલને હળવું બનાવવામાં આવ્યું હતું અને લીકેજ બંધ કરી દીધું હતું આજે સવારે માટી હટાવીને ટેન્કર ખુલ્લુ કરી દીધું છે અને તેના માલિકને સોંપી દીધું છે.
જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે કેમિકલ ધુમાડાની ઘટનાને લઈ ૧૨ વ્યક્તિઓને અસર થઈ હતી.જેથી તેમને સારવાર અપાઈ હતી તેમની હાલતમાં હાલમાં સારી છે.